વજ્રયાન-પ્રકરણ-૨૨ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

સંપ્રદાયો અને સાધુઓ હમણાં હમણાં હવામાન ખૂબ સરસ છે, ખુશનુમાં છે. તિબેટમાં પણ આવું સુંદર ખુશનુમાં હવામાન હોઈ શકે ? હોઈ શકે ? કેમ ન હોય ? ધરતી પર એવું કોઈ સ્થાન નથી જે ક્યારેય ખુશનુમાં ન હોય અને એવું પણ કોઈ સ્થાન નથી જે બારેય માસ સતત અનવરત ખુશનુમાં જ હોય ! ખુશનુમાં અને અ-ખુશનુમાં, બંને વારાફરતી આવે છે અને જાય છે. ધરતી પરના સ્થાનની જ શા માટે વાત કરો છો ? માનવીના જીવનનું પણ એમ જ છે. ધરતી પર કોઈ માનવી નથી જે માત્ર દુઃખી હોય અને ધરતી પર એવો પણ માનવી નથી જે માત્ર સતત અનવરત સુખી જ હોય, સુખ અને દુઃખનું ચક્ર સતત, અનવરત ચાલ્યા જ કરે છે ! પરંતુ ઉભા રહો ! ભગવાન બુધ્ધ તો કહે છે જીવનમાં દુઃખ છે આ તેમનું પ્રથમ આર્ય સત્ય છે. તેઓ જીવનમાં દુઃખની સાથે સુખ પણ છે. તેમ તો કહેતા નથી તો શું ભગવાન બુધ્ધનું આ દર્શન અધુંરું કે એક દેશીય ગણાય ? તે તો તમે જ નક્કી કરો, પરંતુ જીવનમાં દુઃખ છે અને સુખ પણ છે અને આ દ્વન્દ્વથી ઉપર આનંદ પણ છે અને આ આનંદ માત્ર નિર્વાણમાં જ છે તેમ નહીં જીવનમાં પણ શક્ય બને છે તેથી જ ઉપનિષદના ઋષિ કહે છે-

આનન્દો બ્રહ્મેતિ  વ્યજાનાત્  ! આનન્દાધ્યયેવ સ્વલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે ! આનન્દેન જાતાનિ જીવન્તિ ! આનન્દં પ્રયન્ત્યમિસંવિશન્તીતિ  ! સૈષા ભાર્ગવી વારૂણી વિદ્યા પરમે વ્યોમન્ પ્રતિષ્ઠિતા !

-તૈત્તિરીયોપનિષદ- ૩, ૬ ” આ આનંદ જ બ્રહ્મ છે, તેમ નિશ્ચયપૂર્વક જાણ્યું. ખરેખર તો આ આનંદમાંથી આ સર્વ ભૂતો પ્રગટ થાય છે અને પ્રગટ થયેલાં સર્વ ભૂતો આનંદ દ્વારા જ જીવન ધારણ કરી રહ્યા છે, અંતે આનંદમાં જ પ્રવેશ પામે છે” “આ ભાર્ગવી વારૂણી વિદ્યા છે, જે પરમ વ્યોમમાં પ્રતિષ્ઠિત છે” આમ જીવનનો પાયો દુઃખ નહીં, આનંદ છે. થોડાક દુઃખથી વિચલિત થઈને સમગ્ર જીવનને દુઃખપૂર્ણ માનવું, તે અધૂરું અને એકાંગી દર્શન છે અને તેથી જીવનના યથાર્થ સ્વરૂપને ન સમજવા બરાબર છે. તો હમણા અહીં વાતાવરણ ખુશનુમા છે. ગુરુજી અને કુમારેપા પણ અહીં આવી ગયા છે. છેલ્લા પદરેક દિવસમાં હિમવર્ષા ન્હિવત થઈ છે. મોટા ભાગનો બરફ જળ બનીને વહી ગયો છે. નદીઓ, ખીણો અને સરોવરોમાં બરફ છે. ક્યાંક ક્યાંક બરફની વચ્ચે થઈને જલપ્રવાહ વહી રહ્યા છે. અને આમ વાતાવરણ ખુશનુમા છે. પ્રારંભમાં તિબેટીઅન ભાષાનો અભ્યાસ કરવામાં ધ્યાન પરોવ્યું હતું, પરંતુ હમણાં હમણાં ભાષા શિક્ષણ બાજુમાં રહી ગયું છે અને વજ્ર યાનનો અભ્યાસ તીવ્રતાથી ચાલી રહ્યો છે. આ કુમારેપા અને મીરાંબાઈ મારા વજ્રયાન શિક્ષણના પ્રાધ્યાપકો છે. ક્યારેક કોઈ વૃધ્ધ લામા અને ગુરુજી સાથે પણ ધર્મવિષયક વાર્તાલાપ ચાલે છે. અલબત્ત કુમારેપા કે મીરાંબાઈને સાથે રાખીને ! સાંજે કુમારેપા સમાચાર લાવ્યા છે-‘આપણે સૌએ આવતીકાલે સવારે મસ્તાંગ જવાનું છે ! ‘આપણે એટલે ?’ ‘ગુરુજી, મીરાંબાઈ, બે વૃધ્ધ લામા હું અને તમે !’ ઉત્તમ ? મારા મનના એક ખૂણામાં આ ‘મસ્તાંગ’ તો ઘણા વખતથી બિરાજમાન હતું જ ! તે મસ્તાંગ મનના ખૂણામાંથી બહાર આવે છે અને અમારે આ ધરતી પરના બહિરંગ મસ્તાંગમાં જવાનું છે. શા માટે ? તે તો અહીં પૂછવાનું જ નહીં ચૂપચાપ સાથે ચાલવાનું ! બીજે દિવસે સવારે ગોમ્પાના પ્રાંગણમાં સાત યાક તૈયાર થઈને ઉભા છે. ગુરુજી,કુમારેપા,બે વૃધ્ધ લામા, મીરાંબાઈ અને હું અમે છ જ છીએ અને યાક સાત કેમ છે ? સાતમું સામાન ઉંચકવા માટે ! સમજ્યા ? હા, સમજ્યા ! સૌથી પહેલાં ગુરૂજી અને પછી અમે સૌ યાક પર સવાર થયા અને અમારી યાક-યાત્રા આગળ ચાલી. મીરાંબાઈનું યાક ગુરુજીના યાકની પાસે જ ચાલે છે. જાતવાન ઘોડાં જાતવાન શ્વાનની જેમ જાતવાન યાક પણ ક્યારે કોની સાથે ચાલવું તે બરોબર સમજે છે. મારું યાક પણ તેનાથી થોડું પાછળ પણ લગભગ તેમની લગોલગ ચાલે છે. ગુરુજી મીરાંબાઈને પૂછે છે- ‘તમે ભાણદેવજીને વજ્રયાનનું સ્વરૂપ બરાબર સમજાવ્યું છે ?’ ‘બધું તો નહીં પણ થોડું સમજાવ્યું છે’ ‘વજ્રયાનના ચાર પ્રધાન સંપ્રદાય અને લામાની ભૂમિકાની વાત થઈ છે ?’ ‘ના ગુરૂજી તે વાત થઈ નથી, હજુ બાકી છે’ ‘ભાણદેવ બરાબર સમજવા પ્રયત્નશીલ છે ?’ ‘અરે ! ભાણદેવ તો જ્વલંત જિજ્ઞાસુ છે તેમની જીજ્ઞાસા અને તેમની અધ્યયનશીલતા તથા શ્રવણપરાયણતા અતુલનીય છે, તેમાં મને કોઈ શંકા નથી’ થોડીવાર અટકીને મીરાંબાઈ આગળ ચલાવે છે- ‘ભાણદેવની જિજ્ઞાસા અને અધ્યયનશીલતા પ્રચંડ છે, પરંતુ આ બધું છતાં ભાણદેવની દ્રષ્ટિ વિદ્વતા તરફ નથી’ ‘તો ?’ ‘આધ્યાત્મ તરફ છે !’ ‘એ જ બરાબર છે. એ જ આપણે ભાણદેવજી પાસેથી શીખવાનું છે. દ્રષ્ટિ માહિતી સંગ્રહ તરફ નહીં. દ્રષ્ટિ પર્મ સત્યની પ્રાપ્તિ અને તે માટેની સાધના તરફ જ રહેવી જોઈએ. એક વિદ્વાનની અધ્યયનશીલતા અને એક આધ્યાત્મ યાત્રિની અધ્યયનશિલતા આ બંનેમાં પાયાની ભિન્નતા છે!’ થોડીવાર તો સૌ મૌન રહ્યા. પરંતુ આ મૌન તો વચગાળાના વિશ્રામ જેવું મૌન છે તે કેટલું ચાલે ?’ આખરે ગુરુજીએ પાછું વળીને જોયું. તેમની દ્રષ્ટિ સીધી જ મારા તરફ વળી. ઈશારાથી જ તેમણે મને નજીક આવવા કહ્યું. મેં તો કાંઈ જ કર્યું નહીં, પરંતુ યાક ગુરુ આજ્ઞાને સમજી ગયું. તુરંત મારું યાક ગુરુજીના યાકની સાથે જ થઈ ગયું. ગુરુજીના યાકની ડાબી બાજુ મીરાંબાઈનું યાક આમ અમારી યાત્રા આગળ ચાલી. હવે ગુરુજીના શૈક્ષણિક વર્ગનો પ્રારંભ થાય છે. વિષય છે વજ્રયાનના સંપ્રદાયો. પ્રાધ્યાપક છે ગુરુજી અને વિદ્યાર્થીઓ અમે છીએ હું અને મીરાંબાઈ ! તદ્દનુસાર પ્રથમ અહીં પ્રસ્તુત છે- વજ્રયાનના સંપ્રદાયો. વસ્તુતઃ આ વજ્રયાનના સંપ્રદાયો નથી. આ વજ્રયાનની ધારાઓ છે. તેમની વચ્ચે અરસપરસ વિરોધ, બહુ મોટી ભિન્નતા કે કોઈ પણ પ્રકારની હરિફાઈ નથી. ભલે વસ્તુતઃ આ વજ્રયાનના સંપ્રદાયો નથી આમ છતાં તે માટે અન્ય કોઈ સમુચિત શબ્દ ઉપલબ્ધ ન હોવાથી આપણે તેમના માટે ‘સંપ્રદાય’ શબ્દનો પ્રયોગ કરીએ છીએ તેમ સમજવું. વજ્રયાનના પ્રધાન સંપ્રદાય ચાર છે (૧) ન્યીંગ્મા (૨) સા-ક્યા (૩) કા-જ્યુ (૪) ગેલુગ આ ચારેય સંપ્રદાય્નો પ્રારંભ કોઈ એક વિશેષ પરિબળમાંથી થયો છે. કોઈ એક વિશેષ ગોમ્પાની પરંપરા, કોઈ ગ્રંથ સમૂચ્ચયની પરંપરા, કોઈ વિશેષ સાધનાની પરંપરા કે કોઈ એક સમર્થ આધ્યાત્મ પુરૂષની પરંપરા આવા વિશિષ્ટ પરિબળોની પરંપરામાંથી આ ચાર સંપ્રદાયનો પ્રારંભ થયો છે તેથી આપણે આ ચાર સંપ્રદાયને રૂઢ અર્થમાં સંપ્રદાય ગણવાને બદલે વિશિષ્ટ ધારા ગણીએ તો તે વધારે ઉચિત ગણાશે. આમ છતાં સામાન્ય ભાષામાં તેમના માટે સંપ્રદાય શબ્દનો પ્રયોગ કરીએ છીએ. આ ચાર સંપ્રદાયનો પરિચય કરાવતા પહેલા ગુરુજી મને બૌધ્ધની વિકાસયાત્રા સંક્ષેપમાં જણાવે છે કારણ કે તો જ વજ્રયાનના સ્વરૂપને સમજી શકાય. બૌધ્ધ ધર્મના ઉદ્દભવ પછી પ્રથમ ૫૦૦ વર્ષનો ગાળો તે બૌધ્ધનું પ્રથમ સ્વરૂપ કે પ્રથમ મહાન સોપાન છે. આ અવસ્થા દરમિયાન નૈતિક અને મનોવૈજ્ઞાનિક તત્વો પ્રથમ સ્વરૂપે રહ્યા છે. આ મનોવૈજ્ઞાનિક અભિગમ વિશેષતઃ ધ્યાન અને ચેતનાના ઉચ્ચત્તર સ્તરો વિષયક હતો તેથી આ મનોવૈજ્ઞાનિક ધ્યાન સાધનાનો આધ્યાત્મિક ગાળો કહી શકાય. બૌધ્ધ ધર્મનો દ્વિતીય ગાળો પણ લગભગ ૫૦૦ વર્ષનો ગાળો છે. આ ગાળો ઇસવીસનના પ્રારંભથી ઈ.સ.૫૦૦ સુધીનો ગાળો આ ૫૦૦ વર્ષનો દ્વિતીય ગાળો છે. આ દ્વિતીય સોપાન દરમિયાન તત્વજ્ઞાન અને ભક્તિ પરંપરાનો પ્રારંભ અને વિકાસ થયો છે. આ ગાળા દરમિયાન પ્રથમ ગાળાના તત્વોનો ઇન્કાર કે અવગણના થઈ નથી. તેમનો તો સ્વીકાર છે જ. તેમને તો પાયામાં રાખીને આ બે નવા પરિબળોનો વિકાસ થયો છે. આ સમય ગાળા દરમિયાન ભગવાન બુધ્ધ અને બોધિસત્વોની ભક્તિ, પૂજા, ઉપાસનાનો પ્રારંભ થયો અને ખૂબ વિકાસ પણ થયો છે. આ ગાળાને મહાયાન સ્વરૂપનો ગાળો ગણી શકાય. બૌધ્ધ ધર્મના વિકાસનો તૃતિય ગાળો ઈ.સ.૫૦૦ થી ઈ.સ.૧૦૦૦ સુધીનો ગાળો ગણી શકાય. આ ગાળામાં પ્રથમ અને દ્વિતીય ગાળાના પ્રધાન તત્વો અર્થાત્ નૈતિક અને મનોવૈજ્ઞાનિક તત્વો તથા તત્વજ્ઞાન અને ભક્તિનો સ્વિકાર તો છે જ આ ઉપરાંત આ તૃતિય ગાળા દરમિયાન ક્રિયાકાંડ, યોગિક તત્વો, તંત્ર સાધના અને ઉચ્ચત્તર ધ્યાન આદિ પરિબળો ઉમેરાય છે અને વિકાસ પામે છે. આ ગાળાને વજ્રયાન સ્વરૂપનો ગાળો ગણી શકાય. ચાર આર્ય સત્યો, આર્ય અષ્ટાંગ યોગ, પ્રતિત્યસમુત્પાદ આ બૌધ્ધ ધર્મનો પાયો છે અને બૌધ્ધ ધર્મની સર્વ ધારાઓમાં અને તદ્દનુસાર વજ્રયાનની સર્વ ધારાઓમાં તેમનો સ્વિકાર છે જ.અ વજ્રયાનમાં અધિક શું છે ? તંત્ર યાન ! તંત્ર, તેના વિશુધ્ધ સ્વરૂપમાં વજ્રયાનનું વિશેષ તત્વ છે અને સર્વાધિક વિશેષ તત્વ છે અને વજ્રયાનની સર્વધારાઓમાં તંત્ર યાન તો છે તેથી જ વજ્રયાનને ક્વચિત તંત્રયાન પણ કહેવામાં આવે છે. આ સત્યને વધુ સારી રીતે આ રીતે મૂકી શકાય. વજ્રયાનની સર્વ ધારાઓ કે સંપ્રદાયોમાં ત્રણેય યાન અર્થાત હીનયાન, મહાયાન અને વજ્રયાનનો યથાર્થતઃ સ્વિકાર થયો છે. વજ્રયાનની સર્વધારાઓમાં સમાન ધર્મગ્રંથોનો સ્વિકાર થયો છે. કંજુર ધર્મ ગ્રંથમાળા અને તંજૂર ધર્મગ્રંથમાળા સર્વ માટે માન્ય અને સેવ્ય છે. પરંતુ આ ઉપરાંત વજ્રયાન ભિન્ન ભિન્ન ધારાઓ પાસે પોતાન વિશેષ ધર્મગ્રંથો પણ હોય છે. વજ્રયાનની સર્વધારાઓના લામાઓ અને અનુયાયીઓ લગભગ સમાન ધર્મશૈલી અને ધર્મનિયમોને અનુસરે છે. આનો અર્થ એમ થયો કે વજ્રયાનની ભિન્ન ભિન્ન ધારાઓ પ્રધાનતઃ લગભગ સમાન છે. આમ છતાં પ્રત્યેકને પોતાની કાંઈક વિશિષ્ટતાઓ પણ છે જ, અન્યથા અલગ-અલગ ધારા ગણાય કેવી રીતે ? આટલી ભૂમિકા પછી હવે ગુરુજી મને એક પછી એક આ ચારેય ધારા કે સંપ્રદાયનો પરિચય કરાવે છે.

વજ્રયાન-૨૨_૧

૧. ન્યીંગ્મા : આ ‘ન્યીંગ્મા’ શબ્દ તિબેટીઅન ભાષાનો છે અને તેનો અર્થ થાય છે જુનો સંપ્રદાય. ચારે સંપ્રદાયમાં આ સૌથી જુનો છે અને તેઓ તંત્રના જુના અનુવાદોને અનુસરે છે તેથી તેને ‘ન્યીંગ્મા’ કહેવામાં આવે છે. ન્યીંગ્માના અનુયાયી એમ માને છે કે પોતાના આ સંપ્રદાયનિ સ્થાપના, તિબેટમાં વજ્રયાનની પ્રતિષ્ઠા કરનાર પદ્મસંભવ દ્વારા થઈ છે. તેઓ પદ્મસંભવને દ્વિતીય બુધ્ધ ગણે છે. વજ્રયાન પરંપરાના પ્રત્યેક ગોમ્પામાં ભગવાન બુધ્ધ અને બોધિસત્વ અવલોકિતેશ્વરની સાથે પદ્મસંભવનિ મૂર્તિ પણ હોય જ છે. તિબેટમાં પદ્મસંભવને ગુરુ રિંપોચે તરીકે ઓળખવામાં આવે છે.
વજ્રયાન વિદ્વાનોના મત પ્રમાણે વજ્રયાનના ચાર સંપ્રદાયોમાં ન્યીંગ્મા સંપ્રદાય સૌથી સમૃધ્ધ છે.
બૌધ્ધ ધર્મના ત્રણ યાન ગણાય છે. હીનયાન, મહાયાન અને વજ્રયાન પરંતુ ન્યીંગ્મા પરંપરામાં આ ત્રિયાનને નવ યાનમાં વહેંચવામાં આવે છે.

(૧) શ્રાવકયાન : જે સાધક પોતે પોતાની રીતે સાધના કરીને સત્ય પામી શકે તેમ નથી, પરંતુ સિધ્ધ ગુરુ પાસેથી સાંભળીને તદ્દનુસાર સાધના કરીને પોતાના વ્યક્તિગત નિર્વાણ માટે સાધના કરે છે, તેવા સાધકનો માર્ગ તે શ્રાવક યાન છે.
(૨) પ્રત્યેક બુધ્ધ યાન :  જે સાધક પોતાની જાતે સાધના કરીને માત્ર પોતાના નિર્વાણ માટે સાધન પરાયણ છે, તેનો પ્રત્યેક બુધ્ધ યાન છે. આ યાનના સાધકના કોઈ ગુરુ નથી અને કોઈ શિષ્ય નથી. આ યાનના સાધક પોતાના નિર્વાણ માટે જ પ્રયત્નશીલ છે, સર્વના નિર્વાણ માટે નહીં.
(૩) બોધિસત્વયાન : બોધિસત્વયાનના સાધકને ગુરુ પણ છે અને શિષ્ય પણ છે. આ યાનનો સાધક માત્ર પોતાના નિર્વાણ માટે નહીં, પરંતુ સર્વ પ્રાણીઓના નિર્વાણ માટે આતુર હોય છે. આ બોધિસત્વયાન સર્વના કલ્યાણનો માર્ગ છે.
(૪) ક્રિયાયોગ તંત્રયાન : આ યાનના સાધક ક્રિયાયોગ, મંત્રયોગ અને બુધ્ધ સ્વરૂપની ધારણા-ભાવના કરે છે.
(૫) ઉભયયોગ તંત્રયાન : આ યાનમાં ક્રિયાકાંડ અને ધ્યાનયોગની સમાન રીતે સાધના કરવામાં આવે છે તેથી આ ઉભયયોગ તંત્રયાન ગણાય છે.
(૬) યોગ તંત્રયાન : આ યાનમાં સાધક જ્ઞાન અને કરૂણાના સુભગ અને સંતુલિત સમન્વય માટે પ્રયત્નશીલ રહે છે અને તે માટે અનેકવિધ સાધના કરે છે, તેથી આ યોગ તંત્રયાન છે.
(૭) મહાયોગ તંત્રયાન : આ યાનમાં અનેકવિધ સાધનાઓ છે, જે વિકાસયોગ કે પૂર્ણયોગની સાધનાઓ ગણાય છે.
(૮) અનુયોગ યાન : આ યાનમાં અનેકવિધ ધ્યાન પધ્ધતિઓ છે, જેમનો સંબધ શ્વાસનિયંત્રણ, ચેતાતંત્ર, સુક્ષ્મ ચક્રો અને કામ શક્તિ સાથે હોય છે. આ સાધનાનો હેતુ વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન શક્તિઓનું ઉર્ધ્વકરણ હોય છે અને તે રીતે નિર્વાણ તરફ ગતિ થાય છે.
(૯) અતિયોગ યાન : આ સર્વોચ્ચ યાન છે. આ યાનમાં કોઈપણ પ્રકારના મધ્યસ્થ સાધનોનો આશ્રય ગ્રહણ કર્યા વિના પરમ સત્યનો સાક્ષાત્કાર કરવાની સર્વોચ્ચ સાધના છે.
આ યાનનું સ્વરૂપ કાંઈક અંશે ઝેન બૌધ્ધ સાધનાને મળતું આવે છે.
આ યાનમાં ગુરૂ, શાસ્ત્ર, ધ્યાનના બહિરંગ આવલંબનો મંત્ર, પૂજા, બધું જ સરી પડે છે.
આ અતિયોગની સાધના માટેના ખાસ ગોમ્પાઓ તિબેટમાં છે અને ઉચ્ચ કોટિના સાધકોને જ તેમાં પ્રવેશ મળે છે.
આ નવ યાનમાં પ્રથમ બે યાન તે હિનયાન ગણાય છે. તૃતિય યાન મહાયાન ગણાય છે. પછીના છ યાન વજ્રયાન છે. તેમાં પણ ચાર, પાંચ અને છ મળીને મંત્રયાન ગણાય છે. તે પછીના ત્રણ યાન અર્થાત મહાયોગ તંત્રયાન, અનુયોગયાન અને અતિયોગ યાન મળીને યથાર્થ વજ્રયાન ગણાય છે.
ન્યીંગ્મા સંપ્રદાયને બૌધ્ધ ધર્મ, વજ્રયાન પરંપરાના ગ્રંથો ઉપરાંત પોતાના ચોસઠ ગ્રંથો છે, જેમને ‘રીંચેન તેમાં’ કહેવામામ આવે છે અને તેમને ઘણો મહિમા છે. આ ઉપરાંત ન્યીંગ્મા સંપ્રદાય પાસે પોતાના ૩૦૦ તાંત્રિક ગ્રંથો છે, જેમને ‘ન્યીંગ્મા તંત્ર’ ગણવામાં આવે છે. તિબેટનો પ્રસિધ્ધ ગ્રંથ  અર્થા‌‌‌ત્  આ જ સંપ્રદાયનો ગ્રંથ છે. સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે આ ગ્રંથના રચયિતા ગુરૂ પદ્મસંભવ જ છે. આ ન્યીંગ્મા સંપ્રદાયની ચાર પેટા શાખાઓ પણ છે.

વજ્રયાન-૨૨_૨

કા-જ્યુ

કા એટલે મૌખિક વાણી અને જ્યુ એટલે પરંપરા. કા-જ્યુ સંપ્રદાય ગુરૂ શિષ્યને પોતાને મૂખેથી જે ઉપદેશ અને માર્ગદર્શન આપે છે, તેને વિશેષ મહત્વ આપે છે. ગ્રંથસ્થ ઉપદેશ અને શાસ્ત્રોનો મહિમા અહીં ઓછો છે. આધ્યાત્મનું જ્ઞાન ગુરૂ-શિષ્ય પરંપરા દ્વારા કર્ણોપકર્ણ પધ્ધતિથી આવે છે તે જ મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે તેવી આ સંપ્રદાયની માન્યતા અને પરંપરા છે.
અગિયારમી સદીમાં ભારતમાં એક મહાન ગુરૂ થયા મારપા, જેઓ નારોપાના શિષ્ય હતા. આ મહાન ગુરૂ મારપાને અને કા-જ્યુ સંપ્રદાયના પ્રથમ ગુરૂ ગણવામાં આવે છે.
મહાન તિબેટીઅન યોગી અને સિધ્ધપુરૂષ મિલારેપા આ ગુરૂ મારપાના શિષ્ય હતા અને કા-જ્યુ સંપ્રદાયમાં જ નહીં, પરંતુ સમગ્ર તિબેટમાં ખૂબ ઉંચુ અને સન્માનીય સ્થાન પામેલા છે. મિલારેપા અધ્યાત્મની સર્વ પરંપરાઓમાં નિષ્ણાત હતા અને સર્વ પ્રકારની ધ્યાન પધ્ધતિમાં સિધ્ધ હતા. મિલારેપા એક મહાન કવિ પણ હતા. તેમણે રચેલાં હજારો કાવ્યો આજે પણ તિબેટમાં વ્યાપક પ્રમાણમાં ગવાય છે. કા-જ્યુ સંપ્રદાયમાં શસ્ત્રોના અધ્યયન કરતાં સાધનાનો મહિમા વધુ છે.
કા-જ્યુ સંપ્રદાયમાં નારોપા પ્રણિત છ યોગની સાધના ખૂબ પ્રચલિત છે. આ છ યોગ આ પ્રમાણે છે.
(૧) શરીરની અંદરથી ગરમી પ્રગટ કરવી
(૨) વ્યક્તિત્વના અધ્યાસી સ્વરૂપનો સાક્ષાત્કાર
(૩) સમગ્ર અસ્તિત્વના આભાસી સ્વરૂપનો સાક્ષાત્કાર
(૪) મહાશૂન્ય પ્રકાશને આત્મસાત કરવો
(૫) મૃત્યુ પછીની અવસ્થા વિશે પ્રકાશ પાડવો
(૬) ચેતનાનું સ્થિત્યંતર આ સ્થિત્યંતર માત્ર જીવનના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં નહીં પરંતુ ચેતનાની નિમ્ન ભૂમિકામાંથી ઉચ્ચત્તર ભૂમિકામાં સ્થિત્યંતર હોય છે
આ બધી સાધના માન્ય અને સેવ્ય છે. પરંતુ કા-જ્યુ સંપ્રદાયમાંસૌથી શ્રેષ્ઠ અર્થાત્ સર્વોચ્ચ, સર્વોત્તમ સાધના મહા મુદ્રા છે.આ મહા મુદ્રા ન્યિંગ્મા સંપ્રદાયની અતિ યોગયાનની સાધના અને ઝેન બૌધ્ધ ધર્મની સર્વોચ્ચ સાધનાને મળતી આવે છે. કા-જ્યુ સંપ્રદાયમાં ચાર પેટા સંપ્રદાયો છે. (ક્રમશઃ)
-સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૦૧-૦૧-૨૦૧૫

વજ્રયાન-પ્રકરણ-૨૧ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

આમ છતાં મારા પ્રશ્નના સામર્થ્યમાં ખેંચાઇને મીરાંબાઇ બોલવા માટે તત્પર થયા. તેમણે કહી તે, ‘અલૌકિક વિચાર સંપ્રેસણની કથા અહીં પ્રસ્તુત છે.
તિબેટમાં અલૌકિક વિચાર સંપ્રેસણ સિધ્ધિની જરૂર કેમ ઉભી થઇ !
(૧) ગુરૂ અને શિષ્ય સતત સાથે જ રહેતા હોય તેમ નથી. બંને અલગ-અલગ સ્થાનો પર રહેતા હોય તેમ બને અને તિબેટ ઠીકઠીક મોટો દેશ છે, બે સ્થાનો વચ્ચેનું અંતર ઘણું મોટું પણ હોઇ શકે છે. તિબેટમાં વાહન વ્યવહારના સાધનો બહુ નથી.
આવા વિકટ સંજોગોમાં કવચિત્ શિષ્ય ગુરૂ પાસે કાંઇક માર્ગદર્શન મેળવવા ઇચ્છે અથવા ગુરૂ કોઇક સૂચના આપવા ઇચ્છે તો તે વખતે શું કરવું ? લાંબાં અંતરની ત્વરિત યાત્રા શક્ય હોય ત્યારે સંદેશની, કોઇ વિચારની આપલે કરવી કેવી રીતે ? તેનો ઉપાય છે- અલૌકિક શ્રવણ અર્થાત્ અલૌકિક વિચાર સંપ્રેસણ.
કોઇ સ્થાને કોઇ મહત્વનું ધાર્મિક સંમેલન હોય અને અનેક મહાનુભાવોને તાત્કાલિક બોલાવવા હોય ત્યારે ત્વરિત સંદેશો મોકલવો કેવી રીતે ?
તેનો ઉપાય છે- અલૌકિક શ્રવણ અર્થાત્ અલૌકિક વિચારસંપ્રેસણ.
આવા વિશિષ્ટ હેતુની સિધ્ધિ માટે તિબેટમાં અ અલૌકિક વિચાર સંપ્રેસણની શોધ થઈ છે અને આ સિધ્ધિની પરંપરા શરૂ થઈ છે.
આ ઉપરાંત અન્ય કોઈ વિશેષ હેતુની સિધ્ધિ માટે, વિશેષ સંજોગોમાં તિબેટમાં આ સિધ્ધિનો વિનિયોગ થાય છે.
આ અલૌકિક વિચારસંપ્રેસણની સિધ્ધિ પ્રાપ્ત કેવી રીતે થઈ શકે ?
વિચારની એકાગ્રતા-આ સિધ્ધિની ગુરૂ ચાવી છે.
વિચાર એક શક્તિ છે. વિચારમાં એક અસાધારણ સામર્થ્ય હોય છે. સામાન્યતઃ આપણે વિચારની આ શક્તિ, આ સામર્થ્યને જાણી કે અનુભવી શકતા નથી, કારણકે આપણા વિચારમાં અનેકાગ્રતા, ઉચ્છૃંખલતા હોય, એકાગ્રતા હોતી નથી. વિચાર જો એકાગ્ર બને તો તેનું અસાધારણ સામર્થ્ય પ્રગટ થાય છે અને વિચારોના આ સામર્થ્ય દ્વારા આપણે ઘણું સિધ્ધ કરી શકીએ તેમ છીએ.
વિચારોના આ સામર્થ્યનો ઉપયોગ કેવી રીતે કરવો ? આ સામર્થ્ય દ્વારા વિચાર સંપ્રેસણ કેવી રીતે સિધ્ધ થઈ શકે ? અને તે વિચારનું અલૌકિક સંપ્રેસણ કેવી રીતે થઈ શકે?
(૧) આ અલૌકિક ઘટનાના બે પ્રધાન વિભાગ કે સોપાન છે. અલૌકિક વિચાર સંપ્રેસણ અને અલૌકિક વિચાર શ્રવણ.
(૨) આ સાધના બંને પક્ષે થવી જોઇએ અને આ સિધ્ધિ પણ બંને પક્ષે થવી જોઈએ-વિચાર મોકલનાર અને વિચાર પ્રાપ્ત કરનાર. વિચાર મોકલનાર પાસે અલૌકિક વિચાર સંપ્રેસણનું સામર્થ્ય હોવું જોઈએ અને વિચાર શ્રવણ કરનાર પાસે અલૌકિક વિચારશ્રવણનું સામર્થ્ય હોવું જોઈએ.
વસ્તુતઃ આ બંને સામર્થ્ય એક જ સિક્કાની બે બાજુ સમાન છે. જેનામાં એક હોય તેનામાં બંને હોય.
(૩) હવે પ્રશ્ન એ છે કે અલૌકિક વિચાર સંપ્રેસણની સિધ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે માટેની સાધનાના પાંચ સોપાનો છે.

(૧) ધ્યાનમાં પ્રવેશ, ધ્યાન સાધના અને ધ્યાનાવસ્થામાં અવસ્થિતિ.
(૨) શૂન્યાવસ્થામાં રહેવાની કળા.
(૩) કોઈ એક વિષય પર ઘનિષ્ઠ એકાગ્રતા કરવાની સિધ્ધિ પ્રાપ્ત કરવી.
(૪) તીવ્ર ભાવનાની આવડત.
(૫) પ્રચંડ સંકલ્પ શક્તિ.

વજ્રયાન-૨૧_૧

(૪) આ સાધના સિધ્ધ કરનાર સાધક કોઈ પણ પ્રકારના બાહ્ય સાધન કે ઉપકરણ વિના કોઈ એક સ્થાનેથી અન્ય દૂરના સ્થાને સંદેશ મોકલી શકે છે. આ છે અલૌકિક વિચાર સંપ્રેસણ.
અલૌકિક વિચારસંપ્રેસણ કરનાર સિધ્ધ જે રીતે સંદેશ મોકલે છે તે પધ્ધતિ કાંઈક આ પ્રમાણે છે.
સંપ્રેષક શાંત એકાંત સ્થાનમાં બેસે છે. ગહન ધ્યાનમાં પ્રવેશ કરે છે, જેને તેમને પર્યાપ્ત પૂર્વાભ્યાસ છે. ધ્યાનાભ્યાસમાં આગળ વધીને સાધક, સંપ્રેષક શૂન્યાવસ્થામાં પ્રવેશે છે. શૂન્યાવસ્થા એટલે ચેતના કોઈપણ વિષયથી ગ્રસિત ન હોય તેવી અવસ્થા.
શૂન્ય અવસ્થામાં સ્થિર થયા પછી સંપ્રેષક જે સંદેશ મોકલવા ઇચ્છે તેના પણ ઘનિષ્ટ એકાગ્રતા સિધ્ધ કરે, સંપ્રેષક જાણે સંદેશમય બની જાય છે.
એકાગ્ર અવસ્થામાં સાધક એક વિશિષ્ટ પ્રકારની ભાવના કરે છે કે  જે વ્યક્તિને સંદેશ મોકલવા ઇચ્છે છે તે વ્યક્તિ પોતાની બીલકુલ બાજુમાં જ ઉપસ્થિત છે. આ ભાવન એટલી તો ઘનિષ્ટ અને ગહન હોય છે કે સંપ્રેષક સામેની વ્યક્તિને પોતાની બાજુમાં જ હાજર અનુભવે છે.
સંપ્રેષક પોતાનો તીવ્ર સંકલ્પ મૂકે છે કે પોતાની વાત સામેની વ્યક્તિ  સાંભળશે જ.
આટલું સિધ્ધ થયા પછી સંપ્રેષક સાધક ભાવનાથી હાજર તે વ્યક્તિને પોતાનો સંદેશ એવા ભાવથી અને એવી રીતે સંભળાવે છે, જાણે કે તે વ્યક્તિ પોતાની બાજુમાં જ છે.
સંપ્રેષક સાધક પોતાના સંદેશને વારંવાર પુનરાવર્તિત કરે છે, વારંવાર સંભળાવે છે અને આમ અલૌકિક વિચાર સંપ્રેષણની ઘટના ઘટે છે અને જેમને આ વિચાર મોકલાયો છે, તેઓ આ સંદેશના શબ્દો કાનનો ઉપયોગ કર્યા વિના સાંભળે છે. હા, આમ થવા માટે વિચાર ગ્રહણ કરનાર ગ્રાહકની ચેતના પણ આ જ રીતે તૈયાર થયેલી હોવી જોઈએ.
મીરાંબાઈ દ્વારા અલૌકિક વિચાર-સંપ્રેષણની પધ્ધતિની આ કથા મેં સાંભળી, મને સમજાઈ અને મને શ્રધ્ધા પણ બેઠી. પરંતુ મારું મન સાબિતી માગે છે અને સ્વાનુભવ પણ માગે છે અને મેં આ માગણી મીરાંબાઈ પાસે મૂકી પણ ખરી.
“આપ મને આ ઘટના પ્રયોગપૂર્વક સમજાવો”
થોડીવાર તો મીરાંબાઈ મૌન થઈ ગયા, કદાચ શૂન્ય મનસ્ક થઈ ગયા, પરંતુ મીરાંબાઈ જેમનું નામ !
મિરાંબાઈએ સાહસ કર્યું અને સાહસપૂર્વક મને કહ્યું, “ભલે ! આપ સામેની પહાડીની ટોચ પર બેસો. ધ્યાનસ્થ બેસજો. હું સામેની પહાડીની ટોચ પર બેસીને આપને એક સંદેશ મોકલું છું જોઈએ અલૌકિક વિચારસંપ્રેષણ બને છે કે નહીં”
હું એક પહાડીની ટોચ પર અને મીરાંબાઈ સામેની બીજી પહાડી પર બેઠા.
હું ધ્યાનસ્થ થયો, ચિત્ત વિચારમુક્ત-રિક્ત બન્યું.
મારું ચિત્ત મીરાંબાઈના સંદેશ ઝીલવા માટે એકાગ્ર-એકનિષ્ઠ બન્યું
મેં એવી તીવ્ર ભાવના કરી કે મીરાંબાઈ મારી બાજુમાં બેસીને મારા કાનમાં કાંઈક સંદેશ કહે છે.
મેં શ્રવણ માટે પ્રંચડ ગ્રહણશીલતાનો સંકલ્પ મૂક્યો.
બધું જ શાંત, સંપૂર્ણ શાંત !
…અને મને મીરાંબાઈએ વારંવાર એક શબ્દ સંભળાયો-“હિમાલય ! હિમાલય ! હિમાલય !”
થોડીવાર શાંતિ, સંપૂર્ણ શાંતિ
હું જે પહાડ પર બેઠો છું ત્યાં જ બેઠો છું અને ત્યાં જ મીરાંબાઈ હાજર થયા.
આવીને બેઠા અને બેસીને બોલ્યા, ‘મેં આપને ‘હિમાલય’ શબ્દ મોકલ્યો હતો. આપને મળ્યો છે ?’
મને થયું-હું આનંદથી નાચવા માંડુ ! ‘મેં કહ્યું હા,હા, હિમાલય શબ્દ મળ્યો છે અને ત્રણ વાર મળ્યો છે’
મીરાંબાઈ પણ પ્રસન્ન !
મીરાંબાઈ ઉભા થયા અને બોલ્યા, ‘હવે આ વખતે આપ સંદેશ મોકલજો અને હું ગ્રહણ કરીશ’
આટલું કહીને તેઓ ફરીથી સામેનીપહાડી પર ચાલ્યા ગયા.
હું ધ્યાનમાં બેઠો તે જ પધ્ધતિ. ધ્યાન…શૂન્યાવસ્થા…એકાગ્રતા…ભાવના…સંકલ્પપૂર્વક સંદેશ સંપ્રેષણ. મેં વારંવાર શબ્દ પુનરાવર્તિત કર્યો, ‘ગંગા…ગંગા…ગંગા’
થોડીવાર શાંતિ અને પછી પોતાની પહાડી પરથી ગંગાની બૂમ સંભળાઈ,
‘શબ્દ મળી ગયો છે, ગંગા…ગંગા…ગંગા…’
…અને મીરાંબાઈ લગભગ દોડતાં દોડતાં જ મારી પાસે આવી પહોંચ્યા આ તિબેટીઅન લોકો માટે બરફમાં દોડવું અને પહાડો ચડવાં, એ તો જાણે બાળકોની રમત !
મીરાંબાઈએ સમાપન કર્યું. ‘તો આ અલૌકિક વિચાર-સંપ્રેષણ’ પ્રયોગ દ્વારા સિધ્ધ ?’

વજ્રયાન-૨૧_૨
‘હા, પ્રયોગ દ્વારા સિધ્ધ !’
અમે થોડીવાર બેઠા-હું આ રહસ્યમય તિબેટની રહસ્યમયતાનો વિચાર કરુ છું.
અમારું મૂખ પૂર્વ દિશામાં છે. પૂર્વ દિશા લાલ બની રહી છે. અરે ! આ અમારા સંભાષણ અને પ્રયોગમાં આખી રાત વિતી ગઈ !
અમે ઉભાં થયા, હવે આપણે ગોમ્પામાં જવું જોઈએ.
અમે ધીમે ધીમે ચાલ્યા.
મીરાંબાઈને અચાનક કાંઈક યાદ આવ્યું હોય તેમ તેઓ બોલ્યા, ‘આપણે ગોમ્પામાં પૂજા માટે થોડા હિમકમલ લઈ જઈએ તો સારું !’
‘બરાબર છે !’
‘ચાલો’
અમે વિપરીત ક્રમે સરોવરના પરિક્રમા માર્ગ પર ચાલ્યા અને હિમકમલના ક્ષેત્રમાં પહોંચ્યા. આ આપણા મીરાંબાઈને પુષ્પો બહુ ગમે છે અને તેમાં પણ આ તો બ્રમકમલ !
મીરાંબાઈએ થોડા સુંદર હિમકમલ ચૂંટ્યા. સામાન્ય કમળ પાણીમાં અને વેલા પર થાય છે. પાણીમાં કમળના વેલાં ! બ્રહ્મકમલ અર્થાત્ સ્થલ કમલ હિમાલયના ખૂબ ઠંડા વિસ્તારમાં, ઉંચા પહાડો પર ઉગે છે. આ બ્રહ્મકમલ નાના, સાવ નાના છોડ પર ખીલે છે. નાના છોડ પર મોટું પુષ્પ તે બ્રહ્મકમલ કે સ્થલકમલ. સ્થલકમલ કહેવાય છે કારણ કે જળમાં નહીં, પણ સ્થળ પર, જમીન પર થાય છે.
પરંતુ આ હિમકમલ ! હિમકમલની વાત જ જુદી ! આ કમલ જલમાં ઉગતું નથી. આ હિમકમલ સામાન્ય જમીન પર પણ ઉગતું નથી. આ હીમકમલ હિમ અર્થાત્ બરફમાં ઉગે છે, તેથી તે હિમકમલ છે. આ હિમકમલ કોઈ છોડ પર કે પાનની વચ્ચે ઉગતું નથી. આ ફૂલ સીધું જ બરફમાં ઉગી નીકળે છે તે છોડ પર નહીં પાનની વચ્ચે કે સાથે નહીં આ પુષ્પ માત્ર પુષ્પરૂપે જ ઉગે છે. ન છોડ, ન ડાળી, ન પાન ! જુઓ ! જુઓ ! આ ફાંટાબાજ કુદરતની હેરતભરી કરામત !
મીરાંબાઈ થોડા હિમકમલ સાથે લીધાં મેં હિમકમલ ચૂંટ્યા નહીં. ખબર નહીં, પરંતુ મને ફુલ ચૂંટવાનું કામ ગમતું નથી.
અમે ગોમ્પામાં પહોંચ્યા ત્યારે સૂર્યોદય તો થયો ન હતો, પરંતુ સૂર્યના આગમની છડી પુકારતો તેનોપ્રકાશ ધરતી પર ફેલાઈ ચૂક્યો હતો.
પ્રકાશ ! હા, પ્રકાશ ! તમારું સ્વાગત છે ! ધરતી પર અને જીવનમાં પ્રકાશ ! તમારું સર્વત્ર સ્વાગત છે ! (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૨૫-૧૨-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૨૦ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

અલૌકિક વિચાર સંપ્રેષણ

મારા મનમાં પ્રશ્ન ઉઠ્યા કરે છે- રાત્રે બે વાગે આ કાંગ-જોંગ સિધ્ધ લામા ત્રિ-સોંગ આવવાના છે, તેની ખબર અહીં ગોમ્પામાં આવી કેવી રીતે ? અહીં કોઇ ટપાલ તો આવતી જ નથી, અને કોઇ માનવી પણ આવ્યા નથી, તો તેમના આગમનની જાણ અહીં અમને સૌને થઇ કેવી રીતે ? કોઇ કહેશો મને ? કોણ કહે ? ગુરૂજી તો તે રાત્રે જ ત્રિ-સોંગ લામા સાથે વિદાય થયા છે અને કુમારેપા પણ બીજે જ દિવસે બહાર ગયા છે. લામાઓ તો અહીં ઘણા છે, પણ તેમની સાથે વાત કરવી કેવી રીતે ? ભાષા રે ભાષા ? પણ હા, વાત કરી શકાય તેવી એક વ્યક્તિ અહીં છે-મીરાંબાઇ ! પરંતુ યાદ રહે આ મીરાંબાઇ રાજસ્થાનના મીરાંબાઇ નથી, આ તો તિબેટીઅન મીરાંબાઇ છે ! તિબેટી અને હોય કે ત્રિવિષ્ટપ (સ્વર્ગ)ના હોય છે. મારે જાણવું છે, તે તો જાણવું જ છે !
મેં તેમની પાસે મારી પ્રચંડ દરખાસ્ત મૂકી, “કહો ! કહો ! ને કહો જ ! મીરાંબાઇ તમને મને સમજાવો કે તે રાત્રે મધ્યરાત્રિ પછી તમને સૌને લામા ત્રિ-સોંગના આગમનની જાણ કેવી રીતે થઇ ? પ્રારંભમાં તો મીરાંબાઇ એકાદ સ્મિત કે એકાદ શબ્દથી મને ટાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમને ખાતરી થઇ કે એમ હું સહેલાઇથી ટાળી શકાય તેવો નથી. મેં વારંવાર વાત મૂકી, “ના કહો ને કહો જ. ના કહો જ, કહો જ !” મારી આવી હઠીલી જીજ્ઞાસા જોઇને મીરાંબાઇ ઓગળી ગયાં અને બોલ્યાં. “અરે ! તમને ‘ના’ કોણ કહી શકે ? તમારી આવિ પ્રચંડ જીજ્ઞાસા જોઇને ભલભલા ખેરખાંઓની ‘ના’નું પણ ‘હા’માં રૂપાંતર થઇ જાય તેમ છે. અનુકુળ સમયે હું તમને બધી વાત કહીશ”
અને અમારે અનુકૂળ સમયની બહુ રાહ ન જોવી પડી. એ વેળા પણ આવી ! હિમાલય વિષયક અનેક ગ્રંથોમાં વાંચ્યું છે ‘હિમકમલ’ વિશે અને હિમાલય વિષયક અનેક ગ્રંથોમાં ફોટોગ્રાફસ પણ જોયા છે- હિમકમલના ! વાંચ્યું છે અને સાંભળ્યું છે કે બરફમાં, નર્યા બરફમાં એક પુષ્પ ખીલે છે- હિમકમલ ! અને અહીં તો નર્યો બરફ જ છે, અહીં તો હિમકમલ હોવા જ જોઇએ !
ભોજન દરમિયાન મેં એક વૃધ્ધ લામાને પૂછ્યુ “હિમકમલ ?”
“હા, હા, હિમકમલ !”
બાજુમાં બેઠેલા મીરાંબાઇ તરફ ફરીને તેઓ તિબેટીઅન ભાષામાં કંઇક બોલ્યા. હું સમજી ન શક્યો, પરંતુ તેમણે હિમકમલ વિશે કાંઇક કહ્યું છે, એટલું તો સમજાયું. મેં કુતુહલ દ્રષ્ટિથી મીરાંબાઇ સામે જોયું. તેમણે કહ્યું.
“આ દાદાજી કહે છે- હા, અહીં પહાડની પાછળ એક તળાવ છે, તેના કિનારે પુષ્કળ હિમકમલ થાય છે. અત્યારે હિમકમલની ઋતુ છે.”
મેં લગભગ વેન જ લીધું- “મીરાંબાઇ ! આપણે હિમકમલ જોવા માટે જરૂર જઇએ. આટલા નજીકમાં જ હિમકમલ થાય છે અને તમે મને હિમકમલના દર્શનથી વંચીત રાખશો ?”
“ના, ના, તમને વંચીત નહીં રાખીએ. આપણે જરૂર જઇશું. મારે પણ પેટ ભરીને હિમકમલના દર્શન કરવા છે !” હિમકમલનાં દર્શનની ખરી મજા ચાંદની રાતે છે.
બીજે દિવસે રાત્રે બોજન-પ્રાર્થના પરિપૂર્ણ થયા પછી અમે બંને નીકળ્યા- હું અને મીરાંબાઇ ! માત્ર બરફમાં ચાલવું, તે એક લહાવો છે. જાણે ચાંદીના કિચડમાં ચાલતાં હોઇએ, તેમ લાગે છે !
અમે એક નાની પહાડી પાર કરીને તળાવ તરફ જઇ રહ્યા છીએ. પહાડીની ટોચ પર પહોંચ્યા અને દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઇ ગયા. ચારેય બાજુ નાની નાની પહાડીઓ છે વચ્ચે અને વચ્ચે વાડકાના તળીયા જેવું એક નાનું સુંદર સરોવર છે. જાણે દેવોના નંદનવનની કોઇ એક ક્રીડાસ્થલી હોય તેવું લાગે છે ! સરોવરનું પાણી તો ખૂબ ઉંડું છે, પણ આ શીતકાલમાં તો સરોવરની સપાટી પર બરફ છવાઇ ગયો છે. સર્વત્ર બરફ છે, તેમ આ સરોવર પર પણ બરફ છવાયેલો છે, છતાં સરોવરનો આકાર તો સ્પષ્ટ જોઇ શકાય છે.
અમે હવે પહાડી ઉતરવાનો પ્રારંભ કરીએ છીએ. આ ધવલ શીતલ ચાંદની, આ ધવલ શીતલ બરફ, આ હિમાચ્છાદિત પહાડો અને આ બરફથી ઢંકાયેલું સુંદર સરોવર ! આ પૃથ્વી સાચે જ સુંદર છે. ભગવાને મનુના પુત્રો માટે આ બહુ સુંદર નિવાસસ્થાન બનાવ્યું છે. મને આ દેવદુર્લભ દ્રશ્યોના દર્શન કરવા દો. હિમાલયની અનેક યાત્રાઓ કરીને હું શીખ્યો છું- હિમાલયમાં સૌંદર્ય દર્શન કરતી વખતે ચાલવું નહીં અને ચાલતાં ચાલતાં સૌંદર્ય દર્શન માટે ! અને સરોવરની સપાટી પર મેં આ શું જોયું ?
આ સપાટિ પર કોઇક બેઠાં છે, કોણ હશે ? ક્યાંથી આવ્યા હશે ? આ વિસ્તારમાં અમારા ગોમ્પા સિવાય કોઇ માનવ વસાહત તો છે નહીં ! બધાંએ ઘેરા કથાઇ રંગના જાડા વસ્ત્રો ધારણ કર્યા હોય તેમ જણાય છે. હું કાંઇક આશ્ચર્યચકિત થઇને આ વિશિષ્ટ દ્રશ્યને જોઇ રહ્યો છું. દ્રશ્યની રહસ્યમયતાને પામવા માટે પ્રયત્નશીલ છું, પણ પામી શકાતી નથી. મારી આ અવસ્થા મીરાંબાઇની નજર બહાર ન જ રહે ! તેમણે ધીમેથી મને કહ્યું, “સ્વામીજી ! કસ્તુરી મૃગ છે !”
હા ! કસ્તુરી મૃગ !

વજ્રયાન-૨૦_૧
કસ્તુરી મૃગ વિશે ઘણું સાંભળેલું, ઘણું વાંચેલું પરંતુ પ્રત્યક્ષદર્શન તો આજે આ ધવલ પ્રકાશિત રાત્રિમાં જ થયા. ગંગોત્રી મંદિરના એક પુરોહિતે મને કહેલું “શિયાળામાં ગંગાજીની ધારા જામીને બરફ બની જાય છે, તે વખતે ઉપર અરણ્યમાં વિહરતાં કસ્તુરી મૃગો અહીં નીચે આવીને આ ગંગાજીની જામી ગયેલી ધારા પર બેસતા હોય છે. અમે તેમને આ રીતે બેસતા અનેકવાર જોયા છે.”
આજે અમે પણ તેમને જામી ગયેલી સરોવરની સપાટી પર બેઠેલાં જોયા ! તમે ભલે અનેકવાર તો ભલે અમે એકવાર પણ જોયા છે !
અમે શાંતિથી ઉભાં છીએ. અમારે તેમને અહીંથી દૂર તગડવા નથી ! જરૂર પડશે તો અમે અહીંથી પાછા જઇશું, પરંતુ અમારે તેમને અહીંથી ક્યાંય દૂર મોકલવા નથી
અમે તો શાંતિથી ઉભા છીએ, પરંતુ કોણ જાણે કેમ તેમને અમારી, આ મનુ પુત્રો-માનવીની હયાતીની જાણ થઇ ગઇ. પાંચમાંથી ત્રણ તો ઉભા થઇ ગયાં. બધાના મુખ અમારા તરફ ફર્યા. બેસી રહેલા બે પણ ઉભા થયા. સૌ ધીમે પગલે આગળ ચાલ્યાંઅને પછી છલાંગો મારતાં મારતાંપહાડીને પાર કરીને પેલે પાર ચાલ્યાં ગયા.
અમે તેમને તગડ્યાં નથી, અમે તેમને તગડવા માટે અહીં આવ્યા નથી. અને છતાં અમારા અહીં આગમનને કારણે તેમને અહીંથી જવું પડ્યું, તેનો કાંઇક અફસોસ અમારા મનમાં રહી ગયો. આ માનવજાતિએ પૃથ્વી પર એવો તો અધિકાર જમાવી દીધો છે કે બીજા જીવોનો પૃથ્વીમાં જાણે કાંઇ ભાગ જ નથી, જાણે કાંઇ અધિકાર જ નથી.
તો પછી માનવો આવી કવિતા લખે છે, તેનું શું ?
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ !
હા, આનું શું ? અમે વિચારતાં વિચારતામ આગળ ચાલ્યાં.
મને રહી રહિને પેલી પ્રખ્યાત કડી યાદ આવે છે, કસ્તુરી કુંડલ બસે મૃગ ખૌજે બન માઁહી ! પોતાની અંદર જ કસ્તુરી છે. સુગંધ ત્યાંથી જ પ્રગટે છે. મૃગરાજ ! તમે તે સુગંધના કેન્દ્રને શોધવા જંગલમાં ક્યામ ભટકો છો ?
અને હે માનવી ! આનંદનો સાગર આત્મા તારી અંદર જ છે અને તું ક્ષણિક અને આભાસી સુખ માટે બહાર ક્યાં ફાંફાં મારે છે ?
હવે અમે આ પહાડીનું ઉતરાણ ઉતરીને સાવ નીચે, સરોવરને કિનારે આવી ગયા. જાણે આનંદના સાગરને કિનારે આવી ગયા !
અમે બસ બેસી જ પડ્યા. કહો ને કે સ્વૈચ્છાએ ફસડાઇ ગયાં. આંખો બંધ થઇ ગઇ અને ઉંડા ધ્યાનમાં સરી પડ્યા. અમે એવા સ્થાનમાં, એવા સમયે છીએ જ્યાં ધ્યાનમાં પ્રવેશવા પ્રયત્ન ન કરવો પડે ! ધ્યાનમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવો પડે.

વજ્રયાન-૨૦_૨
ખબર નથી કેટલો સમય વીતી ગયો હશે. આખરે આંખો ખુલ્લી સાથે જ ! યાદ કરું છું, યાદ કરીએ છીએ- અમે ક્યાં છીએ અને અમે અહીં શા માટે આવ્યા છીએ ! હ, યાદ આવ્યું, માંડ માંડ યાદ આવ્યું- અમે ગોમ્પાથી અહીં આવ્યા છીએ- હિમકમલના દર્શન કરવા માટે !
અમે ઉઠ્યા, અમે ચાલ્યા, અમે ચાલ્યા-સરોવરને કિનારે કિનારે અને કવચિત સરોવરની ઉપર પણ ! ચાલતાં ચાલતાં એ સ્થાન આવ્યું જ્યાં નદી સરોવરને મળે છે. બધું જ હિમાચ્છાદિત છે- નદી પણા અને સરોવર પણ ! તોયે જોઇ શકાય છે- અહીં આ નદી આ સરોવરને મળે છે. જળ પ્રવાહના વહનનો નાદ સંભળાય છે-કલ્ કલ્ કલ્ ! બધું જ હિમસ્વરૂપ બની ગયું છે, તો આ જળનો નાદ કેવી રીતે ? ક્યાંથી ? નદીનો પ્રવાહ જ્યાં સરોવરને મળે છે, તે સંગમ સ્થાન પાસેથી અવાજ આવે છે. સરોવરની ઉપરની સપાટી બરફની છે, પરંતુ અંદર, નીચે જળ ભરેલું છે તેજ રીતે નદીની ઉપરની સપાટી બરફની છે, પરંતુ અંદર, નીચે વહેતો જળ પ્રવાહ છે. ઉપરની હિમચાદરમાં ક્યાંક ગાબડા પડેલાં છે. નદીના નીચે વહેતા પ્રવાહનો ‘કલ્ કલ્’ નિનાદ આ ગાબડામાંથી બહાર આવીને અમારા કાન સુધી પહોંચે છે.
હવે અહીં ચાલવામાં જોખમ છે. કોઇક ગાબડાંમાં જ અમારો પગ પડે છે જ્યાં પગ પડે ત્યાં નવું ગાબડું પડે તો અમે નીચેના હિમશીતલ જળમાં ગરક થઇ જઇએ. તો શું અમારે આગળ ચાલવું જ નહીં ? જરૂર ચાલવું, તો શું ગાબડામાંથી પાણીમાં ગરક થઇ જવા માટે ચાલવું ? ના, ગરક ન થવાય તેવી રીતે ચાલવું ! ઉપાય છે ? ઉપાય જરૂર છે. શો ઉપાય છે ? એવા સ્થાને ચાલો, જ્યાં ગાબડા ન હોય અને ગાબડા પડવાનું જોખમ પણ ન હોય. અમે સરોવરનો કિનારો છોડીને નદીને ઉપરવાસ, નદીને કિનારે કિનારે ચાલ્યા. એક પુલ આવ્યો, પુલ ? હા, પુલ ! શાનો પુલ ? લાકડાનો ! ના ! લોખંડનો ? ના ! તો શામાંથી બનેલો પુલ ? બરફનો પુલ ! બરફનો પુલ ? હા, બરફનો પુલ ! નીચેથી નદીનો પ્રવાહ વહેતો હોય અને ઉપર બરફનો પુલ બની ગયો હોય તેવા અનેક દ્રશ્યો હિમાલયમાં જોયા છે ! આ બરફના પુલ માત્ર શિયાળામાં જ બને છે, તેમ નથી, આવા પુલતો બારમાસી પુલ પણ હોય છે. અમે પુલ પરથી નદી પાર કરીને ફરી સરોવરને કિનારે પહોંચી ગયા. નદી અને સરોવરના સંગમ સ્થાન પાસે એક નાનું મેદાન છે, હિમાચ્છાદિત મેદાન ! આ મેદાનનું દ્રશ્ય જોઇને મન ખુશીથી નાચી ઉઠ્યું. અહીં આ મેદાનમાં એકાદ બે નહીં, પચીશ-પચાશ નહીં, સેંકડો નહીં, હજારો હિમકમલ ખીલી ઉઠ્યાં છે.
રાત્રે ચંન્દ્રનો પ્રકાશ હોય તો પણ રાત તે રાત છે. દિવસના સૂર્ય પ્રકાશ જેવો રાત્રિનો ચંન્દ્રપ્રકાશ ન હોય તે સ્વાભાવિક જ છે. પરંતુ આ સ્વાભાવિકમાં ક્વચિત અપવાદ પણ હોય છે. આજે આ ચાંદી જેવા ચળકતા શિખરો, મેદાનો, નદીઓ અને સરોવરોમાં પ્રતિબિંબિત થઇને ચંન્દ્રનો પ્રકાશ માત્ર દ્વિગુણીત નહીં, પરંતુ દશગુણિત બની ગયો છે. અને તેથી આ રાત્રિનો પ્રકાશ દિવસના પ્રકાશનો સમોવડિયો કે હરીફ બની ગયો છે.
અમે હિમકમલની પાસે પહોંચ્યા આટલી સુંદર રાત્રિમાં, આટલા સુંદર બરફની વચ્ચે આટલાં સુંદર, આટલાં કોમલ હિમકમલ !
હું તો આ દુર્લભ, અતિ દુર્લભ પુષ્પ હિમકમલોને જાણે ભેટી પડ્યો, મેં તેમને હાથથી પપાળ્યા, આંખથી જોયા, ગાલે લગાડ્યા, હોઠથી વહાલ કર્યું, પરંતુ મેં તેમને તોડ્યા નહીં. સૌંદર્યનું સ્વરૂપ જ એવું છે કે તેને પકડવા જઇએ તો તે છટકી જાય છે.
લગભગ એકાદ કલાક સુધી અમે આ હિમકમલની વચ્ચે રહ્યાં, આ હિમકમલમાં તન્મય બની ગયા, આ હિમકમલ સાથે એકાકાર બની ગયા. ક્યાંય જવાનું જરા પણ ગમતું નથી. અહીં જ રહીએ તો શો વાંધો છે ? અને છતાંય અમારે આગળ ચાલવું પડ્યું. અમે પુનઃ સરોવરની પરિક્રમા શરૂ કરી અને હળવે હળવે ચાલતાં હતાં તો પણ ત્વરાથી પ્રારંભબિંદુ પાસે પહોંચી ગયા.
ફરી એક વાર બેસી ગયા, ફસકાઇ ગયા, દીર્ધકાલ પર્યંત શાંત અને મૌન ! શાંતિ અને મૌન જેવા તેવા નહીં, સાવ સાચુકલાં !
અમે ક્યાં છીએ ? હિમકમલ સરોવરને કિનારે ! અમે ક્યાંથી આવ્યા છીએ ? હા… યાદ આવ્યું. અમે અહીં ગોમ્પાથી અવ્યા છીએ.
અમે કોણ છીએ ?… ખબર નથી, તમને ખબર છે- તમે કોણ છો ? આ કોઇને પૂછવાનો પ્રશ્ન નથી. આ તો પોતાની જાતને પૂછવાનો પ્રશ્ન, વારંવાર પૂછવાનો, નિત્ય પૂછવાનો પ્રશ્ન છે- તમે કોણ છો ? હા… યાદ આવ્યું, અમે સીધા સાદા માનવી છીએ. તમે આટલી મોડી રાત્રે, આ હિમશીતલ વાતાવરણમાં આ બરફમાં ફરવા, બેસવા શા માટે આવ્યા છો ?
અને આખરી પ્રશ્ન- તમે અહીં શા માટે, ક્યો હેતુ સિધ્ધ કરવા માટે આવ્યા છો ?
હા… હવે યાદ આવ્યું. અમે અહીં આ હિમસાગરમાં એક સ્પષ્ટ હેતુ લઇને આવ્યા છીએ. હેતુ છે- મારે મીરાંબાઇ, પાસેથી જાણવું જ છે- લામા ત્રિસોંગ રાત્રે બે વાગ્યે અહીં આવવાના છે, તે તમે કેવી રીતે જાણ્યું ! સંદેશા વ્યવહારની આ પધ્ધતિ પર રાજ્યનો કર ન હોય કે રાજ્યની કોલેજોમાં તે સંદેશા વ્યવહારને રોકી પણ ન જ શકાય.
હા, હવે યાદ આવ્યું, બરાબર યાદ આવ્યું તિબેટમાં સંદેશા વ્યવહારની એક વિશિષ્ટ પધ્ધતિ ચાલે છે. આ સંદેશા વ્યવહારમાં ભૌતિક ઉપકરણો કે અન્ય યંત્ર સામગ્રીનો ઉપયોગ થતો નથી. કોઇ એક અલૌકિક પધ્ધતિથી સંદેશો મોકલી શકાય છે અને સંદેશો પ્રાપ્ત કરી શકે છે.
શું છે આ અલૌકિક વિચાર સંપ્રેસણ, સંદેશા વ્યવહારની આ અલૌકિક પધ્ધતિ ?
સાંભળેલી વાતો અને હકીકત વચ્ચે એક ગાળો રહે છે.
હવે તે ગાળો ભેદી નાખવા માટે તિબેટની આ ‘અલૌકિક વિચાર સંપ્રેસણની પધ્ધતિ વિષયક જાણવા માટે મેં જ પ્રારંભ કર્યો. “સમય અને સ્થાન સર્વથા અનુકૂળ છે, આપ કૃપા કરીને તિબેટના આ અલૌકિક વિચાર સંપ્રેસણ વિશે કહો”.
થોડી વાર તો બધું શાંત થઇ ગયું, રહ્યું ! અહીંનું વાતાવરણ જ એવું છે કે કોઇને બોલવાની રૂચિ જ રહેતી નથી. અને વિશેષતઃ આજનો આ સમય અને આજનું આ સ્થાન તો ધીર ગંભીર મૌન માટે, ગહન ધ્યાન માટે સર્વથા અનુકૂળ છે (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૧૮-૧૨-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૯ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

તિબેટના કેન્દ્રમાં બરફ્નું એક મોટું મેદાન છે. આ મેદાનની વચ્ચે એક પહાડ છે. આ પહાડના સૌથી ઉંચા શિખરની ટોચ પર લગભગ બારેય માસ બરફ રહે છે. આ બરફના સ્થાનમાં એક અતિ ગુપ્ત ગોમ્પા છે. તે ગોમ્પામાં એક ગુપ્ત મિલન ગોઠવાયું છે. તે મિલનમાં સામેલ થવા માટે મને નિમંત્રણ આપવા માતે આપણા આ માનનીય લામા ત્રિ-સોંગ પોતાની સિધ્ધ વિદ્યા કાંગ-જોંગ દ્વારા અહીં અતિ ઝડપે પહોંચ્યા છે. આજે રાત્રે જ અમારે અહીંથી નીકળવાનું છે. અમારું આ ગુપ્ત મિલન સમગ્ર તિબેટ માટે ખૂબ મહત્વપૂર્ણ મિલન છે. મિલનની કાર્યવાહી ક્યારે પૂરિ થશે અને ક્યારે પરત આવવાનું થશે, તે વિશે કશું કહી શકાય તેમ નથી. આટલું કહીને ગુરૂજી મૌન થઇ ગયા. અમે તો સૌ મૌન હતા જ. અમારા મનમાં અપેક્ષા હતી કે આગંતુક સિધ્ધ લામા લુંગ-ગોમપા ત્રિસોંગ અમને કાંઇક કહે, પરંતુ ત્રિસોંગજી તો સાવ મૌની બાબા ! તેમણે માત્ર આટલું કહ્યું. “પ્રધાન લામાનો પત્ર ગુરૂજીને આપ્યો છે !”
પત્રમાં શું છે ? અમે કાંઇ જાણતા નથી અને કોઇ કાંઇ પૂછતાં પણ નથી. ગુરૂજી અને ત્રિ-સોંગ લામા ઉભા થયા. અમે પણ સૌ ઉભા થયા. સૌ પોતપોતાના રૂમમાં સાંજે ગુરૂજીને અને ત્રિ-સોંગ લામાને બરફના મેદાનમાં જતાં અને પછી અદ્દશ્ય થતાં અમે જોઇ રહ્યા. શું છે- આ કોંગ  જોંગ ? કેવી રીતે સિધ્ધ થાય છે- આ કોંગ જોંગ ? કોંગ જોંગ વિશે આ અને આવી અનેક વિગતો જાણવા માટે મારું મન આતુર થઇ રહ્યું છે. તે માટે મારે બે મહાનુભાવોના ચરણ પકડવા રહ્યા. એક તો કુમારેપાજી અને બીજા મીરાંબાઇ ! ગોમ્પા તો ઘણો વિશાળ છે અને ગોમ્પામાં તો અનેક અનેક અનુભવી અને વયોવૃધ્ધ લામાઓ વસે છે. પરંતુ તેમને તિબેટીઅન ભાષા સિવાય અન્ય ભાષાનું જ્ઞાન નથી અને મનૅ તિબેટીઅન ભાષાના મૂળાક્ષરો અને થોડા શબ્દો સિવાય કાંઇ આવડે નહીં.

જેહીકો જેહી પર સત્ય સનેહૂ
સો તેહી મિલન ન કછુ સંદેહૂ

આ ન્યાયે મારે કુમારેપા સાથે નિરાંતે સંગોષ્ઠિ થઇ. હિમાલયના અનેક સ્થાનોમાં મેં જોયું છે કે લોકો સવારે કે સાંજે નહીં, પરંતુ બપોરે ફરવા નીકળે છે. આપણે સવારે કે સાંજે ફરવા માટે ટેવાયેલા છીએ; પરંતુ હિમાલયની સવાર અને સાંજ ખૂબ ઠંડી હોય છે. તેવી ઠંડીમાં ફરવા નીકળે કોણ ? તદ્દનુસાર આ હિમશીતલ પ્રદેશોમાં બપોરે ફરવા જવાની પરંપરા શરૂ થઇ છે. આવી જ એક બપોરે ભોજન પછી હું મારા રૂમમાં બેઠો છું. મેં જોયું કે કુમારેપાજી આશ્રમના મુખ્ય દ્વારથી નીકળીને બહાર જઇ રહ્યા છે. તેમના ખભે એક ધાબળો પણ છે. અચાનક કુમારેપાએ મસ્તક પાછું વાળીને જોયું. તેમની નજરે બારી પાસે બેઠેલો હું ચડી ગયો અને તુરત તેઓ બોલ્યા, “ચાલો; ચાલો; ફરવા જઇએ.”
“હા”
“અને હા, એક ધાબળો લેતા આવજો”
“ભલે”
હું ધાબળો લઇને સડસડાટ બહાર આવ્યો અમે બંને આગળ ચાલ્યા. એક નાની ટેકરીની અધવચ્ચે પહોંચ્યા. એક વિશાળ શિલા છે. કુમારેપાએ પોતાનો ધાબળો પાથરતા કહ્યું, “અહીં બેસીએ” મેં પણ તેમની સમક્ષ ધાબળો પાથરીને આસન જમાવ્યું. વાતનો પ્રારંભ મારે જ કરવાનો હતો. તદ્દનુસાર મેં પ્રારંભ કર્યો, “આ કોંગજોંગ સિધ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તેની પાછળનો સિધ્ધાંત શું છે ? અને તેને પ્રાપ્ત કરવાની સાધન પધ્ધતિ શું છે ?”
કુમારેપા ચતુર પુરુષ છે, ચતુર સુજાણ છે, મંદમંદ સ્મિત વેરતાં કહ્યું, “મને ખબર જ હતી. તમે મને આ પ્રશ્નો પૂછવાના જ છો. તેથી મેં તૈયારી કરી જ રાખી છે.”
આટલી ભૂમિકા બાંધીને તેમણે મને ઘણું સમજાવ્યું, જે અહીં પ્રસ્તુત છે.

વજ્રયાન-૧૯
માનવીનું શરીર પાંચ મહાભૂતોનું બનેલું છે- પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. બૌધ્ધ દર્શનમાં આકાશનો તત્વ તરીકે ભલે સ્વીકાર નથી, આમ છતાં આકાશ અર્થાત અવકાશ તો સર્વવ્યાપી છે. તદ્દનુસાર તેનો ઇન્કાર ન કરી શકાય. બધાં તત્વો આકાશમાં છે અને આકાશ સર્વને વ્યાપીને પ્રતિષ્ઠિત છે, તે તો સર્વસ્વીકૃત હકીકત છે. આ પાંચમાંથી ત્રણ તત્વો હળવા અને બે ભારે છે. આકાશ સર્વવ્યાપી છે અને તેને કોઇ વજન નથી. તેના પર ગુરુત્વાકર્ષણની અસર ન હોઇ શકે. અગ્નિ સતત ઉર્ધ્વગામી છે. અગ્નિની જ્વાળા સતત ઉર્ધ્વમુખી જ રહે છે. અગ્નિ પર ગુરુત્વાકર્ષણની અસર નહિવત્‌ થાય છે. વાયુ ચંચળ ગતિમાન અને હળવો છે તેના પર પણ ગુરુત્વાકર્ષણની અસર નહિવત્‌  હોય છે. જળ અને પૃથ્વી, આ બે તત્વો ભારે છે. વજનદાર છે અને તેના પર ગુરુત્વાકર્ષણની અસર ખૂબ હોય છે.
વજન આખરે શું છે ? પૃથ્વી ગુરુત્વાકર્ષણથી પદાર્થને ખેંચે છે, તેજ પદાર્થનું વજન છે. આ ગુરુત્વાકર્ષણ અર્થાત વજનને કારણે આપણું શરીર પૃથ્વી સાથે જકડાયેલું રહે છે અને તેથી જ આપણી ગતિ મંદ રહે છે. જો આપણા શરીરમાંના આ પાંચ તત્વોમાંથી પૃથ્વી અને જળનું પ્રમાણ ઘટે અને વાયુ, તેજ અને આકાશનું પ્રમાણ વધે તો શરીર પર ગુરુત્વાકર્ષણની અસર ઘણી ઓછી થાય છે. શરીર સર્વથા નહીં તો પણ કાંઇક અંશે ગુરુત્વાકર્ષણને અતિક્રમી શકે છે. કોંગ-જોંગ સિધ્ધિનો એક સિધ્ધાંત આ છે.
કોંગ-જોંગ સાધનામાં સાધક પ્રાણાયમ આદિ વિશિષ્ટ પ્રકારની યૌગિક સાધનાથી શરીરમાંના પૃથ્વી અને જળ તત્વને ગાળી નાખે છે અને શરીરમાં વાયુ, તેજ અને આકાશ તત્વનું પ્રમાણ વધારે છે. તદ્દનુસાર સાધકનું શરીર હળવું ફૂલ જેવું બને છે અને કોંગ-જોંગ માટે તૈયાર થાય છે. …પરંતુ યાદ રહે ! કોંગજોંગની સાધના અહીં પરિપૂર્ણ થઇ જતી નથી. આ તો પ્રથમ સોપાન છે.
દ્વિતીય સોપાન છે- પ્રાણમય શરીરની સાધના. માનવ આત્માને પાંચ શરીર છે- અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. જ્યાં સુધી પ્રાણ નબળો હોય ત્યાં સુધી સ્થૂલ શરીરમાં પણ શક્તિનો પ્રબળ સંચાર થતો નથી. વિશિષ્ટ પ્રકારના પ્રાણાયામના તીવ્ર અભ્યાસથી પ્રાણમય શરીરમાં પાંચ પ્રકારનાં રૂપાંતર સિધ્ધ થાય છે.

(૧) પ્રાણ બળવાન બને છે.
(૨) પ્રાણ વિશુધ્ધ બને છે.
(૩) પ્રાણ ઉર્ધ્વગામી બને છે.
(૪) પ્રાણ સુસંવાદી બને છે.
(૫) પ્રાણ તેજસ્વી બને છે.

સ્થૂળ શરીરની શક્તિ અને ગતિ પ્રાણને આધીન છે. આવો બળવાન, વિશુધ્ધ, ઉર્ધ્વગામી, સુસંવાદી અને તેજસ્વી પ્રાન સિધ્ધ થાય એટલે સ્વાભાવિક રીતે જ શરીર પોતાની જડત્વ પ્રકૃતિને અતિક્રમીને અતિ ગતિમાન થવાની શક્તિ ધારણ કરે છે. કાંગ જોંગની સાધનાનું તૃતીય સોપાન છે- મંત્ર સાધના. કોંગ-જોંગની સાધનાના વિશેષ મંત્રો છે. ગુરૂ શિષ્યને આ મંત્રોની દીક્ષા આપે છે. સાધક આ મંત્રોના દીર્ઘકાલ પર્યંત જપ કરીને મંત્ર સિધ્ધ કરે છે. આ રીતે પ્રાપ્ત કરેલી મંત્ર સિધ્ધિથી પણ સાધકને શરીરની મર્યાદા અતિક્રમવાની અને અસાધારણ તીવ્ર ગતિ ધારણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
કોંગ-જોંગની સાધનાનું ચતુર્થ સોપાન છે- ભાવના, માનવીના મનનું બંધારણ એવું છે અને અસ્તિત્વનું સ્વરૂપ એવું છે કે જે ઘટનાની તીવ્ર ભાવના કરીએ તે ઘટના બનવા માંડે છે. કોંગ જોંગનો સાધક પોતાની આ ભાવના કરવાની શક્તિનો ખૂબ વિકાસ કરે છે. આ રીતે સાધક પોતાની ભાવના કરવાની શક્તિનો ખૂબ વિકાસ કરે પછી પોતાની તીવ્ર ગતિની ભાવના દ્વારા શરીરની ગતિનો અસાધારણ વિકાસ કરે છે, કરી શકે છે.

 આમ કોંગજોંગના સાધક ચાર પ્રકારની સાધના કરે છે-

(૧) દેહસિધ્ધિની સાધના
(૨) પ્રાણ સિધ્ધિની સાધના
(૩) મંત્ર સાધના
(૪) ભાવના-સાધના
આ બધું છતાં કોંગ-જોંગની સાધના અહીં સમાપ્ત થતી નથી. હજુ એક પાંચમી શિરમોર સાધના સિધ્ધ કરવાની છે અને તે છે- સમાધિ-સાધના ! ચેતનાની કોઇ વિશિષ્ટ ઉચ્ચતર અવસ્થામાં પ્રતિષ્ઠિત થયા વિના કોઇપણ મૂલ્યવાન અને યથાર્થ સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. યોગસૂત્રના વિભૂતિપાદમાં ભગવાન પતંજલી સિધ્ધિઓનું સ્વરૂપ અને રહસ્ય સમજાવતા કહે છે કે સમાધિ પ્રાપ્તિ પછી સમાધિના પરિણામરૂપે સમાધિનો ભિન્નભિન્ન ક્ષેત્રમાં વિનિયોગ કરવાથી ભિન્નભિન્ન પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આનો અર્થ એમ થયો કે કોઇક સિધ્ધિ સિધ્ધ કરવા માટે સાધકે સમાધિ કે તદ્દનુરૂપ ચેતનાની કોઇક વિશિષ્ઠ ઉચ્ચતર અવસ્થામાં પ્રવેશ કરવો જોઇએ.
કોંગ-જોંગનો સાધક પણ આ સિધ્ધિ પ્રાપ્ત કરતા પહેલાં ગુરૂપદિષ્ટ માર્ગે સાધના કરીને ચેતનાની ઉચ્ચતર અવસ્થામાં પ્રતિષ્ઠિત થાય પછી જ તે કોંગ-જોંગનો સિધ્ધ ગણાય અને પછી જ તે કોંગ-જોંગનો પ્રયોગ કરવા માટે અધિકારી ગણાય છે.

આ પાંચ સાધના કોંગ-જોંગની પ્રધાન સાધના છે. પરંતુ આ ઉપરાંત પણ કેટલીક વિશિષ્ટ યોગ્યતાઓ સાધકે પ્રાપ્ત કરી લેવી પડે છે. આ યોગ્યતા ચાર પ્રકારની છે.

(૧) ઉંઘ પર સંયમ
સાધકે ક્યારેક બહુ લાંબા અંતરની યાત્રા દીર્ઘકાલ પર્યંત કરવી પડે છે વચ્ચે ઉંઘ ન જ લઇ શકાય.
(૨) ભૂખ પર સંયમ
સાધક આ યાત્રા દરમિયાન વચ્ચે ભોજન ન જ કરી શકે.
(૩) તૃષા પર સંયમ
સાધક આ યાત્રા દરમિયાન વચ્ચે પાણી ન જ પી શકે.
(૪) થાક પર સંયમ
સાધક વચ્ચે થાકી જાય તે તો ખૂબ જોખમી ગણાય. તેથી સાધક થાક્યા વિના લાંબી યાત્રા કરે તે અનિવાર્ય છે. તે માટે શરીર અને મનની ખૂબ ઉંડી તિતિક્ષા કેળવવી પડે છે.

અમારી વાતો તો સ-રસ અને સુંદર રીતે ચાલે છે. પરંતુ સાંજના સમૂહ ધ્યાનનો સમય થયો છે. અમે બે, હું અને કુમારેપાજી પાછા અવ્યા અને મધ્યસ્થ ખંડમાં પહોંચ્યા. ભારતના આશ્રમોમાં એવી પરંપરા છે કે ધ્યાન, પૂજન, જપ આદિ સાધનામાં બેસતાં પહેલાં સ્નાન કરવું જરૂરી અને ઇચ્છનીય ગણાય છે. વળી યજ્ઞયાગાદિ દેવયજનમાં તો પ્રારંભમાં સ્નાન અનિવાર્ય ગણાય છે. પરંતુ તિબેટમાં એવું નથી. કોઇ ધાર્મિક ક્રિયા કે કોઇ અધ્યાત્મ સાધના પ્રારંભમાં સ્નાન કરવાની અહીં વાત જ નથી. અરે ! અહીં નિત્ય સ્નાનનો પણ કોઇ મહિમા કે રિવાજ નથી. ભારતની જેમ અહીં લોકો દિવસમાં દશપંદરવાર હાથમોં પણ ધોતા નથી. આ તિબેટીઅન હવામાન છે !
તદ્દનુસાર અમે પણ સૌની જેમ સીધા ધ્યાનકક્ષમાં સૌની સાથે સામેલ થયા. પ્રાર્થના, ધ્યાન, પ્રાર્થના અને સ્મિતપૂર્વક વિસર્જન !
બીજે દિવસે કુમારેપાને ક્યાંક બહાર જવાનું થયું. અમારું કાંગ-જોંગનું શિક્ષણ હજુ અશૂરું છે અને અમારા શિક્ષક રજા પર ચાલ્યા ગયા ! પણ તેનો ઉપાય પણ તુરત મળી ગયો. મીરાંબાઇએ કાંગજોંગના જાણકાર એક વૃધ્ધ સાધુને શોધી કાઢ્યા. તેઓ તિબેટીઅન સિવાય અન્ય કોઇ ભાષા જાણતા નથી, પરંતુ મીરાંબાઇ અમારી વચ્ચે દુભાષિયા તરીકે બેસવા તૈયાર થયા. અમે બંને રાત્રે તે વૃધ્ધ લામાના રૂમમાં ગયા. સ્મિતપૂર્વક આવકાર, આસન ગ્રહણ અને કાંગજોંગ પરના વાર્તાલાપનો પ્રારંભ ! તેમણે અર્થાત વૃધ્ધ-વડીલ લામાએ મને સમજાવ્યું-

(૧) કાંગજોંગની યાત્રા વિશેષતઃ રાત્રે અને ચાંદની રાત્રે વિશેષ અનુકુળ પડે છે.
(૨) કાંગ-જોંગની યાત્રા એકલા જ કરવી જોઇએ.
(૩) કાંગ-જોંગની યાત્રા ખાસ વ્યાજબી કારણ હોય તો જ અને ત્યારે જ કરવી જોઇએ.
(૪) કાંગ-જોંગના સિધ્ધની યાત્રાના કોઇને દર્શન થાય તો દર્શક પોતાને ભાગ્યશાળી માને છે અને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. આવી તિબેટની પરંપરા છે, કાંગ-જોંગના સિધ્ધની યાત્રાની આમન્યા સૌ જાળવે છે.
(૫) કાંગ-જોંગ સિધ્ધની યાત્રા ચાલુ હોય ત્યારે તેમની સાથે વાત ન કરી શકાય. તેમનો સ્પર્શ પણ ન કરી શકાય. કારણ કે તેમ થાય તો તેમની ચેતનાની અવસ્થામાં ખલેલ પડે છે. આ ખલેલ ક્યારેક આત્મઘાતક પણ બની શકે છે. ચેતનાની કોઇ વિશેષ અવસ્થામાંથી વિચલિત કરવામાં આવે તો તે સાધકને હાની પહોંચી શકે છે અને ક્વચિત મૃત્યુ પણ થઇ શકે છે.
(૬) કાંગ-જોંગ સિધ્ધની યાત્રાનું સ્વરૂપ કેવું હોય છે ?
જેમ કોઇ રબ્બરનો દડો જમીન પર ફેંકીએ અને તે આગળ વધે છે, તેમ આ કાંગ-જોંગના યાત્રીનું શરીર પણ રબ્બરના દડાની જેમ ધરતીને થોડો સ્પર્શ કરતું કરતું વિશેષતઃ આકાશમાં જ ફંગોળાતું રહે છે. જમીનના સ્પર્શનો ઉપયોગ તો આગળની છલાંગ લેવા માટે સહેજસાજ જ થાય છે. જેમ કૂદતો રબ્બરનો દડો જમીન કરતાં આકાશમાં વિશેષ રહે છે, તેમ અહીં સાધકનું શરીર જમીન કરતા આકાશમાં વિશેષ રહે છે.
(૭) આ કાંગ-જોંગ યાત્રા દરમિયાન સાધક પ્રાણાયામ, મંત્રજપ અને ગતિ-ભાવના સતત ચાલુ જ રાખે છે. તેમાં વ્યવધાન ન જ પડવું જોઇએ. વ્યવધાન પડે તો તે જોખમરૂપ બની શકે છે.
(૮) આ યાત્રા દરમિયાન સાધકમા હાથમાં કૂર્બા હોય છે. આ કૂર્બા એક મંત્રેલી કટાર હોય છે. સાધક એક હાથ વડે આ કૂર્બાથી આકાશને વિંઝતો આગળ વધે છે.

અમારું આ કાંગ-જોંગ શિક્ષણ અહીં પૂરૂં થયું. કોનો આભાર માનું ? મેં સૌને કહ્યું- “થુ જી ચે !” (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૧૧-૧૨-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૮ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

કાંગ-જોંગ

રાત્રે લગભગ ૨-૦૦ વાગ્યે કુમારેપા મારા રૂમનું બારણું ખૂબ ધીમેથી ખખડાવીને બોલે છે : “સ્વામીજી ! ૐ મણિ પદ્મે હુમ્‌”
આંખો ખુલી ગઈ. શું થયું છે ? ફરીથી અવાજ આવે છે.
“ૐ મણિ પદ્મે હુમ્‌”
સામે ઉત્તરમાં બોલું છું, “ૐ મણિ પદ્મે હુમ્‌”
“સ્વામીજી ! હું કુમારેપા બોલું છું. આપણે બહાર જવાનું છે !”
અવશ્ય કોઈક મહત્વની ઘટના હોવી જોઈએ, અન્યથા આટલી મોડી રાત્રે કુમારેપા મને બોલાવે જ નહીં.
શું કારણ છે ? – એ પ્રશ્ન તો અહીં કરવાનો હોય જ નહીં. કાંઈક મૂલ્યવાન કારણ હોય જ, એટલું વિના કહ્યે સમજી લેવાનું અને મૌનભાવે કુમારેપાને અનુસરવાનું !
હું ઝડપથી તૈયાર થયો.
કુમારેપા સૂચવે છે, “આપ લાંબો કોટ પહેરી લેજો અને આપને ગુરૂજીએ આપી છે, તે મોટી ટોપી પણ પહેરી લેજો. આપણે બરફમાં જવાનું છે.”
મેં ચુપચાપ કુમારેપાની સૂચનાનું અનુસરણ કર્યું. અમે બંને નીચે ગોમ્પાના પ્રાંગણમાં પહોંચ્યા.
પ્રધાન લામા-ગુરૂજી, ત્રણ અની અને અન્ય ચાર લામા મૌન ભાવે ઉપસ્થિત છે. મને લાગ્યું-કો’ઇક બહુ ગંભીર ઘટનાની રાહ છે. કઇ ઘટના, કેવી ઘટના, કશું જ સમજાતું નથી. પરંતુ સમજવાની શી ઉતાવળ છે ? યોગ્ય સમયે બધું જ સમજાઇ જશે. સબ્રકર ઔર ઇંતજાર કર.
વિગત દશ દિવસથી હિમવર્ષા લગભગ બંધ રહી છે. બરફ મહદ્દ અંશે ઓગળીને નદીઓમાં વહી ગયો છે. આમ તો મને હમણાં ઘણા દિવસોથી ભાર્તની યાદ આવતી નથી. આ બરફમાં એવું કોણ છે, જે ભારત્ની યાદ આપે ? પણ બરફ ગયો અને તુરત નદીઓ, જલપ્રવાહો સજીવન થઈ ગયા અને ભારત્ની યાદ આવી. ભારતની યાદ આવી , પરંતુ ભારત જવાનું વેન નથી આવ્યું ! અહીં શું ખૂટે છે કે અહીંથી અન્યત્ર જવાની ઇચ્છા થાય ! આ સ્થાન જ નહીં, પૃથ્વીનું પ્રત્યેક સ્થાન એવું જ છે કે તે સ્થાનથી અન્યત્ર જવાની ઇચ્છા જ ન થાય. જેમને સતત અન્યત્ર જવાની ઇચ્છા થયા કરે છે તેઓ કોઇ સ્થાનના ઇશ્વરદત્ત મહિમાને સમજી શકે નહીં ! રામકૃષ્ણદેવ કહેતા- ‘ત્યાં નહી, અહીં અહીં’ આ ‘અહીં અહીં’ મંત્ર જેમના ગળે ઉતરી ગયો તેમના ક્યાંયની યાદ આવતી નથી અને તેમણે ક્યાંય જવાનું નથી અને જવાનું થાય તો ‘અહીં અહીં’નો આગ્રહ નથી. તેમને અહીં કે ત્યાં, સર્વત્ર ‘અહીં અહીં’ જ છે.
અમને સૌને લાગ્યું કે બરફ ગયો કે શું ? પરંતુ ગઈકાલે રાત્રે અનરાધાર બરફ વરસ્યો અને ફરી બધું સફેદ, સફેદ ! ગોમ્પાના પ્રાંગણમાં અમે સૌ આગળ ચાલ્યા. સૌથી આગળ ગુરૂજી છે અને તેમની બાજુમાં ત્રણ અની અને કુમારેપા છે. અન્ય ચાર લામા અને હું સૌની પાછળ છીએ. મંદ ગતિએ અમારી પદયાત્રા ચાલી. એક વિશાળ મેદાનમાં આવીને સૌ થંભી ગયા. કોઇ કાંઇ બોલતા જ નથી. એટલું તો મને સમજાય છે કે હવે અહીં કોઇકની રાહ જોવાઇ રહી છે. રાત્રે બે વાગ્યે રાહ ? આ બરફના સાગરમાં કોણ આવવાનું છે ? અને આવશે કેવી રીતે ? ક્યા વાહન દ્વારા ?

વજ્રયાન-૧૮_૧
બરફ તો ખૂબ છે, પરંતુ આસમાન નિરભ્ર, નિર્મલ છે. ચાંદની તો જાણે તેજથી તગતગી રહી છે. શું છે આ ? કોઇકનો ઇંતજાર હોય અને કોનો ઇંતજાર છે, તેની જાણ ન હોય તે કેવી અવસ્થા ? તે કેવો ઇંતજાર ? બસ માત્ર ઇંતજાર ! હવે અમે સૌ સાવ નજીક નજીક ઉભા છીએ. કોઇ કાંઇ જ બોલતા નથી. ન બોલવાનો પ્રયત્ન નથી. બસ સહજ મૌન છે. કોઇ બોલવા ઇચ્છે તો મનાઇ નથી; પરંતુ બોલે કોણ અને બોલે શા માટે ? ગુરૂજીએ કાંઇક સંકેત કર્યો અને એક લામા ધરતી પર બરફમાં ઢીંચણભર સૂઇ ગયા. મસ્તક જમીન પર ગોઠવાયું મસ્તક એક બાજુ વાળ્યું અને તેમનો એક કાન ધરતી પર બરફમાં ગોઠવાયો. જાણે તેઓ કાન દ્વારા ધરતીને સાંભળે છે ! શું સાંભળે છે ? તેમણે ઉભા થઇને ગુરૂજીને ધીમેથી તિબેટીઅન ભાષામાં કાંઇક કહ્યું તેનો અર્થ હું સમજ્યો- “પાંચ કિલોમીટર !”
પાંચ કિલોમીટર કોણ ?
ગુરૂજીએ સૌને કહ્યું, “દશ મિનિટ !”
હું સમજ્યો દશ મિનિટમાં કોઇ આવે છે. પરંતુ પાંચ મિનિટમાં દશ કિલોમીટર કેવી રીતે કાપી શકાય ? કેવી રીતે ? ક્યા વાહનથી ? કશું જ સમજાતું નથી અને સમજવાની ઉતાવળ પણ નથી. સમય પસાર તો થાય છે, પરંતુ બહુ ધીમી ગતિએ. સમયની કોઇ ગતિ નથી અને છતાં સમયની ગતિ આપણા જીવનનો અનિવાર્ય ભાગ બનિ ગયો છે. તદ્દનુસાર સમયને અવગણી શકાય નહીં. મને યોગવસિષ્ઠ રામાયણના આખ્યાનો અને આઇન્સ્ટાઇનના સમય વિષયક વિધાનો યાદ આવ્યા. સમયની સાપેક્ષતા અનુભવાય છે. આ દશ મિનિટ તો જાણે દશ કલાક ! આ રીતે લગભગ નવ મિનિટ પસાર થઇ . હવે ? આ એક છેલ્લી મિનિટમાં શું થવાનું છે ? કોણ આવવાનું છે ? કેવી રીતે આવવાનું છે ? ગુરૂજીએ પૂર્વ દિશામાં આંગળી ચીધીં અને અમે સૌ ઉદ્યત અને એકાગ્ર બની ગયા.
હા પૂર્વ દિશામાં એક બિંદુ દેખાય છે. સ્થિર નહીં, ગતિમાન અને ગતિ અમારા તરફ ! આ બિંદુ ઝડપથી અમારી તરફ આવી રહ્યું છે. અમે સૌ ઉદ્યત બની ગયા અને અમારી આંખો એકીટશે જોઇ રહી. કુમારેપા ધીમેથી મારી પાસે આવીને ધીમેથી કાનમાં કહે છે- કાંગ જોંગ.
અરે વાહ ! કાંગ જોંગ !
આ કાંગ જોંગ વિશે તો મેં ખુબ સાંભળ્યું છે અને ખુબ વાંચ્યું છે. આ કાંગ જોંગની ઘટના નજરે જોવા હું ઘણો આતુર હતો અને આજે આટલી મોડી રાત્રે આ કાંગ જોંગની ઘટના આજે જીવંત જીવંત નજરોનજર જોવા મળશે.
શું છે આ કાંગ જોંગ ?

વજ્રયાન-૧૮_૨
કાંગ એટલે પગ અને જોંગ એટલે તીવ્ર ગતિ. કોંગ જોંગ એટલે પગની તીવ્ર ગતિ ! માનવી ચાલી શકે, દોડી શકે, કૂદી શકે, પરંતુ પક્ષીની ગતિથી ઉડી ન શકે. આ માનવીની મર્યાદા છે. પરંતુ માનવી જેનું નામ ! અશક્યને શક્ય કરવાનો આ કાળા માથાના મનુષ્યોને જાણે છંદ લાગ્યો છે. આ કાંગ જોંગ દ્વારા તિબેટના સિધ્ધોએ માનવીની આ ઉડી ન શકવાની મર્યાદાને ભેદી નાખી છે. આ કાંગ જોંગ દ્વારા તિબેટના સિધ્ધો પક્ષીની જેમ ઉડી તો ન શકે પરંતુ પક્ષીની ગતિ જેટલી ગતિથી અંતર પાર કરી શકે છે. બરફના મેદાનમાં તીવ્ર ગતિથી પસાર થતાં, દોડતા લામાના જેમણે દર્શન કર્યા છે, તેઓ જ તે ઘટનાને સત્ય માની શકે. માનો ન માનો મરજી તમારી પણ વાત છે સાવ સાચી. આ કાંગ જોંગ સિધ્ધિ પ્રાપ્ત કરનાર એક સિધ્ધના દર્શન અમને હમણા જ થવાના છે. સામેથી બરફના મેદાનમાં તીવ્ર ગતિથી દોડતા એક લામા અમારી તરફ આવી રહ્યા છે. અમે સૌ તેમના સ્વાગત માટે આતુર, તીવ્ર ભાવે આતુર બની રહ્યાં. આ કાંગજોંગ સિધ્ધ લામાની ગતિનો એક તાલબધ્ધ અવાજ સંભળાય છે- ખટ્‌ ખટિંગ ઘબ… ખટ્‌ ખટિંગ ઘબ…અમારી નજીક આવતાં પહેલા તેમની ગતિ કાંઇક ધીમી પડી અને આખરે સાવ થોડી વારમાં તેઓ તો અમારી સન્મુખ આવીને ઉભા રહ્યાં. ગુરૂજી સહિત અમે સૌ તેની સમક્ષ બરફમાં સાષ્ટાંગ દંડવત પ્રણામની અવસ્થામાં સૂઇ ગયાં.
અમે ઉભાં થઇને જોયું- સામે કોણ છે. એક તેજસ્વી લામા ! શરીર પર હળવા ઝીણાં વસ્ત્રો છે. મસ્તક ખૂલ્લું છે. આંખોની પૂતળીઓ ઉપર ચડેલી છે. તેમનું ધ્યાન જાણે ક્યાંય નથી. ચહેરો તેજથી તગતગે છે. શરિર ઉપર થાકના ચિહ્‌નો દેખાતા નથીતેઓ ૧૫૦ કિ.મી.નું અંતર ૫ કલાકમાં કાપીને અહીં આવ્યા છે. આંખો પરથી ચહેરા પરથી એવું લાગે છે કે તેઓ ચેતનાની કોઇ ઉચ્ચતર અવસ્થામાં પ્રતિષ્ઠિત છે. આ પણ કોઇક પ્રકારની સમાધિ છે. અને આવી સમાધિ સમાન ચેતનાની કોઇ ઉર્ધ્વ અવસ્થામાં ગતિ કરી શકાય ? એટલું જ નહીં તીવ્ર ગતિથી ગતિ કરી શકાય ? હા, ગતિ કરી શકાય. આનું રહસ્ય શું ? આ પૃથ્વી પર તિબેટ સિવાય આ રહસ્ય વિદ્યા કોઇએ સિધ્ધ કર્યાનું જાણમાં નથી. ને તે વિદ્યા છે- આ કાંગ જોંગ વિદ્યા !
થોડીવાર તો બધાં આમ જ મૌનભાવે ઉભાં રહ્યાં. પછી ગુરૂજી અને કુમારેપા તેમની પાસે ગયા અને તેમને લઇને અમે સૌ ગોમ્પા તરફ ગયા. ગુરૂજી નવાગંતુક અતિથિને લઇને તેમના ખંડમાં ગયા અને અમે સૌ અમારા રૂમમાં પહોંચ્યા.
હું પથારીમાં પડ્યો છું, પરંતુ ઉંઘ આવતી નથી. આ મેં શું જોયું ? આ પૃથ્વી પરની એક અતિ વિશિષ્ટ ઘટના કાંગજોંગ ! ઉંઘ આવતી નથી. ન આવે તો ભલેને ન આવે ! ઓછી ઉપાધી ! ઉંઘના શું ગાડા ભરવાં છે ? ઉંઘ ન આવે તે સમસ્યા નથી. પરંતુ માનવી જેનું નામ ! જે સમસ્યા ન હોય તેને સમસ્યા બનાવી લે અને જે ખરેખર સમસ્યા હોય તેને સમસ્યા ગણે જ નહીં ! હું આમ વિચારું છું અને ખબર પણ ન રહી અને ઉંઘ આવી ગઇ.
બીજે દિવસે સવારે કુમારેપાજીનું કહેણ આવ્યું છે- “આજે મધ્યસ્થ ખંડમાં અતિથિ સાથે વાર્તાલાપ છે”.
અમે સૌ મધ્યસ્થ ખંડમાં એકત્રિત થયા છીએ. હજુ ગુરૂજી અને અતિથિ લામા આવ્યા નથી. અમે સૌ મૌનભાવે ઇંતજારની અવસ્થામાં છીએ. આ વિદ્યા કાંગ જોંગને લુંગગોમ પણ કહેવામાં આવે છે અને તદ્દનુસાર આ વિદ્યા સિધ્ધ કરનાર દોડતા લામાને લુંગ ગોમ-પા કહેવામાં આવે છે. આજના આ અતિથિ લામા એક લુંગ ગોમ-પા છે.આપણે જોઇ ગયા છીએ કે આવશ્યકતા સંશોધનની જનની છે. જે દેશમાં, જે સમાજમાં, જે વસ્તુની તીવ્ર આવશ્યકતા ઉભી થાય છે, તે દેશમાં, તે સમાજમાં તે વસ્તુનુણ સંશોધન અને નિર્માણ થવા માંડે છે. માનવ ચિત્તનું આવું બંધારણ છે, માનવચિત્તનું સ્વરૂપ જ એવું છે કે સમસ્યાનું નિરાકરણ તે શોધશે જ, શોધીને જ જંપશે.
તિબેટ ઘણો મોટો દેશ છે. વસતી અતિશય પાંખી છે. તિબેટના શહેરો તો બહું ઓછા છે. પરંતુ જે શહેરો કે મોટી માનવ વસાહતો છે, તેમની વચ્ચે ખૂબ મોટું, ક્વચિ‌ત્‌ સેંકડો કિ.મી.નું અંતર હોય છે. તિબેટ તો બરફીલા મેદાનનો પ્રદેશ છે. તિબેટમાં પાકા રસ્તા નહિવત છે, તિબેટમાં ટ્રેઇન, બસ આદિની સુવિધા નહિવત છે. તિબેટમાં સવારીનું પ્રધાન સાધન યાક છે. યાકની ગતિ ખૂબ ધીમી છે.
તિબેટમાં લામાઓ અને ગોમ્પાની સંખ્યા અપરંપાર છે. તિબેટ દેશ જ લામાનો અને ગોમ્પાનો દેશ છે. જ્યારે કોઇ બે કે અધિક ગોમ્પાઓ વચ્ચે કે લામાઓ વચ્ચે કોઇક ઝડપી વિનિમયની તીવ્ર આવશ્યકતા ઉભી થાય ત્યારે શું કરવું ? આ સમસ્યાના નિરાકરણનો યાંત્રિક ઉપાય નહીં, પરંતુ યૌગિક ઉપાય તિબેટના સિધ્ધ લામાઓએ શોધી કાઢ્યો છે અને તે ઉપાય છે- કાંગ જોંગ વિદ્યા અર્થાત્‌ લુંગ-ગોમની સિધ્ધિ !
અમે જોયું કે ગુરૂજી અને તેમની સાથે લુંગ-ગોમ-પા આવી રહ્યા છે. અમે સૌએ ઉભા થઇને હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં થોડા આગળ નમીને બંને મહાપુરૂષોનું સ્વાગત કર્યું. બંને આસનસ્થ થયા એટલે અમે સૌ તેમની આજ્ઞાથી નીચે બેઠા. થોડીવાર તો સમગ્ર ખંડમાં એક ગંભીર, પ્રસન્ન અને ઉત્સુક શાંતિ પ્રસરી રહી. ‘અહીં કોણ પહેલા
બોલે ?’ની હરિફાઇ નથી. અહીં જાણે ‘કોણ ઓછું બોલે ?’ની હરિફાઇ ચાલે છે કે શું ? અમે સૌ શાંત મૌનભાવે બેઠા છીએ. મનમાં એમ જ થાય છે. કોઇ કાંઇ જ ન બોલે, બસ આમ શાંત, મૌનભાવે બેસી જ રહીએ તો પણ શો વાંધો છે ? બારીઓમાંથી હિમશ્વેત મેદાન અને હિમશીતલ પહાડો જોઇ શકાય છે. આ પહાડો કેટલા મૌન ! આ પહાડો કેટલા શાંત ! આ પહાડો કેટલા શીતલ ! આપણે પણ આવા જ મૌન, શાંત, શીતલ કાં ન રહીએ !
આખરે ગુરૂજીએ પ્રારંભ કર્યો અને એક પ્રાર્થનાની શરૂઆત થઇ. પ્રાર્થના તિબેટીઅન ભાષામાં છે, તેથી મને સમજાતી નથી. પરંતુ ભલા માણસ ! પ્રાર્થના સમજવા માટે નથી, પણ અનુભવવા માટે છે ! તું અનુભવી જો અને તને પ્રાર્થના સમજાઇ જશે. અને એમ જ થયું, પ્રાર્થના મને અનુભવાઇને સમજાઇ ગઇ ! પ્રાર્થનાને અંતે… નિત્ય પ્રમાણે…ૐ મણિ પદ્મે હુમ્‌… ફરી એકવાર શાંતિ ! અને પછી ગુરૂજીના ઉદ્દબોધનનો પ્રારંભ.
“આપણી વચ્ચે, આપણા સદ્દભાગ્યે આજે લામા ત્રિ-સોંગ છે. તેઓ કાગ્યુ સંપ્રદાયના એક સિધ્ધ લામા છે. આ સંપ્રદાય પોતાના મહાન સિધ્ધો મરપા અને મિલારેપાથી ખ્યાતનામ છે. આપણે કાલે જ જોયું કે લામા ત્રિ-સોંગ લુંગ-ગોમ-પા છે, અર્થાત્‌ તેમણે લુંગ-ગોમ કે કાંગ-જોંગની સિધ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. આ સિધ્ધિના સામર્થ્યથી જ તેઓ લગભગ ૧૫૦ કિ.મી. અંતર માત્ર પાંચ કલાકમાં કાપીને અહીં પધાર્યા છે. (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૦૪-૧૨-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૭ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

મીરાંબાઈ તાલીઓ પાડવા માંડ્યા અને બોલ્યા-“વાહ ! અરે વાહ ! આપણી અંદર બેઠેલા દેવ તે અગ્નિદેવ છે ! તમે બહુ સરસ વાત કરી. આ વાત હું ગુરૂજીને જરૂર કહીશ.”

થોડીવાર અટકીને કહે છે- “અને આ બહાર રહેલો અગ્નિ પણ દેવ જ છે. આમ જુઓને, આ અગ્નિ વિના આપણે માનવો એક ડગલું પણ આગળ ન વધી શકીએ અને અહીં આ હિમપ્રદેશમાં તો અગ્નિ કેવો વહાલો વહાલો લાગે ! બસ,દેવ જ જોઈ લો”

મને પણ વિચાર આવ્યો.ઋષિને આ અગ્નિદેવના મંત્રોના દર્શન કોઇ હિમશીતલપ્રદેશમાં, હિમાલયમાં જ થયા હશે ને !

અમારી વાતો ચાલે છે અને અમારી વાતના આ દેવ અગ્નિદેવ અમારા માટે સરસ્ર સરસ રસોઈ તૈયાર કરી રહ્યા છે. માનવી એમ માનેછે-આ રસોઈ અમે બનાવી.વસ્તુતઃ આ રસોઈ અગ્નિદેવ બનાવે છે ! થોડીવારમાં એક અનીએ જાહેરાત કરી-“રસોઈ તૈયાર થઈ ગઈ ચે. ચાલો, જમવા બેસી જાઓ !” જાણે ભોજનનો ઘંટ વાગ્યો ! બીજા અનીએ પૂર્તિ કરી “અગ્નિદેવની વાતો ભલે કરી. હવે અગ્નિદેવને શાંત કરો.”

આ તિબેટીઅન લોકો હસમુખા બહુ છે. મોઢા પર સ્મિત તો સતત ફરક્યા જ કરે અને હાસ્ય તો પણ અવારનવાર ફુટે જ ! અમારો ભોજન સમારંભ શરૂ થયો. મીરાબાઈ કુમારેપાને સુચવે છે-“વજ્રયાનમાં અને તદ્દનુસાર તિબેટમાં દલાઈ-લામાની પરંપરાનો પ્રારંભ કેવી રીતે થયો તે કથા કહો” તમારી કથા કેટલે પહોંચી છે, તે કથા કહો.”

“આપણા મહાન બોધિસત્વ અવલોકિતેશ્વર મહારાજે માનવજાત પ્રત્યે કરૂણાથી પ્રેરાઈને નિર્વાણને બદલે આ પૃથ્વી પર જન્મ ધારણ કરવાનો વિકલ્પ પસંદ કર્યો, ત્યાં સુધી અમારી કથા પહોંચી છે, આગળની અર્થાત્‌ દલાઈલામાની કથા તમે કહો. મેં તેમને કહ્યું છે કે દલાઈલામા અવલોકિતેશ્વરનો અવતાર છે !” હવે મને શિક્ષણ આપવાનો વારો કુમારેપાનો છે.

તેમણે કથા કહી-દલાઈ-લામાની પરંપરાના પ્રારંભની કથા ખૂબ રસિક અને મહત્વપૂર્ણ છે. વજ્રયાન ધર્મ પરંપરાના ચાર સંપ્રદાય છે. ૧.ન્યીંગ્મા ૨.કા.જ્યુ. ૩.સાક્યા ૪.ગેલુગ. દલાઈ-લામા ગેલુગ સંપ્રદાયમાંથી આવે છે. દલાઈ-લામાની પરંપરા ગેલુગ સંપ્રદાયમાંથી પ્રગટી છે. વજ્રયાનના આ ચતુર્થ સંપ્રદાયની સ્થાપના તિબેટના એક મહાન ધર્મપુરૂષ સ્તોંગ-ખાપા દ્વારા કરવામાં આવી છે. આ મહાન ધર્મપુરૂષ સ્તોંગ-ખાપા મહાન સંત, મહાન વિદ્વાન અને મહાન વ્યવસ્થાપક, ત્રણેય એક સાથે હતા. તેમણે તિબેટની વજ્રયાન ધર્મપરંપરામાં અપરંપાર સુધારા કર્યા અને મોટી સુવ્યવસ્થા ગોઠવી.

આ મહાન ધર્મપુરૂષ સ્તોંગ-ખાપા દ્વારા પ્રારંભ પામેલી આ શાખા, ગેલુગ સંપ્રદાય તેમના પછી પણ વૃધ્ધિ પામતી રહી. સ્તોંગ-ખાપાને તિબેટના લોકો જેસ્ટન તરીકે પણ ઓળખે છે. તેમના જીવનકાળ દરમિયાન તિબેટમાં ત્રણ મોટા ગોમ્પાની સ્થાપના થઈ. ત્રણમાંનો પ્રથમ ગોમ્પા હતો-ગાન્ડેન ગોમ્પા. આ ગોમ્પાના પ્રથમ પ્રધાન લામા તરીકે સ્તોંગ-ખાપા જ ગણાય છે. તેમના પછી તેમના સ્થાને એક અન્ય લામા આવ્યા, જેઓ ગાન્ડેન ગોમ્પાના દ્વિતીય પ્રધાન લામા ગણાય છે. તેમના પછી ગોન્ડેન-ગોમ્પાના પ્રધાન લામા તરીકે સ્તોંગ-ખાપાના ભત્રીજા ગેન્ડન ડ્રપ આવે છે. ગેન્ડન ડ્રપને દ્વિતીય પ્રધાન લામાના અવતાર ગણવામાં આવે છે.

આ રીતે અવતારિ લામાની પરંપરાનો પ્રારંભ થયો. આનો અર્થ એમ થયો કે પ્રધાન લામા પોતાના દેહનો ત્યાગ કરીને, પુનઃ નવો અવતાર ધારણ કરીને, પુનઃ પ્રધાન લામાના તે જ પદ પર પ્રતિષ્ઠિત થાય છે.    આ અવતારી લામાની પરંપરા છે. આમાંથી જ દલાઇ લામાની અવતારી પરંપરાનો પ્રારંભ થયો છે. આનો અર્થ એમ કે દલાઈ લામાનું શરીર બદલે છે, ચેતના તેની તે રહે છે. ગેન્ડન ડ્રપે તાશીલ-હુમ્પો નામના એક ખૂબ મોટા ગોમ્પાની સ્થાપના કરી અને પોતાના શિક્ષાગુરૂને તે ગોમ્પાના પ્રધાન લામ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેમને પંચન લામા ગણવામાં આવે છે. પંચનલામાના પદ માટે પણ અવતારી લામાની પરંપરનો પ્રારંભ થયો છે. આ જ રીતે પછીથી કર્મ-પા-લામાની પરંપરાનો પ્રારંભ થયો છે.

ત્યાર પછી તો અનેક ગોમ્પાના અનેક પ્રધાન લામા માટે અવતારી લામાની પરંપરાનો પ્રારંભ થયો છે. તિબેટમાં આ રીતે લગભગ એક હજાર જેટલી આ પ્રકારની અવતારી લામાની પરંપરા ચાલે છે. દલાઈલામાની પરંપરામાં તૃતીય, પંચમ અને તેરમા દલાઈલામાનું ઐતિહાસિક મૂલ્ય વિશેષ છે. આ પરંપરા ના તૃતીય દલાઈ-લામાથી તેમના માટે આ શબ્દ ‘દલાઈ-લામા’નો પ્રારંભ થયો છે. અમારો સત્સંગ બરાબર ચાલતો હતો અને અચાનક એક અનીનું ધ્યાન ગયું અને તેઓ બોલી ઉઠયા- “અરે ! આપણા યાક ! બહુ દુર ચાલ્યા ગયા લાગે છે. અમારો શ્વાનમિત્ર કેસર પણ બેઠો હતો, જાણે તલ્લીન બનીને સત્સંગ સાંભળી રહ્યો છે !

કુમારેપાએ બૂમ પાડી- “કેસર ! યાક”

કેસર તુરંત સમજી ગયો અને ત્વરીત ગતિથી છલાંગો મારતો મારતો દોડ્યો અને ઘડીના છઠ્ઠા ભાગમાં બધા જ યાકને અમારા દ્રષ્ટિપથની મર્યાદામાં લઈ આવ્યો. પછી તુરંત જ આવીને અમારી બાજુમાં જ બેસી ગયો. પુનઃ દલાઈ લામાની કથા આગળ ચાલી. દલાઈ-લામા માટે આ ‘દલાઈ-લામા’ શબ્દનો પ્રયોગ કેવી રીતે શરૂ થયો ?

ઘટના આમ બની. સોળમી સદીમાં તૃતીય દલાઈ-લામા પ્રધાન લામા તરીકે પ્રતિષ્ઠિત હતા, તે સમયે જે દલાઈ-લામા હતા, તેઓ ઘણા સમર્થ પુરૂષ હતા. મોંગોલ પ્રજાએ યાક્યાના માર્ગદર્શન પ્રમાણે બૌધ્ધધર્મનો સ્વીકાર કર્યો હતો પરંતુ કાળાંતરે તે પ્રજા બૌધ્ધધર્મથી વિમુખ થઈ બની ગઈ. તે પ્રજાને બૌધ્ધધર્મમાં ફરીથી દીક્ષિત કરવાનું ભગીરથ કાર્ય આ તૃતીય દલાઈ લામાએ સિધ્ધ કર્યુ ત્યાર પછી સૌ વજ્રયાન બૌધ્ધધર્મની ગેલુક શાખાના એકનિષ્ઠ અનુયાયીઓ બન્યા. તેમના આ મહાન કાર્યથી પ્રસન્ન થઈને મોંગોલીયાના સમ્રાટ અલ્તાન ખાને તેમને ‘દલાઈ-લામા’ કહેવામાં આવે છે. આમ ‘દલાઈ-લામા’ ખીતાબનો પ્રારંભ થયો. ‘દલાઈ’ આ એક મોંગોલિયન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે-સાગર જેવા મહાન. આમ ‘દલાઈ-લામા’ ખિતાબનો અર્થ થાય છે-સાગર જેવા વિશાળ ગુરૂ.

આપણે સૌ દલાઈ-લામા માટે આ શબ્દ ‘દલાઇ-લામા’નો પ્રયોગ કરીએ છીએ પરંતુ તિબેટના લોકો તેમને ‘ગાલ્વા-રિમ્પોચે’ કહે છે તેનો અર્થ થાય છે-મહાન શાસક. અથવા તેમને ‘યે શે-મોરબુ’ કહે છે. તેનો અર્થ થાય છે-જ્ઞાનનું રત્ન. ધીમે ધીમે દલાઈ-લામાનું સ્થાન બળવત્તર બનતું ગયું અને કાળાંતરે તેઓ માત્ર ‘ગેલુક’ શાખાના જ વડા ન રહેતાં સમગ્ર વજ્રયાન ધર્મપરંપરામાં સન્માનનીય નેતા બન્યા. પરંતુ હજુ તેઓ તિબેટના રાજકીય વડા ન હતા. તેમ હવે થવાનું છે.

પાંચમા દલાઇ લામા મહાન સમર્થ પુરૂષ હતા. તેમને ‘મહાન પંચમ’ કહેવામાં આવે છે. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત મહાન રાજપુરૂષ અને સફળ વહીવટકર્તા પણ હતા. મોંગોલ રાજાના ટેકાથિ તેઓ હવે તિબેટના રાજકીય વડા પણ બન્યા. આમ તેમનાથી તિબેટમાં એક ધર્મપુરૂષના શાસનનો પ્રારંભ થયો. ધર્મપુરૂષ-સાધુપુરૂષ રાષ્ટ્રના રાજવી પણ હોય આ એક વિરલ ઘટના છે અને તે પૃથ્વી ઉપર માત્ર તિબેટમાં જ શક્ય બની. એટલુ જ નહી આ પરંપરા તરીકે ચાલુ રહી અને આજ સુધી ચાલુ જ છે.

વજ્રયાન-૧૭

 તેરમા દલાઈ લામાના સમયમાં તિબેટ એ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું અને ચીનના અધિપત્યથી મુક્ત થયું. તેરમા દલાઈ-લામાના મૃત્યુ પછી થોડા વખતમાં અર્થા‌ત્‌ ઈ.સ.૧૯૩૭માં તેમના અવતાર તરીકે ચૌદમા દલાઈ-લામાને શોધી કાઢવામાં આવ્યા છે. આટલી કથા કહીને કુમારેપા શાંત થઈ ગયા પરંતુ મારા પ્રશ્નો એમ શાંત થયા નથી. મેં તુરંત પ્રશ્ન પૂછ્યો-‘નવા અવતરેલા દલાઈ લામાને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે, કેવી રીતે ઓળખવામાં આવે છે ?’

મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે કુમારેપા કાંઈક જુદુ બોલ્યા, ‘હવે આપણી યાત્રા આગળ ચાલુ કરવાનો સમય થયો છે. આપણા યાક પણ ધરાઈને આવી ગયા છે અને જુઓ આપણો કેસર કેવો ઉતાવળો થાય છે !’ અમે સામાન બાંધ્યો, યાક પર સવાર થયા અને યાત્રા આગળ ચાલી સૌથી આગળ અમારો વફાદાર અને જાતવાન શ્વાન કેસર અને પછી મારું અને મીરાંબાઈનું યાક સાથે સાથે ચાલે છે.

મીરાંબાઈએ જ પ્રારંભ કર્યો-‘મારે તમને સમજાવવાનું છે કે નવા અવતરેલા બાળ દલાઈ લામાને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે, કેવી રીતે ઓળખવામાં આવે છે ! બરાબર ને ?
“બીલકુલ બરાબર !”
‘તો સાંભળો !’ આમ તેમણે પુનઃ  કથા કહેવાનો આરંભ કર્યો’
જ્યારે ગાદીનશીન દલાઈ લામાનું અવસાન થાય એટલે કામચલાઉ સરકારની રચના કરવામાં આવે છે તેના વડાને ‘રિજેન્ટ’ કહેવામાં આવે છે. નવા દલાઈ લામા પુખ્તવયના થાય ત્યાં સુધી આ કામચલાઉ સરકાર રાજ્યનો અને ધર્મનો વહીવટ દલાઈ લામા વતી ચલાવે છે. ત્યાર પછી સરકાર નવા બાળ દલાઈ લામાની શોધ માટે એક શોધ-સમિતિની રચના કરે છે. આ શોધ-સમિતિ કેટલીક નિશાનીઓને આધારે પોતાની શોધ આગળ ચલાવે છે.પ્રથમ દલાઈલામા કરૂણામૂર્તિ બુધ્ધ અવલોકિતેશ્વરના અવતાર છે. તેમનો જન્મ ઈ.સ.૧૩૯૧માં થયો હતો. ત્યારથી તિબેટમાં આ મહાન દલાઈલામાની પરંપરા ચાલુ જ છે. પ્રત્યેક અનુગામી દલાઈ લામા પુરોગામી દલાઈ લામાના અવતાર અર્થાત્ મુલતઃ અવલોકિતેશ્વવરના અવતાર ગણાય છે.

 ઈ.સ.૧૯૩૩માં તેરમાં દલાઈ લામા થાપ્ટેન-ગ્યાત્સો અવસાન પામ્યા અને તેમના અવતારિ અનુગામીની શોધ ચાલી તે માટે સૌથી પહેલા વિદ્વાન અને આ વિષયના જાણકાર લામાની સલાહ લેવામાં આવી. આકાશમાં વાદળાઓની રચના, મૃત દલાઈ લામાના મસ્તકની દિશા આદિ લક્ષણો દ્વારા એટલું નિશ્ચિત થયું કે દલાઈ લામાનો નવો અવતાર પૂર્વ દિશામાં થયો છે. ઈ.સ.૧૯૩૫માં રિજેન્ટ લ્હાસાથી ૯૦ કિ.મી. દૂર એક પવિત્ર સરોવર પાસે ગયા. આ સરોવર ચોખોગ્યંલ નામના સ્થાનમાં છે અને સરોવરનું નામ લ્હામોઈ-લાત્સો છે. તિબેટના લોકોની એવી શ્રધ્ધા છે કે આ સરોવરના જળમાં ભવિષ્ય દર્શન કરી શકાય છે.રિજેન્ટ દિવસો સુધી સરોવરને કિનારે રહ્યા. તેમણે ધ્યાન અને પ્રાર્થનામાં આ સમય ગાળ્યો. આખરે તેમણે સરોવરના જળમાં અમુક તિબેટીઅન ભાષાના અક્ષરો દેખાયા અને અમુક ગોમ્પા અને મકાનના દ્દશ્યો પણ દેખાયા. આ દર્શનના આધારે લામાઓની એક ટૂકડીને પૂર્વ દિશામાં મોકલવામાં આવી. તેઓ ‘કુમકુમ’ નામના સ્થાને મળ્યા. આ સ્થાન લ્હાસાથી અગ્નિ ખૂણામાં છે, નિશાની પ્રમાણેનો ગોમ્પા પણ મળ્યો. નિશાની પ્રમાણે તપાસ કરતાં એક ગામમાં તેઓ નિશાની પ્રમાણેના મકાન સુધી પહોંચી ગયા. આ જ મકાનમાં દલાઈ લામાનો જન્મ થયો હતો.

તપાસ કરનાર લામાઓ તેરમા દલાઈ લામાની માળા, લાકડી, વસ્ત્રો, ઢોલક આદિ અનેક વસ્તુઓ લઈ ગયા હતા. અનેક પ્રકારની પરીક્ષાઓ અને પાકી ચકાસણી પછી નિશ્ચિત થયું કે આ જ મકાનમાં આ જ પરિવારમાં જન્મેલ આ બાળક પૂર્વ દલાઈ લામાના અવતારી નવા દલાઈ લામા જ છે. માતા-પિતા અને સ્થાનિક ગવર્નરની સંમતિથી બાળક અને તેમના સમગ્ર પરિવારને લ્હાસા લાવવામાં આવ્યા. દલાઈ લામાના સત્તાવાર નિવાસસ્થાન પોતાલા-મહેલમાં બાળક દલાઈ લામાનો ઉછેર અને શિક્ષણકાર્ય શરૂ થયા. બૌધ્ધધર્મ અને વજ્રયાન ધારાના સર્વ શાસ્ત્રો, રાજ્ય વહિવટ, જ્ઞાનવિજ્ઞાનની અનેકવિધ શાખાઓ, ધ્યાન સાધના, તંત્રયાન આદિ અનેકવિધ સ્વરૂપનું શિક્ષણ દલાઈ લામાને અપાય છે. ઈ.સ.૧૯૩૩માં તેરમા દલાઈ લામાનું અવસાન થાય છે. ઈ.સ.૧૯૩૫માં વર્તમાન અર્થાત્‌ ચૌદમા દલાઈ લામાનો જન્મ થયો છે. ઈ.સ.૧૯૫૦માં દલાઈ લામા તરીકે તેઓ પ્રતિષ્ઠિત થયા, ગાદીનશીન થયા.

ઈ.સ.૧૯૫૯માં દલાઈ લામા ચીનના આક્રમણને કારણે ભારતમાં આવ્યા. આજે તેઓ ભારતમાં હિમાચલપ્રદેશમાં, ધર્મશાલામાં તેમના અનેક દેશવાસીઓ, તિબેટીઅનો સાથે રહે છે. દલાઈ લામા વિશ્વભરમાં પોતાનો પક્ષ શાંતિપૂર્વક રજુ કરી રહ્યા છે. દલાઈ લામાને ઈ.સ.૧૯૮૯માં શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું છે. હવે સાંજ પડવા આવી છે અને અમે પ્રધાન ગોમ્પાની નજીક પહોંચી ગયા છીએ. સૂર્ય પશ્ચિમ દિશામાં નીચે ઉતરી રહ્યો છે તેના શુભ્ર ધવલ પ્રકાશ કિરણો હિમદર્પણમાં પ્રતિબિંબિત થઈને અમારી આંખ સુધી પહોંચી રહ્યા છે. પશ્ચિમ દિશા રક્તવર્ણી બની ગઈ છે.

 આ સફેદ બરફ સૂર્યના પ્રકાશમાં અનેકવિધ આકાર ધારણ કરે છે. આટલી સુંદર સંધ્યા ! આટલો સુંદર સૂર્ય ! આવું સુંદર આકાશ ! આટલા સુંદર માનવો ! આ સૂર્ય કોણ
છે ? આ સંધ્યા શું છે ? આ સૌંદર્ય શું છે ? આ બધું, હા બધું જ મહાચૈતન્યની અભિવ્યક્તિ છે અને તેથી જ સુંદર છે ! અમારો રસાલો ગોમ્પાના પ્રાંગણમાં આવીને ઉભો રહયો. અંદરથી બે લામાઓ દોડી આવ્યા. બધા નીચે ઉતર્યા, સૌનું ભાવપુર્વક, સ્મિતપુર્વક સ્વાગત થયું. સાંજે થોડું ભોજન, રાત્રે થોડી વાતો અને પછી પ્રગાઢ નિદ્રા !

મોડી રાત્રે ઉંઘ ઉડી ગઈ

મન વિચારે છે- કેવો છે આ તિબેટ દેશ ! આ તિબેટમાં, વિશ્વમાં એક માત્ર તિબેટમાં એક સાધુ, એક સન્યાસી રાજવી છે. આ સાધુ બહુ આકરી તાલીમમાંથી અને પ્રગાઢ શિક્ષણમાંથી પસાર થઈને અપરંપાર યોગ્યતા પ્રાપ્ત કરીને પછી જ રાજવી બને છે. વિશ્વમાં આ એક અનન્ય પ્રયોગ થયો છે, પરંતુ આ પ્રયોગના વર્તમાનકાલમાં તો ખગ્રાસ ગ્રહણ લાગી ગયું છે. શું થશે ભવિષ્યમાં ? તે તો રામ જાણે પરંતુ તિબેટના ધર્મનિષ્ઠ લોકો તો આજે પણ પોતાના પરમપાવન દલાઈ લામાને જ પોતાના ધર્મપુરૂષ અને પોતાના રાજવી પણ માને છે અને તેથી પણ વિશેષ તેઓ દલાઈ લામાને હજુ પણ અવલોકિતેશ્વરના અવતારજ માને છે !

સત્યનો વિજ્ય થાઓ ! (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૨૭-૧૧-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૯ (ભાણદેવજી)

Vajrayan
તિબેટના રહસ્યવાદની કથા

‘આવશ્યક્તા સંશોધનની જનની છે’ આ સત્ય માત્ર વિજ્ઞાનના ક્ષેત્રને જ નહીં પરંતુ સમગ્ર જીવનને લાગુ પડે છે અને તદ્દનુસાર ધર્મ-અધ્યાત્મક્ષેત્રને પણ લાગુ પડે છે.
તિબેટ અતિશય ઠંડો પ્રદેશ છે તિબેટ હિમાલયથી પણ ઉત્તરમાં રહેલો છે અને મહદઅંશે ઉંચો અને ખૂબ ઉંચો પ્રદેશ છે. વર્ષના અનેક મહિના સુધી તિબેટના મોટા ભાગ પર બરફ છવાયેલો છે. આવી અને આટલી ઠંડીમાં બારેય માસ રહેવું તે સરળ નથી. ઠંડીથી સરળતાથી બચી શકાય તેવા ભૌતિક સાધનો પણ તિબેટમાં બહુ ઉપલબ્ધ નથી. તિબેટમાં જંગલો નહિંવત છે તિબેટમાં ઝાડ-પાન બહુ થતા નથી, આમ હોવાથી તેબેટમાં લાકડાની બહુ ખેંચ રહે છે. તિબેટમાં લાકડાનો ઉપયોગ કરીને અગ્નિ પ્રગટાવીને ઠંડીથી બચવાનું કામ ખૂબ ખર્ચાળ બની રહે છે. એક સમય એવો પણ હતો કે કોઈ લામા કે ધનાઢ્યજનના અંતિમસંસ્કાર માટે લાકડા ભારતથી મંગાવવામાં આવતા આ સંજોગોમાં તિબેટની આ કાતિલ ઠંડીથી બચવું કેમ ?
આ સંજોગોમાં આ સમસ્યાના નિરાકરણ માટે તિબેટના સિધ્ધ લામાઓએ એક વિરલ ઉપાય શોધી કાઢ્યો છે. આ ઉપાયનું નામ છે તુ-મો.
કુમારેપા મને સમજાવે છે આ અમારી ‘તુ-મો’ સાધનામાં ઉષ્ણતા પ્રગટાવવામાં આવે છે, પરંતુ આ ઉષ્ણતા બહારના કોઈ માધ્યમ દ્વારા નહીં, પરંતુ શરીરની અંદરથી જ પ્રગટાવવામાં આવે છે. અહીં ભૂતાગ્નિ દ્વારા નહીં, પરંતુ યોગાગ્નિ દ્વારા ઉષ્ણતા પ્રગટાવવામાં આવે છે. મને યાદ આવ્યું-હા, અમારા ભારતમાં પણ આવી યૌગિક પધ્ધતિઓ છે જેમના દ્વારા શરિરમાં ઉષ્ણતા પ્રગટ કરી શકાય છે. એટલું જ નહીં ક્વચિત યોગાગ્નિ પ્રગટ કરીને શરીરને ભસ્મસાત કરવાના પ્રસંગો પણ બન્યા છે.
યોગવિદ્યામાં ઉષ્ણતા પ્રદાયક પ્રાણાયામ છે.
યોગમાં અગ્નિ ધારણા છે.
અગ્નિનો બીજ મંત્ર પણ છે.
શ્રીમદ્દ ભાગવત અનુસાર દક્ષયજ્ઞવિધ્વંસ પ્રસંગે સતીએ પોતાના શરીરમાં જ યોગાગ્નિ પ્રગટ કરીને શરીરને ભસ્મસાત કર્યું હતું.
તુ-મો આવી જ કોઈ સાધના અને આવિ જ કોઈ સિધ્ધિ હશે.
અરે ! આ અમારું અને આ તમારું, આ અમારો ભારત અને આ તમારો તિબેટ આ તો બધી હમણાંની વાતો છે. તિબેટ અને ભારત વચ્ચે સરહદની રચના તો આ માટીપગા માનવોએ હમણાં રચી છે. એક કાળે સદીઓ, સહસ્ત્રાબ્દિઓ સુધી આ બંને પ્રજાઓ વચ્ચે જીવનના અનેક ક્ષેત્રમાં અપરંપાર આદાનપ્રદાન થયું છે.
કુમારેપાને હૂં પૂંછું છું
‘કહો કુમારેપા કહો ! આ તુ-મોની સાધના શું છે !’
….અને કુમારેપા મને સમજાવે છે કોઈ એક ઉચ્ચ કોટિના લામા પોતાના સમર્થ અને તુ-મોસિધ્ધ ગુરુ સમક્ષ તુ-મો સાધના પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. આ તુ-મો સાધના સર્વજનસુલભ નથી આ સાધના માત્ર ઉચ્ચ કોટિના સાધકો માટે જ છે અને સિધ્ધ પુરૂષ પાસેથી તે પ્રાપ્ત કરવી પડે છે.
સર્વ પ્રથમ ગુરુ, શિષ્યની યોગ્યતા ચકાસે છે શિષ્યની યોગ્યતા, નિષ્ઠા, સાધના અને સિધ્ધિ માટેની તમન્ના, દિર્ઘકાલ સુધી સાધનારત રહેવાની એકનીષ્ઠ યોગ્યતા આ બધું જોઈને ગુરુ પોતાના શિષ્યને તુ-મો સાધના માટે દીક્ષિત કરે છે.
દિક્ષિત થયા પછી તુ-મો સાધનાનું પ્રથમ સોપાન છે. મંત્ર સાધના.
જેમ વૈદિક ધર્મમાં તેમ વજ્રયાન-બૌધ્ધ ધર્મમાં પણ અગ્નિ મંત્રો અને અગ્નિ-બીજમંત્ર છે. ગુરુ શિષ્યને આ મંત્રો આપે છે, શિષ્ય દીર્ઘકાલ પર્યંત એકનિષ્ઠ ભાવે અને સમુચિત મનોદશા સાથે આ મંત્રોનો જપ કરે છે. આ જપ સાધનાથી શિષ્યના શરીરમાં એક વિશેષ પ્રકારની આંતરિક ઉષ્ણતા પ્રગટ થવા લાગે છે.
જ્યારે ગુરુને લાગે કે હવે શિષ્યની આ અગ્નિમંત્ર સાધના એક વિશેષ અવસ્થા સુધી પહોંચી છે ત્યારે ગુરુ શિષ્યને દ્વિતીય સોપાન સુધી દોરે છે. આ દ્વિતીય સોપાન છે પ્રાણાયામ સાધના.
વજ્રયાનમાં કેટલાક ઉષ્ણતા પ્રદાયક પ્રાણાયામ છે. આ પ્રાણાયમ એક જ નહીં પરંતુ અનેક અને અનેકવિધ છે. તેમની એક શ્રેણી છે. તુમો સાધના ના ગુરુ પોતાના તુમો સાધના ના શિષ્યને આ પ્રાણાયમ સોપાનશઃ બતાવે છે અને શિષ્ય ગુરુના માર્ગદર્શન પ્રમાણે આ તુમો-પ્રાણાયામની સાધનામાં આગળ વધતો રહે છે.
વજ્રયાન-૯_૧
ભારતમાં યોગ-પરંપરામાં ભસ્ત્રિકા પ્રાણાયામના અનેક પ્રકારો છે. મેં થોડા પ્રકારો કુમારેપાને કરી બતાવ્યા. કુમારેપાએ મને તુમો-પ્રાણાયામ બતાવ્યા તો નહીં પરંતુ એટલું સમજાવ્યું કે તુમો પ્રાણાયામ યોગના ભસ્ત્રિકા પ્રાણાયામ સાથે કંઈક અંશે સમાન છે, પરંતુ બંને સર્વથા સમાન કે એક નથી.
તુમો પ્રાણાયામના આ અભ્યાસ દરમિયાન સાધક અગ્નિમંત્રોના જપની સાધના પણ ચાલુ જ રાખે છે, બંનેનો સમન્વય થાય છે.
મંત્ર સાધના અને પછી આવેલી આ પ્રાણાયામ-સાધના આ બંનેના સંયુક્ત અભ્યાસથી તુમો-સાધકના શરીરમાં અપરંપાર ઉષ્ણતા પ્રગટવા લાગે છે. બરફમાં બેઠેલો સાધક પણ આ સંયુક્ત સાધના દરમિયાન પરસેવે રેબઝેબ થઈ જાય છે.
મેં કુમારેપાને વિનંતી કરી
‘આ તુમો-પ્રાણાયામ આપ મને બતાવો’
તેમણે નિખાલસ ઉત્તર આપ્યો ‘મારે મારા ગુરુ મહારાજને પૂછવું જોઈએ’
તેમનો નિખાલસ અને સાચુકલો ઉત્તર સાંભળીને મને ગમ્યું.
તે રાત્રિની અમારી બેઠક અહીં જ પુરી થઈ. તુ-મો સાધના અને સિધ્ધિ વિશે હજુ આગળ ઘણું જાણવાનું બાકી છે. જીવનનું સ્વરૂપ જ એવું છે કે કાંઈક તો બાકી રહી જ જાય છે બીજું ઘણું બાકી ભલે રહી જાય, પરંતુ આ તુ-મો સાધનાને આપણે બાકી નથી જ રાખવી.
બીજે દિવસે ગોમ્પાના કોઈક કામ માટે ગુરુ આજ્ઞાથી કુમારેપાને ક્યાંક બહાર જવાનું થયું. કેટલા દિવસ માટે તેઓ બહાર ગયા છે તે હું જાણતો નથી અને હું કોઈને પૂછતો પણ નથી. બોલે તેના બોર વેચાય તે પણ સાચું અને ન બોલવામાં નવ ગુણ તે પણ સાચું ક્યારે ક્યું સાચું ? વિવેક જાળવવો જોઈએ.
અહીં ‘ન બોલવામાં નવ ગુણ’ તે જ સાચું નીકળ્યું. આમ જ આઠ દિવસ પસાર થયા અને અચાનક કુમારેપાના દર્શન થયા.
વહેલી સવારે મારા રૂમના દ્વાર પાસે આવીને બોલ્યા, ‘હું આવી ગયો છું. મારી ગેરહાજરીમાં આપને કાંઇ કષ્ટ નથી અને હવે તો આપ આવી ગયાને !’
‘હા, હવે હું આપની સેવામાં હાજર છું’ મને લાગ્યું કે હવે ‘બોલે તેના બોર વેચાય’ નો સમય છે અને તદનુસાર મેં તુરંત કહ્યું આજે રાત્રે આપણે મળશું અને બેસશું
‘તેમણે પણ ત્વરિત અને અને વિધાયક ઉત્તર આપ્યો’ હા, ભલે !’
કુમારેપાને ગોમ્પાનું ઘણું કામ રહે છે રાત્રે મારા રૂમ પર આવ્યા. હું વિના કહ્યે જ સમજી ગયો. અમારે બહાર જવાનું છે અને બેસવાનું પણ છે. હું તૈયાર થયો અને અમે બંને ગોમ્પાના ભવનને છોડીને બહાર મેદાન તરફ ચાલ્યા.
છેલ્લા એક સપ્તાહથી બરફ પડ્યો નથી. ગોમ્પાની આજુબાજુના મેદાનમાંથી બરફ ઓગળી ગયો છે. ચારે બાજુના શિખરો તળિયાથી ટોચ સુધી હિમાચ્છાદિત છે. ક્યાંક-ક્યાંક, ખાસ કરીને નીચાણવાળી જમીન પર બરફ પથરાયેલો છે. ઠંડીતો છે, પરંતુ બહુ નહીં. અહીં ઠંડી તો હોય જ ને! ઠંડી ન હોય તો શું હોય ? અને અહીં ઠંડી ન હોય તો બીજે ક્યાં હોય.
અમે યાકના ચામડાના મોટા આસન પાથરીને બેઠા.યાકના ચામડામાં ચામડાની સાથે ચામડા પર મોટા મોટા ગુચ્છાદાર વાળ પણ હોય છે એટલે રૂના ગાદલા પર બેઠા હોઈએ તેમ લાગે છે.
આ આપણા ભગવાન બહુ કૃપાળુ અને ઘણા સમજદાર છે. ઠંડા પ્રદેશના પ્રાણીઓની ચામડી પર ગુચ્છાદાર વાળ, રણ પેઅદેશના ઉંટના પગના તળીયા ગાદીવાળા અને અનેક દિવસો સુધી પાણી વિના ચલાવી શકે તેવી શરીર રચના. ચીબરી, ઘુવડ આદિ નિશાચર પ્રાણીઓ રાત્રીના અંધકારમાં પણ જોઈ શકે તેવી તેમની આંખોની રચના અને આવી તો અપરંપાર હેરત પમાડે તેવી રચના આપણા આ ભગવાને કરી છે. ભગવાન કૃપાળુ તો છે જ, પરંતુ સાથે સાથે તેઓ સમજદાર અને શક્તિમાન પણ છે. તો જ આ બધું ચાલી શકે ને ! સમજ (જ્ઞાન) અને શક્તિ વિનાની એકલી કૃપા બિચારી શું કરે ?
અમે બંને ભગવાને ખાસ બનાવેલા આ યાકના ચામડા પર બેઠા છીએ.
અંધારી રાત છે. ચારેય બાજુ હિમાચ્છાદિત શિખરો છે. પ્રગાઢ શાંતિ છે, પ્રગાઢ શાંતિ ! વાત કરવાનું મન ન થાય તેવી પ્રગાઢ શાંતિ ! મારું ધ્યાન ઉપર ગયું આકાશ તરફ. ધ્યાન તો હંમેશા ઉપર જ રાખવું સારું ! ચળકતાં બહુમુલ્ય હીરાથી મઢેલું આ નિશાદેવીની ચૂંદડી જેવું આકાશ ! આ તારલિયાઓ આટલા ચળકતાં, આટલા તેજસ્વી, આટલા પ્રકાશપૂર્ણ ! આ સિતારાઓ આપણે ધારીએ તેના કરતાં ઘણા વધારે પ્રકાશપૂર્ણ હોય છે. હિમાલયમાં કવચિત આ તારલિયાઓના યથાર્થ દર્શન કર્યા છે. આવું જ આજનું આકાશદર્શન ! અંધારી રાત્રે આપણે બરફના મેદાનમાં ઉભા રહીએ તો તારાઓના પ્રકાશથિ આપણો પડછાયો બરફમાં પડતો અમે અનેક વાર જોયો છે. સૂર્ય અને ચંન્દ્ર બંનેની ગેરહાજરીમાં માત્ર તારાઓનાં પ્રકાશમાં પણ પડછાયો પડે છે !
વજ્રયાન-૯_૨
આ ગોઝારા વિજળીના દીવાઓએ આપણું આકાશ દર્શન છીનવી લીધું છે ! વર્ષોથી વિસરાઈ ગયેલું આકાશદર્શન આજે તાજું કરુ છું
આ સપ્તર્ષિ, આ નાની સપ્તર્ષિ, આ ધ્રુવતારક, આ સિંહ રાશિ, આ ધનુ રાશિ, આ ઉત્તરાષાઢા, આ પૂર્વાષાઢા નક્ષત્રો. આ અશ્વિની નક્ષત્ર અને આ કૃતિકાનું ઝુમખું !
આકાશમાંથી નીચે આવીને મારું ધ્યાન હિમશિખરો તરફ ગયું. ત્યાંથી નીચે આવીને ધ્યાન ચારેય બાજુ વિસ્તીર્ણ મેદાન તરફ અને મારા ધ્યાનમાં કુમારેપા આવી ગયા. અરે ! કુમારેપા આપણે અહીં છીએ ! ક્ષમા કરજો ! હું ગગનવિહાર અને પર્વત પરિક્રમામાં રત હતો !
હવે અમારે મૌનમાંથી વાણીમાં પ્રવેશવાનું છે અને પ્રારંભ કરવાની જવાબદારી સહજ રીતે મારા પર છે તેથી જ મૌનનો ભંગ કરવાનું કઠીન અને અરૂચિકર કર્મ મારે જ કરવું પડ્યું.
‘કુમારેપાજી ! આપણે તુમો સાધનાના સોપાનોની વાત કરતા હતા. આપણે તુ-મો ના બે સોપાનો મંત્ર-સાધના અને પ્રાણાયામ સાધના વિશે જોઈ ગયા છીએ. હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે.
દીર્ઘકાળ સુધી મૌન રહ્યા પછી કુમારેપા તૃતિય સોપાનનાં કથનનો પ્રારંભ કરે છે. મંત્ર સાધના અને પ્રાણાયામ-સાધનામાં ઘણી પ્રગતિ થાય પછી ગુરુ મહારાજ શિષ્યને તૃતિય સોપાનમાં દીક્ષિત કરે છે. તૃતિય સોપાન છે અગ્નિ ધારણા.
આ અગ્નિ ધારણાની સાધના કઠીન પણ છે અને જોખમી પણ છે. વિકસીત અને સમર્થ સાધકો જ આ સોપાનમાં પ્રવેશ થાય છે અને તેવા સાધકને જ આ સોપાનની દીક્ષા મળે છે.
અગ્નિ ધારણા શું છે ?
સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે ધારણા શું છે ? અહીં ધારણા એટલે કોઈ વિશેષ પ્રકારની એકાગ્ર ભાવના કરવી. જે પ્રાપ્ત કરવું છે, તે થયું છે અને થયું છે તેવી ભાવના કરવામાં આવે છે. દ્દષ્ટાંતતઃ વરસાદ નથી અને તે જ વખતે અપરંપાર વર્ષા થઈ રહી છે તેવી એકાગ્ર અને તીવ્ર ભાવના-અવધારણા કરવામાં આવે તો તે ધારણાની ઘટના છે.
– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૨૫-૦૯-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૬ (ભાણદેવજી)

Vajrayan
બીજે દિવસથી યોગના વર્ગો શરૂ થયા.ગુરૂજી અર્થાત પ્રધાન લામા સહિત બધા જ લામાઓ હાજર રહે છે. સાદા યોગાસનો અને સાદા કુંભક રહિત પ્રાણાયામથી અમે પ્રારંભ કર્યો. લગભગ બધામાં સારી જિજ્ઞાસાવૃત્તિ છે. સૌ સડસડાટ શીખી રહ્યા છે. ત્રિશ માંથી ચાર વૃધ્ધ પુરુષો અને બે કીશોરો છે. બાકીના સૌ નવયુવાનો કે પ્રોઢ યુવાનો છે. મુક્તિનાથથી જેમની આંગળી પકડીને હું અહીં સુધી પહોંચ્યો હતો, તે મારા પ્રથમ યજમાનલામા પણ આમાં સંમિલિત છે.
બરફ પણ ઝડપથી ઓગળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક તો છે જ પરંતુ આકાશ નિરભ્ર છે અને સૂર્ય આખો દિવસ પ્રકાશ અને ઉષ્મા વરસાવી રહ્યો છે.
ગોમ્પામાં એક સારી લાઈબ્રેરી પણ છે. કુમારેપાની સાથે એક વાર મેં લાઈબ્રેરી જોઈ. લગભગ બધા જ ગ્રંથો તિબેટીઅન ભાષામાં છે, પરંતુ મારા સદ્દભાગ્યે આમાં એક ખાનામાં થોડા અંગ્રેજી પુસ્તકો પણ છે. તેઓમાંના કોઈ અંગ્રેજી જાણતા નથી. હું અંગ્રેજી અને સંસ્કૃત જાણું છું, તે જાણીને તેઓ રાજીરાજી થઈ ગયા. અંગ્રેજી પુસ્તકો તો સાવ મને જ સોંપી દીધા. આ બધા અંગ્રેજી પુસ્તકો વજ્રયાન અને તિબેટીઅન સંસ્કૃતિ વિષયક પુસ્તકો છે. અહીંના રાજાએ આ વસાવેલાં છે. મને તો જાણે ખજાનો મળી ગયો.
એક વાર સવારે લગભગ ૧૦ વાગ્યે હું ગોમ્પાના પ્રાંગણમાં બેસીને એક અંગ્રેજી પુસ્તક વાંચી રહ્યો છું. ગોમ્પામાંથી ત્રણ લામાઓ બહાર આવ્યા. બે લામાઓના હાથમાં લાકડાના મોટા તપેલા છે. લાકડામાંથી બનાવેલા તપેલાં ! હા, સીસમ જેવા કોઈક ઉચ્ચ ગુણવતાયુક્ત લાકડામાંથી આ તપેલા બનાવેલા છે, તેમ લાગ્યું. ત્રીજા લામાના હાથમાં ધનુષ્ય અને બાણ હતા. મારી પાસે આવીને કુમારેપાએ મને કહ્યું “અમે મધ લેવા જઈએ છીએ. આપને આવવું હોય તો ચાલો”
વજ્રયાન-૬_૧
ધનુષ-બાણ લઈને મધ લેવા ! મારી મુલતવી રાખેલી હેરત પુનઃ જાગૃત થઈ. હું ચુપચાપ તેમની સાથે ચાલ્યો.
અમે એક નાની પહાડી પાર કરીને તેની પાછળની બાજુએ પહોંચ્યા. એક નાની ખીણમાં આગળ ચાલ્યા. અહીં હજુ બરફ છવાયેલો છે.
કુમારેપા મને સમજાવે છે. “અહીં આ ખીણમાં તો લગભગ આખો શીયાળો બરફ છવાયેલો રહે છે.” અમે આગળ ચાલ્યા. ત્રણેય લામાઓ અટક્યા. હું પણ અટકી ગયો. સામે કાળમીંઢ પથ્થરની એક લાંબી અને ઉંચી ભેખડ છે. કુમારેપાએ હાથ ઉંચો કરીને મને કહ્યું. “જુઓ ! આ અમારા મધપૂડા છે.”
હું ફરી એક વાર હેરત પામી ગયો. પથ્થરની આ ભેખડમાં વિશાળ કદના મધપૂડાઓની એક લાંબી હાર ઉપસ્થિત છે. એક એક મધપૂડો પાંચ પાંચ ફૂટ લાંબો અને લગભગ તેટલો જ પહોળો છે. આવા કેટલા મધપૂડા ? મેં બરાબર ગણ્યા વીશ મધપૂડા છે.
કુમારેપાએ મને સમજાવ્યું. આ અમારું મધમાખી ઉછેર કેન્દ્ર છે. આ મધપૂડા લગભગ સવાસો વર્ષ જૂના છે. મધમાખીઓ બદલાય છે. મધપૂડાની રચના, મીણ આદિ પણ બદલાયા કરે છે. પરંતુ આ બધા પરિવર્તનની વચ્ચે પણ આ મધપૂડાઓ સતત ચાલુ જ રહ્યા છે.
આ વિસ્તારમાં થોડા વૃક્ષો અને છોડવાઓ છે અને તેમાં તથા આજુ બાજુના ખેતરોમાં નાના મોટા પુષ્પો થાય છે. અમારી મધમાખીઓ ત્યાંથી મધ લાવી એકઠું કરે છે, આ ઉપરાંત અમે અમુક ઋતુમાં અહીં ખાંડની ચાસણી પણ મૂકીએ છીએ. અમે આ મધપૂડામાંથી મધ લઈએ છીએ પરંતુ હીંસા કરતા નથી. તમે જેમ ગાયને પાળો છો અને ગાય પાસેથી દૂધ મેળવો છો, તેવી જ કાંઈક આ ઘટના છે.
આ ધનુષ્ય બાણ જોઈને તમને હેરત અનુભવાય છે ને ? પણ હમણાં જ તમે જોશો કે આ ધનુષ્ય બાણ કોઈને મારવા માટે નહીં, પરંતુ આ મધપૂડામાંથી મધ કાઢવા માટે જ છે. મને આટલું સમજાવ્યા પછી ત્રણેય લામાઓ મધ કાઢવા માટે તૈયાર થયા. એક લામાએ એક મધપૂડાની બરાબર નીચે એક તપેલું મૂક્યુ. મેં એક ધનુષ અને એક બાણ હાથમાં લઈને તપાસી જોયું મજબૂત લાકડામાંથી સુંદર નકશીકામ વાળુ આ એક ધનુષ છે. ઘસીને અને તૈલીપદાર્થ ચોપડીને ધનુષને ચકચકીત બનાવેલું છે. તેવું જ સુંદર લાકડાનું બાણ છે. બાણની અણી પણ લાકડાની જ છે. પરંતુ ખૂબ તીક્ષ્ણ છે.
મારા હાથમાંથી ધનુષ્ય બાણ પોતાના હાથમાં લઈને એક લામા મધપૂડાની નીચે ઉભા રહ્યા. તેમણે બાણ ધનુષ્ય પર ચડાવ્યું. કાન સુધી ખેંચીને બાણ છોડ્યું. બાણ મધપૂડામાં ખૂંચી ગયું. થોડીવાર બાણ મધપૂડામાં ખૂંચેલું રહ્યું. ત્રણેય લામાએ મધપૂડા અને મધપૂડામાં ખૂંપેલા બાણ સામે મીટ માંડીને ઉભા રહ્યા; થોડી ક્ષણો પસાર થઈ આખરે બાણ મધપૂડામાંથી બહાર નીકળીને તપેલામાં પડ્યું. એક લામાએ તે બાણ ઝડપથી હાથમાં લઈ લીધું. બાણ નીચે પડ્યું તેની સાથે જ મધપૂડામાંથી મધની ધાર નીકળી. મધની ધાર તપેલા સુધી પહોંચી. આ ધાર ચાલુ રહી ત્યાં સુધી સૌ તેની સામે જોઈને ઉભા રહ્યા. ધાર બંધ થઈ એટલે તે બાણાવળી લામાએ ફરીવાર ધનુષ્ય પર બાણ ચડાવ્યૂં અને કાન સુધી ખેંચીને ફેંક્યું. ફરીથી બાણ મધપૂડામાં ખૂંપી ગયું. ફરીથી મધની ધાર અને ફરીથી બાણવિદ્યા આ રીતે ચાર મધપૂડામાં બાણ મારીને લામાઓએ બંને તપેલા મધથી છલોછલ ભરી લીધા.
વજ્રયાન-૬_૨
હવે અમે પાછા ફરવા માટે તૈયાર થયા. તપેલા મોટા છે અને મધથી છલોછલ ભરેલા છે. એક જણથી ન જ ઉપડે. તપેલા બે છે અને લામાઓ ત્રણ છે. ચોથા સભ્ય તરીકે હું જોડાયો અને અમે ચાર મળીને બે તપેલા ઉંચકી લીધા. ધનુષ્ય-બાણ ત્યાં જ મૂક્યા. કોઈક પ્છી આવીને લઈ જશે.
મારાથી પુછાઈ ગયું. “આટલા બધા મધનું આપણે શું કરશું ?”
“આપણે ભોજનમાં રોજ પતાસા ખાઈએ છીએ, તે આ મધમાંથી બનાવેલા છે.”
“પણ આ મધમાંથી પતાસા બને કેવી રીતે ?”
“તે પણ અમે આપને બતાવશું”
અને સાંજે તે પ્રસંગ પણ આવ્યો.
કુમારેપાએ મને કહ્યું-“અમે મધના પતાસા બનાવવ જઈ રહ્યા છીએ. આપ આવી શકો. અમે સૌ સાથે નીકળ્યા. મધના બંને તપેલા સાથે લીધા. બે લામાઓએ પોતાના મસ્તક પર સુંદર લોખંડના પતરાં પણ લીધા છે. એક નીચી જગ્યામાં બરફ પથરાયેલો છે, ત્યાં પહોંચ્યા.
બરફની સપાટીને સપાટ બનાવીને તેના પર પતરાં ગોઠવ્યા. એક લામા ચમચેથી તપેલામાંથી મધ લઈને પતરા પર નાની નાની ઢગલીઓ કરવા માંડ્યા. ચાર પતરાં પર અનેક ઢગલીઓ રચાઇ ગયા. આ ચારેય પતરાંની ઉપર બીજા ચાર પતરાં ગોઠવી દીધા. દબાવ્યા. આ દબાણથી મધની ઢગલીઓનો આકાર પતાસા જેવો બની ગયો. આજુબાજુમાં રહેલો બરફ આ ચારેય પતરાં પર ગોઠવી દીધો. પતરાં સાવ ઢંકાઈ ગયા. હવે સમજાયું. આ સાંજનો સમય કેમ પસંદ કર્યો ? આખી રાત ઠંડીમાં ઠરીને આ પતાસા કઠણ બની જશે. અમે સૌ આ પતાસા મૂકીને ગોમ્પામાં આવી ગયા. બીજે દિવસે આ તૈયાર થયેલાં પતાસાના ડબ્બા ભરી લીધા. આટલા બધા પતાસાનું શું કરવું ? આપણે સૌ મજાથી ખાઈશું અને બીજા થોડા પતાસા આ વિસ્તારના અન્ય ગોમ્પાઓમાં મોકલી આપશું
આટલા પતાસા ખલાસ થઈ જાય પછી શું કરશું ? અરે ! તેમાં શું મોટી વાત છે ? આપણે તપેલાં તથા ધનુષ્ય-બાણ લઈને ફરીથી મધપૂડા પાસે જઈશું. ફરીથી મધ લઈ આવશું અને ફરી પતાસા બનાવશું. કુમારેપાએ મને સમજાવ્યં છે.એ વાત સાચી છે કે આ મધ પચવામાં બહુ ભારે છે, પરંતુ શિયાળામાં અહીંની ઠંડીની સામે શરીરને ટકાવી રાખવા માટે આ પતાસા બહુ ઉપયોગી ખોરાક છે. આપ રોજના ખોરાક સાથે આ પતાસા પણ લેતા રહેજો”
મધ જેવૂં મીઠું આ મધ અને તેમાંથી બનાવેલા આ મીઠા મધ જેવા પતાસા તે લેવાની અમે શા માટે ના પાડીએ ? નચિંત રહો, કુમારેપાજી ! અમે જરૂર પતાસા લઈશું અને જરૂર પતાસા ખાઈશું (ક્રમશઃ)
– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૦૪-૦૯-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૫ (ભાણદેવજી

Vajrayan
ગોમ્પામાં રહો
સવાર થયું. ઉંઘ પૂરી થઈ. ત્રણેય ધાબળા બાજુમાં મૂક્યા. પથારીમાં બેઠો થયો હું ક્યાં છું ? મારે યાદ કરવું પડ્યું. હા નેપાલના એક સાવ ઉત્તરીય વિસ્તારમાં મુક્તિનાથની બાજુના એક રાજમહેલ જેવા ગોમ્પાના એક રૂમમાં છું. રૂમ ફ્રીજ જેવો ઠંડો થઈ ગયો છે, થોડીવાર ભગવત-સ્મરણ-ધ્યાન ચાલ્યું.મનમાં મનમાં આયોજન કરું છું- આજે દશેક વાગ્યે અહીંથી નીકળીને સાંજે જોમસુમ પહોંચવું. રાત્રિનિવાસ જોમસુમમાં જ કરવો. આવતીકાલે સવારે પ્લેનમાં બેસીને પોખરા પહોંચી જવું. રે માનવ મનના આયોજન ! હું કરું આ મેં કર્યું માનવી મીથ્યા બકે; ઈશની આજ્ઞા વિના એક પાન ના ચાલી શકે !
પથારીમાંથી ઉભા થઈને બારી ખોલી. સ્તબ્ધ થઈ ગયો. ગઈકાલની સાંજથી હેરતની હારમાળા સરજાઈ છે. એક વધુ હેરત ! ચારે બાજુ બરફ છવાઈ ગયો છે. યાદ આવ્યું. રાત્રે હિમવર્ષાના દર્શન કરવા માટે બારી ખોલીને બારી પાસે બેઠો હતો ! આ ગોમ્પાના પ્રાંગણમાં, પ્રાંગણની બહારની જમીન પર, નાના મોટા પહાડો પર- સર્વત્ર બરફ પથરાઈ ગયો છે ! મેં બુટ પહેર્યા. બંને સ્વેટર પહેરી લીધા. માથા પર ટોપી ગોઠવી. હાથમોજા પણ પહેરી લીધા. હાથમાં લાકડી લઈને નીકળ્યો. સડસડાટ દાદરો ઉતરીને નીચે પહોંચી ગયો. બરફ્ના પેટ ભરીને દર્શન કરવા માટે !
ગોમ્પાના પ્રાંગણમાં લગભગ બે ફૂટ જેટલો બરફ છવાઈ ગયો છે. અરે ! વૃક્ષોની ડાળીઓ ચારે બાજુ બરફથી લીંપાઈ ગઈ છે. ડાળીઓમાંથી હિમબિંદુ અને જળબિંદુ ટપકી રહ્યા છે. આ ઈમારતના છાપરા પર બરફ છવાઈ ગયો છે. ગોમ્પાના પ્રાંગણની દીવાલો પર બરફ જામી ગયો છે. નેવાના પાણીની ધારાઓ એમને એમ જામી ગઈ છે, જાણે બરફની જાળી રચાઈ હોય એમ લાગે છે. ગોમ્પાના પ્રાંગણમાંથી એક ઝરણું વહે છે. ઝરણું જામી ગયું છે. આકાર ઝરણાનો જ છે, પરંતુ પાણીને સ્થાને બરફ છે. બરફમાંથી ક્યાંક ક્યાંક નાની નાની જલધારાઓ વહી રહી છે. બરફમાં રમતી આ જલધારાઓ માની ગોદમાં રમતા બાળકો જેવી લાગે છે. આ કૂમળા બાળકોને ઠંડી નહીં લાગતી હોય !
ધરતી, પહાડો, ઝરણાં, વૃક્ષો, મકાનો-સર્વત્ર બરફ છવાઈ ગયો છે. માત્ર બે જ રંગ જોવા મળે છે- નીચે સફેદ બરફ, બરફ જેવો સફેદ નહીં, બરફનો સફેદ, નિર્ભેળ સફેદ ! અને ઉપર નીલ. નીલવર્ણી આસમાનનો આ નીલવર્ણ ! હું બરફમાં ફરી રહ્યો છું. બરફને માણી રહ્યો છું અને ઉપરથી બૂમ પડી-
“અરે, સ્વામીજી ! આપ આ બરફમાં ન ફરશો. ઠંડી લાગી જશે. આપ અંદર આવી જાઓ !”
વજ્રયાન-૫_૧
આ બુમ કોની છે ? કુમારેપાની જ હોય ને ! તેમના સિવાય અહીં હિન્દી કોણ બોલી શકે ? હું અંદર અને પછી ઉપર માર રૂમમામ પહોંચ્યો. ગરમ પાણી તૈયાર હતું સ્નાન કરવાની કુમારેપાએ મનાઈ ફરમાવી. હાથ મોં ધોઈને સ્વસ્થ થયો. પ્રાતઃ સંધ્યા-ધ્યાનથી નિવૃત થઈને ખુરશી પર શાંતિથી બેઠો છું અને કુમારેપાએ રૂમમાં પ્રવેશીને કહ્યું-
“આપને ગુરૂજી બોલાવે છે.”
ખંડમાં પહોંચ્યા. ગુરૂજી અને ગુરૂજીની બાજુમાં બીજા ચાર લામાઓ બેઠા હતા. અમે પણ બેઠા.
ગુરૂજીએ કુમારેપા દ્વારા વાતનો પ્રારંભ કર્યો- “રાત્રે ખૂબ હિમવર્ષા થઈ છે. આ વર્ષે હિમવર્ષાનો પ્રારંભ વહેલો થયો છે. આખો વિસ્તાર બરફથી છવાઇ ગયો છે.” આટલું કહી તેઓ શાંત રહ્યા. અમે સૌ પણ શાંત થઈ ગયા. થોડા રહીને ગુરૂજી બોલ્યા-
“આનો અર્થ તમે સમજ્યા ?”
“ના હું કાંઈ સમજ્યો નહીં.”
“આનો અર્થ એમ કે હવે છ માસ સુધી તમારે અહીં જ રહેવાનું છે.”
“છ માસ ? કેમ ?”
બધાના મુખ પર સ્મિત પથરાઈ ગયું. કેટલાક હસી પડયા. આ બધા કેમ હસી પડયા ? હું કાંઈક સમજી ન શક્યો તેથી ? તેમને હું બાઘો લાગ્યો કે શું ? એમ જ થયું. આખરે તેમણે ફોડ પાડી-
“આખો રસ્તો બરફથી છવાઈ ગયો છે હવે છ માસ પર્યંત તમે અહીંથી જોમસુમ સુધી જઈ જ ન શકો અને કદાચ જોમસુમ સુધી પહોંચી શકો તો પણ છ માસ પર્યંત વિમાન વ્યવહાર બંધ રહેશે. એટલે હવે છ માસ સુધી તમારે અહીં જ રહેવાનું છે.”
છ માસ ! અહીં જ રહેવાનું ! હેરત પામી ગયો. હવે સમજ્યો-આ સૌ લામાઓ શા માટે હસ્યા હતા. આ સૌ મારી બાઘાઈ માટે હસ્યા હતા !
છેલ્લા બાર કલાકમાં કેટલા હેરત આવ્યા અને હજુ કેટલા આવશે ? રામ જાણે ! મારી સ્તબ્ધ અવસ્થા જોઈને ગુરૂજીએ મને ધરપત આપતા કહ્યું- “આપ જરા પણ મૂંઝાશો નહીં. અહીં આપને કોઈ કષ્ટ નહીં થાય. આ આપનો જ આશ્રમ છે, તેમ માનજો. અહીં ઠંડી તો ખૂબ પડે છે, પરંતુ તેનો ઉપા તો થઈ રહેશે. આપને અહીં શાકાહારી ભોજન પણ મળી રહેશે. આપ આપના ધર્મ પ્રમાણે અહીં રહી શકશો.”
મારે શુ કહેવું ? મારે હા કહેવી કે ના- કાંઈ સમજાયું નહીં. હવે ‘હા’ કે ‘ના’ નો પ્રશ્ન જ નથી. અહીં રહેવાનું જ છે. જેનો અન્ય વિકલ્પ ન હોય તેનો સર્વથી સ્વીકાર કરી લેવો- આ જ ડહાપણનો માર્ગ છે.
મેં સ્વીકારી લીધું- ભલે, હવે છ માસ પર્યંત મારે અહીં રહેવાનું છે.
આખરે કુમારેપાએ એક સરસ વાત કહી- “આ છ માસ દરમિયાન આપ અમને યોગ શીખવો અને અમારી સાધના પધ્ધતિ અમે આપને શીખવશું. આપ અમને હિન્દુ ધર્મની અધ્યાત્મવિદ્યા સમજાવો અને અમે આપને વજ્રયાન શીખવશું. આપણી પાસે આપલે કરવાનું ઘણું છે. છ માસ તો ટૂંકા પડશે” મેં પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો-

“આ તો તમે મને બહુ ગમતી વાત કહી. કોઈ ધર્મ કે કોઈ અધ્યાત્મ પધ્ધતિ પૂર્ણ નથી. આપણે આ આપલે દ્વારા આપણા ધર્મને અને આપણી અધ્યાત્મ સાધનાને વધુ સમૃધ્ધ બનાવીએ, તે આવકારદાયક જ છે.”
મારા આવા પ્રોત્સાહક પ્રતિભાવથી કુમારેપા અને ગુરૂજી તથા ત્યાં હાજર રહેલાં સૌ રાજી થયા.
ગુરૂજીએ કુમારેપા દ્વારા મને ત્રણ વાતો કહી-“આપ અહીં આપના ધર્મ પ્રમાણે જીવો અને તદ્દનુસાર સાધના ભજન કરો અમે તેમાં કોઈ બાધા નાખશૂં નહીં યથા શક્ય સહાય કરીશું” “અમે માંસાહારી છીએ, પરંતુ આપને માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા અમે કરશું”
“અહીં નો શીયાળો બહુ આકરો હોય છે અને આપના માટે તો વધુ આકરો બની શકે, પરંતુ આપ ચિંતા ન કરશો. આપનું યોગનું શરીર છે અને શીયાળામાં શરીરની ગરમી જાળવી રાખવા માટે અમારિ પાસે કેટલાક ઔષધ્ધ-પ્રયોગો અને કેટલીક યોગ-યુક્તિઓ છે, તે પણ અમે આપને આપશું.” બધું બરાબરા ગોઠવાઈ ગયું. મેં મારા મનને અને મારા શરીરને આદેશ આપી દીધો છે-હવે આપણે છ માસ પર્યંત અહીં જ રહેવાનું છે. તમારા બેમાંથી કોઈ ચૂં કે ચાં કરવાની નથી.
આ છ માસ દરમિયાન આટલું કરવાનું છે- ધ્યાનાભ્યાસ, અધ્યાત્મ શીખવું અને અધ્યાત્મ શીખવવું
અમારી બેઠક પૂરી થઈ. સૌએ મને પોતાનામાંના એક તરીકે એકી અવાજે સ્વીકારી લીધો અને મેં પણ તેમને સ્વજનો તરીકે સ્વીકારિ લીધા.
મેં કુમારેપા દ્વારા ગુરૂજીને કહ્યું- “ભારતમાં એક ઉક્તિ છે- સાધુના સગા સાધુ !”
મારી આ ઉક્તિ સાંભળીને ગુરૂજી ખૂબ રાજી થયા અને મારી સામે જોઈને બોલી ઉઠ્યા. “થુક જી યે” કુમારેપાએ મને તુરત સમજાવ્યું- “થુક જી યે એટલે તમારો આભાર”
મને તિબેટીઅન ભાષાનો પહેલો પાઠ મળી ગયો- થુક જી યે !
અમે સૌ ગુરૂજીના ખંડમાંથી બહાર નીકળ્યા. આગળ ચાલતાં એક નાના રૂમ તરફ મારી નજર ગઈ, ફરી એક વાર હેરત પામી ગયો. આ બૌધ્ધ- ગોમ્પામાં ધનુષ્ય-બાણ ! એક ખૂણામાં ધનુષ્ય અને બાણ ગોઠવેલા છે. અહીંસાના આ પૂજારીઓના આ નિવાસસ્થાનમાં આવા શસ્ત્રો ! આ લામાઓ શીકાર કરતા હશે ? આવું તો ન જ હોય ! તો શું હશે ? કુમારેપા મારા મનોભાવને કળી ગયા. તેમણે સામેથી જ ખુલાસો કર્યો- “આ ધનુષ બાણ મધ પાડવા માટે છે.”
મધ પાડવા માટે ધનુષ બાણ ! ધનુષથી મધ પાડી શકાય ?
આજનો આખો દિવસ હેરત પામવાનો છે. હેરતની આ હારમાળામાં એક મણકો ઉમેરાયો.
અમે આગળ ચાલ્યા. સામે જ ધરતી અને આકાશ એક સાથે દેખાયાં. ફરી એક વાર સ્તબ્ધ થઈ ગયો.સ્વચ્છ નિરભ્ર આકાશ અને તેજપુંજ સૂર્ય ! રૂના પોલ જેવા સ્વચ્છ બરફથી ઢંકાયેલી ધરતી ! મેં દોટ મુકી. આ સૌંદર્યને પામવા. આ ધરતીને ભેટવા ! આ બરફમાં આળોટવા ! કુમારેપા ‘સ્વામીજી ! સ્વામીજી બોલતાં રહ્યા અને હું નીચે ધરતી પર પહોંચી ગયો. દોડીને બરફના એક ઢગલા પર બેસી ગયો !
હું સૌંદર્યઘેલો માનવી છું. મારી આ ઘેલછાને કુમારેપા સમજી ગયા છે. તેઓ મારી પાછળ પાછળ જ આવ્યા. તેમના હાથમાં યાક ચર્મ હતું. યાક ચર્મ એટલે યાકના ચામડામાંથી બનાવેલું આસન ! તેમણે આ આસન બરફ પર પાથરીને કહ્યું- “સ્વામીજી ! આપ આના પર બેસો. ખુલ્લાં બરફ પર બેસવું ઠીક નહીં”
હું યાક ચર્મ પર બેસી ગયો. તેઓ ગોમ્પામાં ચાલ્યા ગયા. આ સૂર્ય ! અદિતિ અને કશ્યપનો પુત્ર તેથી આદિત્ય ! સૂર્યના કિરણો આટલાં કોમળ, આટલા મધુર હોઈ શકે ! માના હાથ જેટલાં મધુર, માના હાથ જેવા કોમળ ! અને આ આકાશ ! વિશુધ્ધ દિપ્તિમાન નીલરંગી ! શ્રીકૃષ્ણ શ્યામસુંદર છે. આ શ્યામસુંદર્નો વર્ણ કેવો હશે ? વિશુધ્ધ દિપ્તિમાન નીલવર્ણ જ હશે ને ? આજના આકાશનો વર્ણ મારા પ્રિયતમ શ્રી કૃષ્ણના વર્ણ જેવો જ છે ! આકાશ જોઈને મને હંમેશા કૃષ્ણ યાદ આવે છે અને આજનું આ ઉજ્જવલ નિલમણિ જેવું આકાશ જોઈને મને યશોદાના ઉજ્જવલ નીલમણિ યાદ આવ્યા ! ખૂબ યાદ આવ્યા !
વજ્રયાન-૫_૨
આ ધરતી અને ધરતી ઢાંકી દેતો શુભ્રધવલ હિમરાશી ! સફેદ રંગ તો અનેકવાર જોયો છે, પરંતુ આજનો આ સફેદ આત્યંતિક શુભ્રધવલ ! સૂર્યના કોમળ કરસ્પર્શને કારણે આ બરફ બહુ ઝડપથી ઓગળવા માંડ્યો છે. અનેક નાની-નાની જલધારાઓ ઝડપથી વહેવા માંડી છે. ચારે બાજુના વૃક્ષો પર લાગેલો બરફ ઝડપથી ઓગળીને નાની-નાની જલધારાઓ કે જલબિંદુઓ રૂપે ઝડપથી ટપકીને ધરતીને ભેટી રહ્યો છે. આ બિંદુઓ ટપકે છે કે મોતીઓ ટપકે છે. સૂર્ય પ્રકાશમાં ચળકતાં આ જલબિંદુઓ મોતીઓની હારમાળા જેવા લાગે છે. આ સૌંદર્ય ! આ સૌંદર્ય શું છે ? આ સૌંદર્ય સ્થૂળ જગતમાં ઉતરી આવેલો પરમાત્મા છે. પ્રભુની અભિવ્યક્તિના અનેક સ્વરૂપો છે- જ્ઞાન, પ્રેમ, આનંદ, શક્તિ, સ્વાતંત્ર્ય, અમરત્વ અને શાંતિ. આવું જ એક સ્વરૂપ છે- સૌંદર્ય પણ તેની જ અભિવ્યક્તિનું સ્વરૂપ છે. કશુંક સુંદર છે એટલે શું ? સુંદર છે એનો અર્થ એમ કે તેમાં પરમાત્મા ડોકીયા કરી રહ્યો છે, સહ્રદ્ય ભાવક્ને સૌંદર્ય આકર્ષે છે. શા માટે ? સુંદર તરફનું આકર્ષણ શું છે ? આપણી અંદર ‘પ્રત્યક ચૈતન્ય’ સ્વરૂપે તે જ અવસ્થિત છે. સૌંદર્યના માધ્યમથી આ સૃષ્ટિમાં તે જ એક સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. આ આકર્ષણ આત્માનું આત્મા પ્રત્યેનું આકર્ષણ છે. તે જ પોતાના પ્રત્યે આકર્ષણ અનુભવી રહ્યો છે. મહાચૈતન્ય ગુપ્ત થઈ જાય, ગુપ્ત થઈને પ્રગટ થાય અને પ્રગટ થઈને પોતાના સ્વરૂપ પ્રત્યે આકર્ષણ અનુભવે ! આ લીલાધરની લીલા તો જુઓ !
એક વાર કોઈકે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પાસે એક મહાવાક્ય રજૂ કર્યું-
સત્યમ શિવમ સુંદરમ !
ગુરુદેવે આ મહાવાક્ય પર છેકો મારીને લખ્યું-
સુંદરમ સત્યમ શિવમ !
ગુરુદેવ સૂચવે છે- સુંદરમ દ્વારા સુંદરમના માધ્યમથી સત્યમની પ્રાપ્તિ અને સત્યમનું પરિણામ શિવમ.
પ્રકૃતિ- રહસ્યવાદીઓ પણ આમ જ કહે છે. સૌંદર્ય મહચૈતન્યની અભિવ્યક્તિ છે અને સૌંદર્યના માધ્યમથી તે મહાચૈતન્ય સુધી પહોંચી શકાય છે. ગુરુદેવ ટાગોરે અને વર્ડ્ઝવર્થે માત્ર આમ કહ્યું જ નથી, આમ અનુભવ્યું પણ છે. પ્લેટોએ પોતાના એક મુલ્યવાન ગ્રંથ ‘રિપબ્લીક’માં કહ્યું છે- કોઈ માનવી પર સંગીતની અસર ન થાય તો તેનો ભરોસો ન કરવો કારણ કે તે હ્રદયહીન માનવી છે. રહી રહીને મારા મનમાં વિચાર આવે છે- આમ પણ કહી શકાય- કોઈ માનવી પર સૌંદર્યની અસર ન થાય તો તેનો પણ ભરોસો ન કરવો, કારણ કે તે હ્રદયહીન માનવી છે.
સૌંદર્યનું પાન કરતાં કરતાં હું સૌંદર્યમાં ડૂબી ગયો. બધુ તદાકાર બની ગયું.
જાગૃત અવસ્થામાં આવ્યો ત્યારે કુમારેપા મારી સામે ઉભા ઉભા બોલી રહ્યા હતા-
ઓમ મણિ પદ્મે હુમ
ઓમ મણિ પદ્મે હુમ

મેં આંખ ખોલી અને તેઓ બોલ્યા “સ્વામીજી ! બપોરના ભોજન નો સમય થયો છે. આપ પધારો”
તેઓ તો આટલું કહીને સડસડાટ ચાલ્યા ગયા અને હું અનિચ્છાએ માંડ માંડ ચાલતો અંદર પ્રવેશ્યો.(ક્રમશઃ)
– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૨૮-૦૮-૨૦૧૪