પુત્રીજન્મનાં વધામણાંનું આ ગીત આપણું રાજ્યગીત બનવું જોઈએ

એક મિત્ર પાસેથી મળેલ ઇમેઇલ :
પુત્રીજન્મનાં વધામણાંનું આ ગીત આપણું રાજ્યગીત બનવું જોઈએ
 
ગીતા માણેક

હિંદુસ્તાનમાં બે જ વર્ગ વસે છે: એક, જે પોતાની દીકરીઓને ખૂબ પ્રેમ કરે છે અને બીજો વર્ગ જે તેમના વશમાં હોય તો દીકરીઓની ગર્ભમાં જ હત્યા કરી નાખવાનું પાપ સલૂકાઈથી અને કીડીને મસળી નાખતા થાય એટલી ય પીડાનો અનુભવ કર્યા વિના કરી નાખે છે અને જે આ હદ સુધી નથી જઈ શકતા તેઓ પોતાની દીકરીઓને હડધૂત કરે છે, વધારાની ચીજ-વસ્તુ કરતાં ય બદતર ગણીને તેમની સાથે વ્યવહાર કરે છે, તેને બોજ ગણે છે. દીકરી અને ઉકરડાને વધતા વાર ન લાગે એ આવી જ માનસિકતા ધરાવતા પુરુષોએ આપેલી કહેવતો છે. 

દીકરીઓને માથે પડેલી ગણનારાઓની સંખ્યા વધુ છે તેમને પ્રેમ કરનારાઓની સરખામણીમાં. જો એવું ન હોત તો છેલ્લા એક દાયકામાં હિંદુસ્તાને તેની ૩૦,૦૦૦૦૦ છોકરીઓને ગટરમાં ન વહાવી દીધી હોત- ઘણાં લોકો નવરા બેઠા-બેઠા ધરતી પરના ઘાસના તૃણને ઉખાડતા હોય છે એમ એક-બે મહિનાના ભ્રૂણને માની કૂખમાંથી ઉખાડીને ફેંકી દે છે, જેને આપણે અંગ્રેજીમાં ‘એબોર્શન’ કહીએ છીએ, એ ભ્રૂણને પછી ગટરમાં જ તો નાખી દેવામાં આવતા હોય છે. યાદ રહે, આ ત્રીસ લાખનો આંકડો તો સરકારી આંકડો છે. જે સરકારની નજરમાં નથી આવ્યા એવા એબોર્શન્સ એટલે કે જે દીકરીઓને આપણે વધેરી નાખી છે એની સંખ્યા તો અનેકગણી વધારે છે. આ ત્રીસ લાખ દીકરીઓમાં ગુજરાતની પણ અનેક દીકરીઓ હતી એ વરવી વાસ્તવિકતા છે.

આવું અધમતાભર્યું કૃત્ય કંઈ માત્ર અભણ કે ગામડાંના લોકો જ કરે છે કે પછી ગરીબ અને પછાત વર્ગના લોકો જ કરે છે એવું માની લેવાની ભૂલ બિલકુલ કરવા જેવી નથી. દીકરીઓને દૂધ પીતી નહીં પણ ગટરમાં પધરાવી દેનારાઓ આપણી આસપાસ એટલે કે શિક્ષિત અને સભ્ય સમાજમાં પણ છે જ.

હરિયાણાની એક ઘટનાની જ વાત કરીએ તો એક મહિલાએ પોતે જાહેરમાં કબૂલ્યું હતું કે તે પોતાની નવજાત દીકરીને મારી નાખવા તૈયાર થઈ હતી. આ મહિલાને અગાઉ એક દીકરી હતી. તેણે જ્યારે બીજી દીકરીને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ તેને ન તો હોસ્પિટલમાં મળવા આવ્યો કે ન તો ઘરે લઈ જવા. આ સ્ત્રીનો ભાઈ જ્યારે પોતાના બનેવીલાલને મળવા ગયો ત્યારે બંને સાળા-બનેવી મળીને એક સોદો કર્યો. બનેવીએ શરત મૂકી કે તે પોતાની પત્નીને ઘરે લાવવા તૈયાર થશે જો તેની પત્નીએ કોઈક રીતે તેમની તાજી જ જન્મેલી દીકરીને ખતમ કરી નાખે. સાળાએ પોતાની બહેન વતી આ સોદો મંજૂર રાખ્યો. ભાઈને પણ ન તો બહેન કે ન તો આ માથે પડેલી ભાણેજોનો બોજ જોઈતો હતો. સુવાવડી નિરાધાર બહેનને ભાઈએ યેનકેનપ્રકારેણ આ શરત મંજૂર રાખવાની ફરજ પાડી. ગુલાબી-ગુલાબી ગાલ, નિર્દોષ અને નિષ્પાપ આંખો ધરાવતી કુમળી કળી જેવી દીકરીને તેની સગી માએ હરિયાણાના એક શહેરમાં ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં આંગણામાં આખી રાત નાગૂપૂગી મૂકી દીધી કારણ કે તે છોકરીના બાપને તે ધોળે ધરમેય ખપતી નહોતી. હાડ ગાળી નાખે એવી ઠંડીમાં આ ચાર-પાંચ દિવસની છોકરી ઠુઠવાઈને મરી જશે એવી ગણતરી તેની માની હતી પણ પ્રકૃતિએ જ નારીને વધુ સહનશક્તિ આપી છે અને એવી જ શક્તિ પેલી છોકરીને આપી હશે કે કેમ પણ સવારે જ્યારે તેની મા ઊઠીને આંગણામાં ગઈ તો છોકરી ઠંડીને કારણે આખી બ્લુ થઈ ગઈ હતી પણ હજુ ય મોતને હંફાવી રહી હતી. તેના શ્ર્વાસ હજુ ચાલતા હતા. માએ તેને છાતીએ વળગાડી લીધી. ખૂબ બધી હૂંફ આપી અને મનોમન નિર્ધાર કર્યો કે આવડી અમથી છોકરી, જે સંપૂર્ણપણે બીજા પર આશ્રિત છે તે જો સંઘર્ષ મૂકી દેતી નથી તો હું તો પુખ્તવયની સ્ત્રી છું. હું મારી દીકરીને મોતના હવાલે નહીં કરું. તેને જીવાડીશ અને એના માટે જે કંઈ કરવું પડે તે કરીશ. આજે તે મા-દીકરી બંને જીવિત છે.

આ વાસ્તવિક કિસ્સો થોડા વખત પહેલાં આપણા માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક આંતરરાષ્ટ્રિય મહિલા પરિષદમાં ટાંક્યો હતો. આ કિસ્સો કોઈ સિરિયલ લેખકની કલમમાંથી નહોતો ટપક્યો પણ હરિયાણાની તે મહિલાએ સ્વયં સ્મૃતિ ઈરાનીને તેઓ એક શો કરી રહ્યા હતા ત્યારે કેમેરા સમક્ષ કહ્યો હતો. દેવીઓને પૂજતા આ દેશમાં આવા અનેક કિસ્સાઓ વણકહ્યા અને વણનોંધ્યા રહી જાય છે જ્યાં મા આવી હિંમત ભેગી નથી કરી શકતી અને દીકરીઓ સંઘર્ષ કરી શકે એ માટે જન્મ પણ નથી લઈ શકતી. 

એક તરફ પોતાની વહાલના દરિયા સમી દીકરીને રઝડતી મૂકીને પોતાની દીકરી જેવડી છોકરી સાથે રંગરેલિયા મનાવતા પુરુષો છે એ જ દેશમાં બીજી તરફ ભલે નાનકડો પણ એવો એક વર્ગ પણ છે જે પોતાની દીકરીઓને છાતી ફાડીને પ્રેમ કરે છે. દીકરીઓને પ્રેમ કરતા આવા સાચા અર્થમાં જેને ‘પુરુષ’ કહી શકાય એવા પિતાઓએ ઘણું બધું લખ્યું છે અને કહ્યું છે. એવા અનેક પિતાઓ છે જેઓ પાસે કદાચ તેમની લાગણીઓના શબ્દોમાં અભિવ્યક્તિ નહીં હોય પણ તેમણે તેમની દીકરીઓને ભરપૂર પ્રેમ 

કર્યો છે.

આપણી ભાષામાં વર્ષો પહેલાં બોટાદકર નામના કવિએ અમર માતૃકાવ્ય આપ્યું- જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતૃપ્રેમનું આ એક કાવ્ય લખીને બોટાદકર અમર થઈ ગયા. આ જ ગીતના ઢાળમાં હજુ હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થનારા ઓલિયા કવિ મકરન્દ દવેએ પુત્રી માટેના એટલા જ સુંદર કાવ્યની ભેટ આપણને આપી છે. આ કાવ્યની વિશેષ નોંધ લેવાઈ નથી એ આપણી કમનસીબી છે. ‘પુત્રીજન્મના વધામણા’ આપતા આ કાવ્યને સંગીતબદ્ધ કરી ગુજરાતનું રાજ્યગીત બનાવવું જોઈએ એવું આ કાવ્ય વાંચ્યા પછી દરેક સહૃદય ગુજરાતી સ્વીકારશે. આ ગીત વાચકો સાથે વહેંચવું છે.

——

પુત્રીજન્મનાં વધામણાં

(ઢાળ: જનનીની જોડ સખી નહીં જડે રે લોલ)

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ,

પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,

અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણાં રે લોલ,

પુત્રી તો આપણી પુનાઈ રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,

વેણીનાં ફૂલની વધાઈ રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ,

લાડલી આ લાવી ઘેર ઘેર રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ,

લીલાં સપનાંની જાણે લ્હેર રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,

દુર્ગાના કંઠનો હુંકાર રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દીકરો રે લોલ,

ક્ધયા તો તેજની કટાર રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

ઉગમણે પ્હોર રતન આંખનું રે લોલ,

આથમણી સાંજે અજવાસ રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ

આભથી ઊંચેરો એનો રાસ રે,

અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s