વજ્રયાન-પ્રકરણ-૨૦ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

અલૌકિક વિચાર સંપ્રેષણ

મારા મનમાં પ્રશ્ન ઉઠ્યા કરે છે- રાત્રે બે વાગે આ કાંગ-જોંગ સિધ્ધ લામા ત્રિ-સોંગ આવવાના છે, તેની ખબર અહીં ગોમ્પામાં આવી કેવી રીતે ? અહીં કોઇ ટપાલ તો આવતી જ નથી, અને કોઇ માનવી પણ આવ્યા નથી, તો તેમના આગમનની જાણ અહીં અમને સૌને થઇ કેવી રીતે ? કોઇ કહેશો મને ? કોણ કહે ? ગુરૂજી તો તે રાત્રે જ ત્રિ-સોંગ લામા સાથે વિદાય થયા છે અને કુમારેપા પણ બીજે જ દિવસે બહાર ગયા છે. લામાઓ તો અહીં ઘણા છે, પણ તેમની સાથે વાત કરવી કેવી રીતે ? ભાષા રે ભાષા ? પણ હા, વાત કરી શકાય તેવી એક વ્યક્તિ અહીં છે-મીરાંબાઇ ! પરંતુ યાદ રહે આ મીરાંબાઇ રાજસ્થાનના મીરાંબાઇ નથી, આ તો તિબેટીઅન મીરાંબાઇ છે ! તિબેટી અને હોય કે ત્રિવિષ્ટપ (સ્વર્ગ)ના હોય છે. મારે જાણવું છે, તે તો જાણવું જ છે !
મેં તેમની પાસે મારી પ્રચંડ દરખાસ્ત મૂકી, “કહો ! કહો ! ને કહો જ ! મીરાંબાઇ તમને મને સમજાવો કે તે રાત્રે મધ્યરાત્રિ પછી તમને સૌને લામા ત્રિ-સોંગના આગમનની જાણ કેવી રીતે થઇ ? પ્રારંભમાં તો મીરાંબાઇ એકાદ સ્મિત કે એકાદ શબ્દથી મને ટાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમને ખાતરી થઇ કે એમ હું સહેલાઇથી ટાળી શકાય તેવો નથી. મેં વારંવાર વાત મૂકી, “ના કહો ને કહો જ. ના કહો જ, કહો જ !” મારી આવી હઠીલી જીજ્ઞાસા જોઇને મીરાંબાઇ ઓગળી ગયાં અને બોલ્યાં. “અરે ! તમને ‘ના’ કોણ કહી શકે ? તમારી આવિ પ્રચંડ જીજ્ઞાસા જોઇને ભલભલા ખેરખાંઓની ‘ના’નું પણ ‘હા’માં રૂપાંતર થઇ જાય તેમ છે. અનુકુળ સમયે હું તમને બધી વાત કહીશ”
અને અમારે અનુકૂળ સમયની બહુ રાહ ન જોવી પડી. એ વેળા પણ આવી ! હિમાલય વિષયક અનેક ગ્રંથોમાં વાંચ્યું છે ‘હિમકમલ’ વિશે અને હિમાલય વિષયક અનેક ગ્રંથોમાં ફોટોગ્રાફસ પણ જોયા છે- હિમકમલના ! વાંચ્યું છે અને સાંભળ્યું છે કે બરફમાં, નર્યા બરફમાં એક પુષ્પ ખીલે છે- હિમકમલ ! અને અહીં તો નર્યો બરફ જ છે, અહીં તો હિમકમલ હોવા જ જોઇએ !
ભોજન દરમિયાન મેં એક વૃધ્ધ લામાને પૂછ્યુ “હિમકમલ ?”
“હા, હા, હિમકમલ !”
બાજુમાં બેઠેલા મીરાંબાઇ તરફ ફરીને તેઓ તિબેટીઅન ભાષામાં કંઇક બોલ્યા. હું સમજી ન શક્યો, પરંતુ તેમણે હિમકમલ વિશે કાંઇક કહ્યું છે, એટલું તો સમજાયું. મેં કુતુહલ દ્રષ્ટિથી મીરાંબાઇ સામે જોયું. તેમણે કહ્યું.
“આ દાદાજી કહે છે- હા, અહીં પહાડની પાછળ એક તળાવ છે, તેના કિનારે પુષ્કળ હિમકમલ થાય છે. અત્યારે હિમકમલની ઋતુ છે.”
મેં લગભગ વેન જ લીધું- “મીરાંબાઇ ! આપણે હિમકમલ જોવા માટે જરૂર જઇએ. આટલા નજીકમાં જ હિમકમલ થાય છે અને તમે મને હિમકમલના દર્શનથી વંચીત રાખશો ?”
“ના, ના, તમને વંચીત નહીં રાખીએ. આપણે જરૂર જઇશું. મારે પણ પેટ ભરીને હિમકમલના દર્શન કરવા છે !” હિમકમલનાં દર્શનની ખરી મજા ચાંદની રાતે છે.
બીજે દિવસે રાત્રે બોજન-પ્રાર્થના પરિપૂર્ણ થયા પછી અમે બંને નીકળ્યા- હું અને મીરાંબાઇ ! માત્ર બરફમાં ચાલવું, તે એક લહાવો છે. જાણે ચાંદીના કિચડમાં ચાલતાં હોઇએ, તેમ લાગે છે !
અમે એક નાની પહાડી પાર કરીને તળાવ તરફ જઇ રહ્યા છીએ. પહાડીની ટોચ પર પહોંચ્યા અને દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઇ ગયા. ચારેય બાજુ નાની નાની પહાડીઓ છે વચ્ચે અને વચ્ચે વાડકાના તળીયા જેવું એક નાનું સુંદર સરોવર છે. જાણે દેવોના નંદનવનની કોઇ એક ક્રીડાસ્થલી હોય તેવું લાગે છે ! સરોવરનું પાણી તો ખૂબ ઉંડું છે, પણ આ શીતકાલમાં તો સરોવરની સપાટી પર બરફ છવાઇ ગયો છે. સર્વત્ર બરફ છે, તેમ આ સરોવર પર પણ બરફ છવાયેલો છે, છતાં સરોવરનો આકાર તો સ્પષ્ટ જોઇ શકાય છે.
અમે હવે પહાડી ઉતરવાનો પ્રારંભ કરીએ છીએ. આ ધવલ શીતલ ચાંદની, આ ધવલ શીતલ બરફ, આ હિમાચ્છાદિત પહાડો અને આ બરફથી ઢંકાયેલું સુંદર સરોવર ! આ પૃથ્વી સાચે જ સુંદર છે. ભગવાને મનુના પુત્રો માટે આ બહુ સુંદર નિવાસસ્થાન બનાવ્યું છે. મને આ દેવદુર્લભ દ્રશ્યોના દર્શન કરવા દો. હિમાલયની અનેક યાત્રાઓ કરીને હું શીખ્યો છું- હિમાલયમાં સૌંદર્ય દર્શન કરતી વખતે ચાલવું નહીં અને ચાલતાં ચાલતાં સૌંદર્ય દર્શન માટે ! અને સરોવરની સપાટી પર મેં આ શું જોયું ?
આ સપાટિ પર કોઇક બેઠાં છે, કોણ હશે ? ક્યાંથી આવ્યા હશે ? આ વિસ્તારમાં અમારા ગોમ્પા સિવાય કોઇ માનવ વસાહત તો છે નહીં ! બધાંએ ઘેરા કથાઇ રંગના જાડા વસ્ત્રો ધારણ કર્યા હોય તેમ જણાય છે. હું કાંઇક આશ્ચર્યચકિત થઇને આ વિશિષ્ટ દ્રશ્યને જોઇ રહ્યો છું. દ્રશ્યની રહસ્યમયતાને પામવા માટે પ્રયત્નશીલ છું, પણ પામી શકાતી નથી. મારી આ અવસ્થા મીરાંબાઇની નજર બહાર ન જ રહે ! તેમણે ધીમેથી મને કહ્યું, “સ્વામીજી ! કસ્તુરી મૃગ છે !”
હા ! કસ્તુરી મૃગ !

વજ્રયાન-૨૦_૧
કસ્તુરી મૃગ વિશે ઘણું સાંભળેલું, ઘણું વાંચેલું પરંતુ પ્રત્યક્ષદર્શન તો આજે આ ધવલ પ્રકાશિત રાત્રિમાં જ થયા. ગંગોત્રી મંદિરના એક પુરોહિતે મને કહેલું “શિયાળામાં ગંગાજીની ધારા જામીને બરફ બની જાય છે, તે વખતે ઉપર અરણ્યમાં વિહરતાં કસ્તુરી મૃગો અહીં નીચે આવીને આ ગંગાજીની જામી ગયેલી ધારા પર બેસતા હોય છે. અમે તેમને આ રીતે બેસતા અનેકવાર જોયા છે.”
આજે અમે પણ તેમને જામી ગયેલી સરોવરની સપાટી પર બેઠેલાં જોયા ! તમે ભલે અનેકવાર તો ભલે અમે એકવાર પણ જોયા છે !
અમે શાંતિથી ઉભાં છીએ. અમારે તેમને અહીંથી દૂર તગડવા નથી ! જરૂર પડશે તો અમે અહીંથી પાછા જઇશું, પરંતુ અમારે તેમને અહીંથી ક્યાંય દૂર મોકલવા નથી
અમે તો શાંતિથી ઉભા છીએ, પરંતુ કોણ જાણે કેમ તેમને અમારી, આ મનુ પુત્રો-માનવીની હયાતીની જાણ થઇ ગઇ. પાંચમાંથી ત્રણ તો ઉભા થઇ ગયાં. બધાના મુખ અમારા તરફ ફર્યા. બેસી રહેલા બે પણ ઉભા થયા. સૌ ધીમે પગલે આગળ ચાલ્યાંઅને પછી છલાંગો મારતાં મારતાંપહાડીને પાર કરીને પેલે પાર ચાલ્યાં ગયા.
અમે તેમને તગડ્યાં નથી, અમે તેમને તગડવા માટે અહીં આવ્યા નથી. અને છતાં અમારા અહીં આગમનને કારણે તેમને અહીંથી જવું પડ્યું, તેનો કાંઇક અફસોસ અમારા મનમાં રહી ગયો. આ માનવજાતિએ પૃથ્વી પર એવો તો અધિકાર જમાવી દીધો છે કે બીજા જીવોનો પૃથ્વીમાં જાણે કાંઇ ભાગ જ નથી, જાણે કાંઇ અધિકાર જ નથી.
તો પછી માનવો આવી કવિતા લખે છે, તેનું શું ?
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ !
હા, આનું શું ? અમે વિચારતાં વિચારતામ આગળ ચાલ્યાં.
મને રહી રહિને પેલી પ્રખ્યાત કડી યાદ આવે છે, કસ્તુરી કુંડલ બસે મૃગ ખૌજે બન માઁહી ! પોતાની અંદર જ કસ્તુરી છે. સુગંધ ત્યાંથી જ પ્રગટે છે. મૃગરાજ ! તમે તે સુગંધના કેન્દ્રને શોધવા જંગલમાં ક્યામ ભટકો છો ?
અને હે માનવી ! આનંદનો સાગર આત્મા તારી અંદર જ છે અને તું ક્ષણિક અને આભાસી સુખ માટે બહાર ક્યાં ફાંફાં મારે છે ?
હવે અમે આ પહાડીનું ઉતરાણ ઉતરીને સાવ નીચે, સરોવરને કિનારે આવી ગયા. જાણે આનંદના સાગરને કિનારે આવી ગયા !
અમે બસ બેસી જ પડ્યા. કહો ને કે સ્વૈચ્છાએ ફસડાઇ ગયાં. આંખો બંધ થઇ ગઇ અને ઉંડા ધ્યાનમાં સરી પડ્યા. અમે એવા સ્થાનમાં, એવા સમયે છીએ જ્યાં ધ્યાનમાં પ્રવેશવા પ્રયત્ન ન કરવો પડે ! ધ્યાનમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવો પડે.

વજ્રયાન-૨૦_૨
ખબર નથી કેટલો સમય વીતી ગયો હશે. આખરે આંખો ખુલ્લી સાથે જ ! યાદ કરું છું, યાદ કરીએ છીએ- અમે ક્યાં છીએ અને અમે અહીં શા માટે આવ્યા છીએ ! હ, યાદ આવ્યું, માંડ માંડ યાદ આવ્યું- અમે ગોમ્પાથી અહીં આવ્યા છીએ- હિમકમલના દર્શન કરવા માટે !
અમે ઉઠ્યા, અમે ચાલ્યા, અમે ચાલ્યા-સરોવરને કિનારે કિનારે અને કવચિત સરોવરની ઉપર પણ ! ચાલતાં ચાલતાં એ સ્થાન આવ્યું જ્યાં નદી સરોવરને મળે છે. બધું જ હિમાચ્છાદિત છે- નદી પણા અને સરોવર પણ ! તોયે જોઇ શકાય છે- અહીં આ નદી આ સરોવરને મળે છે. જળ પ્રવાહના વહનનો નાદ સંભળાય છે-કલ્ કલ્ કલ્ ! બધું જ હિમસ્વરૂપ બની ગયું છે, તો આ જળનો નાદ કેવી રીતે ? ક્યાંથી ? નદીનો પ્રવાહ જ્યાં સરોવરને મળે છે, તે સંગમ સ્થાન પાસેથી અવાજ આવે છે. સરોવરની ઉપરની સપાટી બરફની છે, પરંતુ અંદર, નીચે જળ ભરેલું છે તેજ રીતે નદીની ઉપરની સપાટી બરફની છે, પરંતુ અંદર, નીચે વહેતો જળ પ્રવાહ છે. ઉપરની હિમચાદરમાં ક્યાંક ગાબડા પડેલાં છે. નદીના નીચે વહેતા પ્રવાહનો ‘કલ્ કલ્’ નિનાદ આ ગાબડામાંથી બહાર આવીને અમારા કાન સુધી પહોંચે છે.
હવે અહીં ચાલવામાં જોખમ છે. કોઇક ગાબડાંમાં જ અમારો પગ પડે છે જ્યાં પગ પડે ત્યાં નવું ગાબડું પડે તો અમે નીચેના હિમશીતલ જળમાં ગરક થઇ જઇએ. તો શું અમારે આગળ ચાલવું જ નહીં ? જરૂર ચાલવું, તો શું ગાબડામાંથી પાણીમાં ગરક થઇ જવા માટે ચાલવું ? ના, ગરક ન થવાય તેવી રીતે ચાલવું ! ઉપાય છે ? ઉપાય જરૂર છે. શો ઉપાય છે ? એવા સ્થાને ચાલો, જ્યાં ગાબડા ન હોય અને ગાબડા પડવાનું જોખમ પણ ન હોય. અમે સરોવરનો કિનારો છોડીને નદીને ઉપરવાસ, નદીને કિનારે કિનારે ચાલ્યા. એક પુલ આવ્યો, પુલ ? હા, પુલ ! શાનો પુલ ? લાકડાનો ! ના ! લોખંડનો ? ના ! તો શામાંથી બનેલો પુલ ? બરફનો પુલ ! બરફનો પુલ ? હા, બરફનો પુલ ! નીચેથી નદીનો પ્રવાહ વહેતો હોય અને ઉપર બરફનો પુલ બની ગયો હોય તેવા અનેક દ્રશ્યો હિમાલયમાં જોયા છે ! આ બરફના પુલ માત્ર શિયાળામાં જ બને છે, તેમ નથી, આવા પુલતો બારમાસી પુલ પણ હોય છે. અમે પુલ પરથી નદી પાર કરીને ફરી સરોવરને કિનારે પહોંચી ગયા. નદી અને સરોવરના સંગમ સ્થાન પાસે એક નાનું મેદાન છે, હિમાચ્છાદિત મેદાન ! આ મેદાનનું દ્રશ્ય જોઇને મન ખુશીથી નાચી ઉઠ્યું. અહીં આ મેદાનમાં એકાદ બે નહીં, પચીશ-પચાશ નહીં, સેંકડો નહીં, હજારો હિમકમલ ખીલી ઉઠ્યાં છે.
રાત્રે ચંન્દ્રનો પ્રકાશ હોય તો પણ રાત તે રાત છે. દિવસના સૂર્ય પ્રકાશ જેવો રાત્રિનો ચંન્દ્રપ્રકાશ ન હોય તે સ્વાભાવિક જ છે. પરંતુ આ સ્વાભાવિકમાં ક્વચિત અપવાદ પણ હોય છે. આજે આ ચાંદી જેવા ચળકતા શિખરો, મેદાનો, નદીઓ અને સરોવરોમાં પ્રતિબિંબિત થઇને ચંન્દ્રનો પ્રકાશ માત્ર દ્વિગુણીત નહીં, પરંતુ દશગુણિત બની ગયો છે. અને તેથી આ રાત્રિનો પ્રકાશ દિવસના પ્રકાશનો સમોવડિયો કે હરીફ બની ગયો છે.
અમે હિમકમલની પાસે પહોંચ્યા આટલી સુંદર રાત્રિમાં, આટલા સુંદર બરફની વચ્ચે આટલાં સુંદર, આટલાં કોમલ હિમકમલ !
હું તો આ દુર્લભ, અતિ દુર્લભ પુષ્પ હિમકમલોને જાણે ભેટી પડ્યો, મેં તેમને હાથથી પપાળ્યા, આંખથી જોયા, ગાલે લગાડ્યા, હોઠથી વહાલ કર્યું, પરંતુ મેં તેમને તોડ્યા નહીં. સૌંદર્યનું સ્વરૂપ જ એવું છે કે તેને પકડવા જઇએ તો તે છટકી જાય છે.
લગભગ એકાદ કલાક સુધી અમે આ હિમકમલની વચ્ચે રહ્યાં, આ હિમકમલમાં તન્મય બની ગયા, આ હિમકમલ સાથે એકાકાર બની ગયા. ક્યાંય જવાનું જરા પણ ગમતું નથી. અહીં જ રહીએ તો શો વાંધો છે ? અને છતાંય અમારે આગળ ચાલવું પડ્યું. અમે પુનઃ સરોવરની પરિક્રમા શરૂ કરી અને હળવે હળવે ચાલતાં હતાં તો પણ ત્વરાથી પ્રારંભબિંદુ પાસે પહોંચી ગયા.
ફરી એક વાર બેસી ગયા, ફસકાઇ ગયા, દીર્ધકાલ પર્યંત શાંત અને મૌન ! શાંતિ અને મૌન જેવા તેવા નહીં, સાવ સાચુકલાં !
અમે ક્યાં છીએ ? હિમકમલ સરોવરને કિનારે ! અમે ક્યાંથી આવ્યા છીએ ? હા… યાદ આવ્યું. અમે અહીં ગોમ્પાથી અવ્યા છીએ.
અમે કોણ છીએ ?… ખબર નથી, તમને ખબર છે- તમે કોણ છો ? આ કોઇને પૂછવાનો પ્રશ્ન નથી. આ તો પોતાની જાતને પૂછવાનો પ્રશ્ન, વારંવાર પૂછવાનો, નિત્ય પૂછવાનો પ્રશ્ન છે- તમે કોણ છો ? હા… યાદ આવ્યું, અમે સીધા સાદા માનવી છીએ. તમે આટલી મોડી રાત્રે, આ હિમશીતલ વાતાવરણમાં આ બરફમાં ફરવા, બેસવા શા માટે આવ્યા છો ?
અને આખરી પ્રશ્ન- તમે અહીં શા માટે, ક્યો હેતુ સિધ્ધ કરવા માટે આવ્યા છો ?
હા… હવે યાદ આવ્યું. અમે અહીં આ હિમસાગરમાં એક સ્પષ્ટ હેતુ લઇને આવ્યા છીએ. હેતુ છે- મારે મીરાંબાઇ, પાસેથી જાણવું જ છે- લામા ત્રિસોંગ રાત્રે બે વાગ્યે અહીં આવવાના છે, તે તમે કેવી રીતે જાણ્યું ! સંદેશા વ્યવહારની આ પધ્ધતિ પર રાજ્યનો કર ન હોય કે રાજ્યની કોલેજોમાં તે સંદેશા વ્યવહારને રોકી પણ ન જ શકાય.
હા, હવે યાદ આવ્યું, બરાબર યાદ આવ્યું તિબેટમાં સંદેશા વ્યવહારની એક વિશિષ્ટ પધ્ધતિ ચાલે છે. આ સંદેશા વ્યવહારમાં ભૌતિક ઉપકરણો કે અન્ય યંત્ર સામગ્રીનો ઉપયોગ થતો નથી. કોઇ એક અલૌકિક પધ્ધતિથી સંદેશો મોકલી શકાય છે અને સંદેશો પ્રાપ્ત કરી શકે છે.
શું છે આ અલૌકિક વિચાર સંપ્રેસણ, સંદેશા વ્યવહારની આ અલૌકિક પધ્ધતિ ?
સાંભળેલી વાતો અને હકીકત વચ્ચે એક ગાળો રહે છે.
હવે તે ગાળો ભેદી નાખવા માટે તિબેટની આ ‘અલૌકિક વિચાર સંપ્રેસણની પધ્ધતિ વિષયક જાણવા માટે મેં જ પ્રારંભ કર્યો. “સમય અને સ્થાન સર્વથા અનુકૂળ છે, આપ કૃપા કરીને તિબેટના આ અલૌકિક વિચાર સંપ્રેસણ વિશે કહો”.
થોડી વાર તો બધું શાંત થઇ ગયું, રહ્યું ! અહીંનું વાતાવરણ જ એવું છે કે કોઇને બોલવાની રૂચિ જ રહેતી નથી. અને વિશેષતઃ આજનો આ સમય અને આજનું આ સ્થાન તો ધીર ગંભીર મૌન માટે, ગહન ધ્યાન માટે સર્વથા અનુકૂળ છે (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૧૮-૧૨-૨૦૧૪