સહુના સુખમાં મારૂં સુખ

મંદિરના ઓટલે બેઠેલો એક ભિખારી કોઇ પાંચ પૈસા આપે કે પાંચ રૂપિયા પણ દરેક વખતે એની એક જ પ્રક્રિયા. પૈસા હાથમાં રાખવાના અને નજર ઉપર આકાશ તરફ આંખ બંધ અને મુખમાંથી વહેતો શબ્દનો શાંત પ્રવાહ આપનારને માત્ર હોઠ ફફડી રહ્યા છે એટલી જ પ્રતીતિ થાય. ભિખારીનો રોજનો આ ક્રમ.

શહેરના એક યુવાને ૧૦ રૂપિયા આપ્યા. રોજ તો એને સિક્કા જ મળતા અને એ પણ એકે કે બે રૂપિયાના જ. આપણા સમાજમાં તો કેટલાક અત્યંત વિચિત્ર હોય છે. જે સિક્કો આઉટ ઓફ ડેટ થઇ ગયો હોય એ ભિખારીને આપે. અને દાન કર્યાનો સંતોષ માણે. આ યુવાને તો ઉદાર દિલનો હતો.પહેલા દિવસે ૧૦ રૂપિયા આપ્યા. પણ ભિખારીની એ જ સ્ટાઇલ, બીજો દિવસ થયો, યુવાને વીસ રૂપિયા આપ્યા. ત્રીજા દિવસે ત્રીસ, ચોથા દિવસે ચાલીસ અને પાંચમા દિવસે પચાસ રૂપિયા આપ્યા. છતાંય ભિખારીની એ જ પ્રક્રિયા. એ જ અદા, એ જ સ્ટાઇલ.

યુવાન મુંઝાયો, ગૂંચવાયો. આ ભિખારી છે કે ઓલિયો ફકીર ! ‘ભગવાન તમારું ભલુ કરે. ભગવાન તમને ખુશ રાખે.’ આવું કંઇ બોલવાનું નહીં કે આભાર પણ નહીં માનવાનો અને ધન્યવાદ પણ નહીં આપવાના ?  યુવાનથી ન રહેવાયુ એટલે એણે ધૂંઆપૂંઆ થતા કહ્યુંઃ ‘અરે યાર ! ધન્યવાદ પણ નહીં આપવાના ?

વરસોનું મૌન તોડતો હોય એમ એ બોલ્યોઃ’સાહેબ ! મેં ઈશ્વર કો પ્રાર્થના કર રહા થા કિ જિસ યુવાનને મેરે હાથ ભર દિયે ઉસ યુવાન કા દોનો હાથ તું કભી ખાલી મત રખના.’ યુવાનની મુંઝવન દુર થઇ અને એ ત્યાંથી ચાલ્યો ગયો.

વાત આમ છે. જે સુખ આપણને મળ્યું હોય એ જ સુખ કે એથી વધુ સુખ સામી વ્યક્તિને મળવું જોઇએ એવો ભાવ, એવી લાગણી, એવો પ્રેમ આપણો હોવો જોઇએ. આનંદથી જીવવું હોય, પ્રસન્નતાથી જીવવું હોય ઉલ્લાસ અને ઉમંગથી જીવવું હોય તો માત્ર આપણું જ નહીં, આપણી આસપાસ રહેતા બધાના માટે સુખ ઇચ્છવું. હું સુખી થવું, હું જ સુખી થવું, મને જ બધુ મળે. મારુ જ બધુ હોવું  જોઇએ. આ શેતાને મોકલેલા વિચારો છે. દેહ ઇન્સાનનો હોય અને જો મન શેતાનનું હોય તો એનું ભવિષ્ય હંમેશા ધૂંધળુ જ રહેવાનું

હા, કદાચ કોઇને સુખી ન કરી શકો તો કશો વાંધો નહીં પણ કોઇનું સુખ જોઇને બળવું નહીં. ઇર્ષ્યા માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. મારા કરતા આ અધિક સુખી છે. મારા કરતા આ વધુ હોંશીયાર છે. મારા કરતા આનામાં વધુ આવડત છે આવું વિચારી ક્યારેય એનાથી જલવુ નહીં. પેટમાં બળતું હોય તો એના અનેક ઉપાય છે પણ ઇર્ષ્યાથી બળતો હોય તો એનો કોઇ ઇલાજ જ નથી.

તમારાથી શક્ય હોય એ દરેકને સુખ વહેંચો. મૂડી વગરનો અને ચોખ્ખો નફો ધરાવતો આ ધંધો છે. કાયમ માટે એક સૂત્ર ગોખી લો સહુના સુખમાં મારુ સુખ. કોઇ ઘરડા માજીને મંદિરે મુકી આવીએ. કોઇ વિદ્યાર્થીને રસ્તો ક્રોસ કરવામાં સહાય કરીએ. આખી બપોર ફેરી ફરીને થાકી ગયેલા કોઇ ફેરીયાને એક ગ્લાસ ઠંડુ પાણી પીવડાવીએ. દીકરાને હોમવર્કમાં થોડી મદદ કરીએ. સાચા હ્રદયથી આપેલું સુખ તમને ક્યારેય દુઃખી નહીં બનાવી શકે.

સ્વામી વિવેકાનંદની એક પ્રસિધ્ધ વાત આપણે સહુ જાણીએ છીએ માતાએ વિવેકાનંદ પાસે છરી મંગાવી અને વિવેકાનંદે છરીનો આગળનો ભાગ જે ધારદાર હતો એ પોતાની તરફ રાખ્યો અને હાથાવાળો ભાગ માતાને આપ્યો. કારણ કે છરી પકડતા કદાચ એની ધાર માતાને વાગી જાય તો ? આ સામી વ્યક્તિના સુખનો વિચાર હતો.

બે ચીજ એવી છે. જેટલી વહેંચો એટલી વધે. જ્ઞાન અને સુખ. માત્ર એકલપેટા બનીને ભોગવ્યા કરીએ એમાં માણસાઇ નથી. કોઇના સુખમાં ભાગીદાર બનવું નહીં પણ આપણા સુખમાં કોઇને ભાગીદાર બનાવવા. કાયમ માટે સુખી રહેવું હોય તો આટલું યાદ રાખી લેજો કોઇના સુખમાં ભાગીદાર ન બનવું પણ નિમિત્ત બનવું અને કોઇના દુઃખમાં નિમિત્ત ન બનવું પણ ભાગીદાર બનવું. દુઃખ આવે ત્યારે એક ખૂણામાં બેસી એની પતાવટ કરી દેવી અને સુખ આવે ત્યારે છડેઅચોક ઉભું રહેવું. આપણા કારણે સામી વ્યક્તિ સુખી રહેતી ઓય, ખુશ રહેતી હોય, આનંદિત રહેતી હોય તો ચાર ધામની યાત્રાની જરુર નથી ઘેર બેઠા પુણ્યનું ભાથું બાંધવાનો આ મારગ છે. બસ એક જ મંત્રઃ ‘સહુના સુખમાં મારૂં સુખ’

ધરતી ધાન્ય આપીને સુખી કરે છે. વાદળ પાણી આપીને સુખી કરે છે, વૃક્ષો ફળ આપીને સુખી કરે છે, સુરજ રોશની અને ચંન્દ્ર  ચાંદની આપીને સુખી કરે છે. આ બધા વળતરની અપેક્ષા રાખ્યાવિના સહુને સુખ આપે છે કારણ કે એ લોકો સમજે છે કે સહુના સુખમાં મારું સુખ, માણસ પણ અજો આટલું સમજી જાય તો ???

મુની વચન(સહયોગઃ ગણિવર ઉદયરત્ન વિજ્યજી):

‘જેની કોઇ ગેરંટી નથી તેનું નામઃ જિંંદગી.

જેની ગેરંટી છે એનું નામઃ મૄત્યુ.

-સાભાર (સાધુ તો ચલતા ભલા) મધૂવન પૂર્તિ, ફૂલછાબ તા.૧૦-૦૭-૨૦૧૬, રવિવાર